Tuesday, April 22, 2025

આપણું વિશ્વ કેવું મોટું અને મહાન?

આપણું વિશ્વ કેવું મોટું અને મહાન? આપણી પૃથ્વી કેવડી મોટી? સાત સમુદ્ર, અફાટ જમીન, એકાવન કરોડ ચોરસ કિલોમીટર વિસ્તાર અને તેનો પરિઘ ૪૦,૦૭૫ કિલોમીટર. બધાં અવકાશી પદાર્થો ગતિશીલ છે. કારમાં બેસી પ્રવાસ કર્યો હશે. એક કલાકના ૮૦ કે ૧૦૦ કિલોમીટરની ઝડપે કાર દોડે ત્યારે કેવું લાગે? સ્પીડ જો વધીને ૧૨૦-૧૪૦ થઈ જાય તો કેવો ડર લાગે? આપણી પૃથ્વીની ઝડપ અનુભવી છે? તે પોતાની ધરી પર કલાકના ૧૬૭૦ કિલોમીટર અને સૂર્યની આજુબાજુ કલાકના એક લાખ સાત હજાર કિલોમીટરની ઝડપે પ્રદક્ષિણા કરી રહી છે. સૂર્યનો એક આંટો મારતાં તેને એક વર્ષ એટલે કે ૩૬૫ દિવસો થાય છે. આપણે પણ પૃથ્વી વિમાનમાં બેસી સૂર્યનો એક આંટો મારી દર વર્ષે આપણો જન્મદિવસ ઉજવીએ છીએ. આ ચાંદા મામા તો એક સેકન્ડમાં ૧૦૨૨ કિલોમીટર ચાલી જાય એટલે કે કલાકના છત્રીસ લાખ ઓગણ્યાએંસી હજાર અને બસો કિલોમીટરની ઝડપે પૃથ્વી ફરતો આંટો ૨૭ દિવસમાં પૂરો કરી લે. આકાશમાં કોઈને કોઈનો અવરોધ નથી તેથી ઘર્ષણ નથી અને એકની સાપેક્ષમાં બીજા એટલા બધાં દૂર છે તેથી આપણને ગતિ વરતાતી નથી. બાકી રોજ સવાર સાંજ થાય, ચંદ્રની કળાઓ થાય અને તે સ્થાન બદલતો રહે તેથી બધું ગતિ કરી રહ્યું છે તે તો સમજાય. શું ક્યારેક આકાશ તરફ મીટ માંડી આ અચરજને નિહાળવાનું કે કુતૂહલ માણવાનું મન થાય છે ખરું? જો હા, તો જીવતા છીએ. આપણો સૂર્ય પણ કેટલો મોટો? ત્રણ લાખ ત્રીસ હજાર પૃથ્વી સમાય જાય તેટલો વિશાળ. પૃથ્વીના ક્ષેત્રફળ કરતાં તેનું ક્ષેત્રફળ ૧૨૦૦૦ ગણું મોટું, ૬.૦૯ ને ૧૦ ની ઘાત ઉપર ૧૨ મીંડા ચડાવી ગુણીયે તેટલું મોટું. તેનો પરિઘ થાય ૪૩.૭૯ લાખ કિલોમીટર. આ સૂર્ય તેના પરિવાર સાથે માતા આકાશ ગંગા (મંદાકિની)માં રહે અને ફરતો જાય. આપણી આકાશગંગાનું એક કેન્દ્ર જેને સેગીટેરીયસ એ (ધનુ એ) તરીકે ઓળખીએ છીએ, તે એક બ્લેક હોલ છે અને તે આપણાં સૂર્યથી ૪૩ લાખ ગણો મોટો છે. આ બ્લેક હોલને કેન્દ્ર બનાવી આખી આકાશગંગા ફરે. સૂર્ય તેમાં પોતાનું સૂર્ય મંડળ લઈ એક કલાકના સાડા ચાર લાખ કિલોમીટરની ઝડપે ફરે તો પણ તેને એક પ્રદક્ષિણા પથ પૂરો કરતાં ૨૦ કરોડ વર્ષ લાગે. વળી આપણી આકાશગંગા જે જૂથમાં રહે તેને વિર્ગો (કન્યા) ક્લસ્ટર કહેવાય છે તેમાં આપણાં જેવી બીજી ૧૩૦૦ થી ૨૦૦૦ ગેલેક્સીઓ આવેલી છે. વળી આ કન્યા ક્લસ્ટર જેવાં બીજા એકાદ કરોડ ક્લસ્ટર તો હશે. દેખાતાં આ વિશ્વનો વ્યાસ અંદાજે ૯૩૦૦ કરોડ પ્રકાશ વર્ષ અનુમાન કરાયો છે. વળી પાછું તે સેંકડના ૭૦ કિલોમીટરની ઝડપે વિસ્તરી રહ્યું છે. અધધધ! છે ને અદ્ભુત? આશ્ચર્યજનક! આ તો થઈ એક બ્રહ્માંડની વાત. તેને થયે હજી ૧૩૦૫ કરોડ વર્ષ થયાં છે. આવા તો ગગનમાં બીજાં કેટલાં બ્રહ્માંડો હશે તેની કોઈને ખબર નથી. અસ્તિત્વ (ભગવાન) એટલું મોટું છે કે તેના રૂંવાડે રૂંવાડે એક એક વિશ્વ છે. આદિ મધ્ય અંત વિનાનું અનંત. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે. આ વિશાળ અસ્તિત્વમાં જ્યાં આપણો સૂર્ય રેતના એક કણ જેટલો હોય અને આપણી પૃથ્વી ધૂળની એક રજ જેટલી હોય ત્યાં આપણી હાજરી કે આપણાં અભિમાનની શી વિસાત? રાત્રે આકાશમાં જે તારા જોઈએ છીએ તેમાં કોઈ ૧૦૦ વર્ષ જૂના તો કોઈ હજાર વર્ષ જૂના, કોઈ બે હજાર તો કોઈ પાંચ હજાર કે હજારો વર્ષ જૂનાં છે. તેમના પ્રકાશનું કિરણ એક સેકંડના ત્રણ લાખ કિલોમીટર ઝડપે આપણી તરફ આવી રહ્યું છે પરંતુ તેઓ આપણાથી એટલા દૂર છે, એટલા દૂર છે તેમના પ્રકાશના કિરણોને આવતાં હજારો, લાખો, કરોડો વર્ષ લાગી જાય છે. આપણે જોઈએ છે તે તેમનાં કિરણો છે. તેઓ તો અત્યારે કોઈ બીજી જગ્યાએ હશે. આટલાં વિશાળ અસ્તિત્વમાંથી શું લઈ જવાના અને શું મૂકી જવાના? શું ભેળું કરી લેવાના અને શું ગુમાવી દેવાના? તેથી ચિંતા છોડો, ફિકર ફેંકો ચૂલામાં અને મોજ કરો. જો જો પાછું મોજની વાત આવી એટલે કોથળી કે બાટલી હાથમાં ન આવી જાય? બીજાની મોજ બગડી જાય. રાજી રહેવું અને બધાંને રાજી રાખવા. હાં, ન્યાયમાં રહેવું. અણઘટતું કોઈનું ન લેવું. એકબીજા પ્રત્યે પ્રેમ અને આદરભાવ રાખવો. નાનકડી યાત્રા છે ક્યારે ખતમ થઈ જશે, કોને ખબર? અબજો આવ્યાં અને ગયાં, અસ્તિત્વ જેમનું તેમ છે. સદાય તાજું, રમણીય. તેના આનંદ સંગ નાચી લેવામાં મોજ છે, જેમ કૃષ્ણ સંગ રાધા. જય હો. પૂનમચંદ ૨૨ એપ્રિલ ૨૦૨૪

0 comments:

Post a Comment

Powered by Blogger.