Monday, March 24, 2025

લીવર (યકૃત)

લીવર (યકૃત) છાતીની પાંસળીનાં પોલાણમાં જમણી બાજુ ફેફસાંની નીચે આવેલું સરેરાશ ૧૪ સેન્ટિમીટર અને સવા દોઢ કિલો વજનનો એક ફૂટબોલના દડા જેવડું આપણું લીવર શરીરની સૌથી માટી રાસાયણિક ફેક્ટરી છે. લીવર ગયું તો નક્કી માણસ ગયો. તેના ઘણાં ઘણાં કામ છે. લીવરનું સૌથી મોટું કામ તો ઝેરને ગાળવાનું છે. ઝેર ચાહે સાપનું હોય કે ખોરાકનું કે કોઈ કેફી પીણાંનું લીવર કામે લાગી જાય. પરંતુ તે પણ જ્યારે થાકી જાય એટલો લોડ આપીએ તો આપણાં રામ રમી જાય. કેટલીકવાર કમળો કે વાયરસની બીમારીથી પણ લીવરનું નુકસાન થાય તેમાં વ્યક્તિનો દોષ ન જોવાય. લીવરનું બીજું મોટું કામ ખોરાક પચાવવાનું. આપણાં શરીરના રક્તકણો જૂના થાય એટલે લીવર તેમાંથી પિત્ત બનાવે જે પિત્તાશયમાં થઈ નળી મારફતે આંતરડામાં આવે જેની મદદથી આપણે ખોરાકમાં લીધેલાં ચરબી અને તૈલી પદાર્થોનું પાચન થાય. આપણાં મળનો પીળાશ પડતો રંગ લીવરના બાઈલનો પુરાવો છે. સારું આરોગ્ય જોવાં પેશાબ અને ઝાડો જોવાની આયુર્વેદિક પરંપરા ખૂબ જૂની છે. કર્મયોગ માટે પ્રભાતે કરદર્શનમ્ મંત્રની સાથે પ્રભાતે મળદર્શનમ્ પણ એટલું જ મહત્ત્વનું છે. આપણી પાચનક્રિયા પણ અદ્ભુત છે. પેટમાં એસિડ પેપ્સીન શ્રવે જે પ્રોટીન ખોરાક પચાવે અને નાના આંતરડામાં લીવર અને સ્વાદુપિંડમાંથી પાચક રસ શ્રવે જે અનુક્ર્મે કાર્બોહાઇડ્રેટ અને તૈલી પદાર્થોનું પાચન કરે. લીવર વળી પાછું આંતરડાનું Ph વધારી આલ્કલાઇન કરી આપે જેનાથી લોહીની એસીડીટી ઓછી થાય. લોહીમાં એસીડીટી વધી જાય તો અનેક રોગો થાય જેમાં હ્રદયરોગ અને નેત્રરોગ પણ આવી જાય. આપણે જે પણ ખાઈએ, રોટલાં ખાઈએ, દાળ ખાઈએ, દાળ-ભાત ખાઈએ, ખીચડી-કઢી ખાઈએ, માંસ-માછલી કે ઈંડાં ખાઈએ, બધું જ ગ્લુકોઝ (સુગર) બની જાય. શરીરની કોશિકાઓ (cells) એક ઘડી પણ સુગર અને ઓક્સિજન વિના ન રહી શકે. તે તેનો પ્રાણ છે. તેથી ભગવાને ફેફસાં મારફત ઓક્સિજન અને પેટ-આંતરડા મારફત સર્કરા પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી છે. પરંતુ લોહીમાં સર્કરાનું એક માપ જાળવવાનું હોય છે. માપ કરતાં વધારે સુગર રહે તો લાંબાગાળે આંખો નબળી પડે, કીડની નબળી પડે અને હ્રદય કંઈ કહ્યાં વગર એકાએક બંધ પડી જાય. નાનું એવડું સ્વાદુપિંડ તેથી જ ઈન્સ્યુલિન મોકલી સર્કરાનું પ્રમાણ નિયમિત કરે. જેટલી જરૂરી હોય તેટલી સર્કરા રાખી બાકીની ગ્લાઈકોજનમાં રૂપાંતરિત કરી દે જેને લીવર સ્ટોરહાઉસ બની રાખી લે. આપણે કાંઈ આખો દિવસ ખા-ખા નથી કરતાં, તેથી જ્યારે લોહીમાં સર્કરા ઓછી થાય ત્યારે સ્વાદુપિંડ ગ્લુકાગોન શ્રાવ કરી લીવરને સિગ્નલ આપે તેથી લીવરમાં સંગ્રહિત ગ્લાઈકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરી લોહીમાં સર્કરાનું પ્રમાણ જાળવી રાખે. ડાયાબિટીસના દર્દીઓએ તેથી જ તો સ્વાદુપિંડ (pancreas) અને યકૃત (liver) એમ બે પ્રકારે સારવાર કરવી પડે. લીવરનું સ્ટોરહાઉસ લગભગ બંધ હોય એટલે તેમણે જાતે જ સુગરનો હિસાબ જાળવવો પડે. દિવસમાં એકસાથે બે કે ત્રણવાર જમવાને બદલે તેટલો જ ખોરાક દશ ભાગ કરી દિવસમાં ટૂકડે ટુકડે જમવાથી સારું સંચાલન કરી શકાય. લીવરનું એક બીજું કામ જુદાજુદા વિટામિન્સ સંગ્રહ કરવાનું અને શરીરમાં ઉણપ ઊભી થાય એટલે જરૂરિયાત મુજબ પૂરાં પાડે છે. આપણો હ્રદય પંપ બિચારો પળના વિરામ વગર પંપીંગ કર્યા જ કરે. એક દિવસમાં એક લાખ વાર ધબકે. એક મિનિટમાં ૫-૬ લીટર લેખે એક દિવસમાં ૭૨૦૦ લીટર લોહી પંપ થાય. ૮૦ વરસનું આયુષ્ય ગણીએ તો આપણું હ્રદય ૧૬ કરોડ લીટર એટલે કે ત્રણ સુપર ટેંકર જેટલું લોહી પંપ કરી આપે. પરંતુ તેણે તો મગજ, હ્રદય, ફેફસાં, કીડની, લીવર, આંખો, હાથ-પગ, શરીરનાં એકએક ભાગને જિવાડવાં તેનાં એક એક સેલને જીવતાં રાખવાં લોહીનો એકદમ ચોકખો માલ જોઈએ. તેથી તેની મદદમાં ફેફસાં, લીવર, પેનક્રીયાસ, કીડની વગેરે આવી જાય. ફેફસાં પ્રાણવાયુ લઈ અંગારવાયુ બહાર કાઢે, નાનું આંતરડું જરૂરી પોષક તત્વો શોષી લે, સ્વાદુપિંડ સુગર નિયંત્રિત કરે, કીડની યુરિયા વગેરે કચરો ફિલ્ટર કરી કાઢી આપે, લીવર ઝેરી પદાર્થો દૂર કરે પછી હ્રદયને શુદ્ધ લોહી આખા શરીરને પિરસવા મોકલી આપે. અને તેમ કરતાં આપણો જીવનરથ ચાલતો રહે. આપણે મોજ કરીએ. ખાઈએ, પીએ, કામ કરીએ, પૈસા કમાઈ કુટુંબનું ભરણપોષણ કરીએ અને નવરાં પડીએ એટલે કોઈકનું પૂરવાંમાં કે ખોદવામાં લાગી જઈએ. મનુષ્ય દેહ આપણાં માતા પિતા અને પરમેશ્વરે આપેલી એક અદ્ભુત ભેંટ છે. તેની કિંમત કરોડોમાં આંકી શકાય. આવો હીરો આપણી પાસે હોય તો પણ આપણે લાચાર થઈ બેઠાં રહીએ તે કેમ ચાલે? કેટલાક કાલિદાસ જે ઝાડની ડાળી પર બેઠા હોય તેને કુહાડીના ઘા મારી તે ડાળી કાપ્યાં કરે. તેમને ખબર નથી કે જેવી ડાળી કપાઈ ગઈ એટલે નીચે પડવાનાં, રામ રમી જવાનાં. જીવન આયુષ્ય તેનાં નિર્ધારિત લક્ષને પૂરું કરી ભલે પૂર્ણ થાય પણ સામે ચાલી પોતાના સગા હાથે તેનો વધ ન કરાય. લીવરની રક્ષા કરવાં તળેલાં, ચરબીયુક્ત પદાર્થોનું સેવન ઘટાડીએ. કેફી પદાર્થો પીવાનું બંધ કરીએ. ડાયાબિટીસના દર્દીઓએ સીધી ખાંડ મિઠાઇ ન આવી અને દિવસમાં લેવાના કુલ ખોરાકના આઠ દશ ભાગ કરી ટૂકડે ટૂકડે ભોજન પૂરું કરી લીવરનું કામ જાતે કરવું. દવાઓ નિયમિત લેવી. પૂનમચંદ ૨૪ માર્ચ ૨૦૨૫

0 comments:

Post a Comment

Powered by Blogger.