મનખાનો મેળો
મનખાનો મેળો
મનુષ્ય જીવન જીવવાનો આ અનેરો લ્હાવો છે. ગયેલો સમય પાછો આવવાનો નથી અને આવનારો સમય પણ જો આમ જ વેડફીને જીવી ગયા તો અંત વેળાએ પસ્તાવો જ રહેવાનો.
ખબર છે, આપણે સૂર્ય કરતાં પણ મોટાં કારણ કે સૂર્યને પોતે છે તેની ખબર નથી. તે ધારે તો પંણ પોતાની મરજી મુજબ ચાલી ન શકે. તેને એક ચક્રમાં બેસાડી ફીટ કરી દીધો તેને જ્યાં સુધી તેનો હાઈડ્રોજનનો ખજાનો ખાલી ન થાય ત્યાં સુધી ચાલ્યે જ રાખવાનું. આપણે તો જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠીએ, જ્યારે ઊંઘવું હોય ત્યારે ઊંઘીએ, વાંચવું હોય તો વાંચીએ નહિંતર મોબાઇલ ફેરવ્યા કરીએ, કામ પર જવું હોય તો જઈએ નહિતર ગપાટા માર્યા કરીએ. આઝાદ પંખીઓ આપણે સૌ. વાઘ, સિંહ, દીપડાં, હરણ, ગાય, હાથી, ઘોડા, હંસ, કાગડા, ચકલી, મોર, પોપટ, માખી, મચ્છર વગેરે અસંખ્ય જીવરાશિઓના સમૂહને ન સમજાય તેની આપણને ખબર પડી જાય. આપણાં વૈજ્ઞાનિકોએ અનેક શોધખોળો કરી આપણું જીવન સુખમય બનાવી દીધું છે. વિશાળ પૃથ્વી પટ પર ૬૦-૭૦-૮૦ વરસનું આયખું લીધેલા આપણે જાણે તેના બેતાજ બાદશાહ હોઈએ તેમ જીવીએ છીએ. જાણે અમર પટ્ટો લઈને આવ્યા હોય.
બુદ્ધિ કોના બાપની? વિચાર બડો સાર છે તેના રૂપિયા એક હજાર છે. મનુષ્ય બુદ્ધિની વિચાર કરવાની શક્તિએ તેને અવનવી વિદ્યા શોધતો અને શીખતો કરી વિરાટ બ્રહ્માંડનું માપ કાઢતો કરી દીધો છે. નજીવી આંખે દેખાય તેનાથી મહા વિરાટ આકાશને તેણે દૂરબીનથી જોયું અને પછી તો દૂરબીન એવું વિકસાવ્યું કે છેલ્લે આકાશમાં મૂકેલા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપથી પાંચસો કે હજાર કરોડ વર્ષ પહેલાં આપણું બ્રહ્માંડ કેવું હતું તેનો ફોટો બનાવી રજૂ કરી દેવામાં આવે છે. બધાંને થતું હશે કે જે પળ ગઈ તેનો ફોટો ન પડી શકે તો પછી પાંચસો કરોડ વર્ષ પહેલાંનો ફોટો કેવી રીતે પડે? માણસે પ્રકાશના કિરણોનો અભ્યાસ કર્યો. સફેદ પ્રકાશના એક કિરણમાં મનુષ્યની આંખે દેખાતાં જુદીજુદી તરંગ લંબાઈ અને આવર્તનનો અભ્યાસ કરી સાત રંગો ઓળખી પાડ્યાં પછી તેમાં વધું સૂક્ષ્મ અભ્યાસ કરી આંખે ન દેખાતાં પરંતુ છે તેવાં ગામા, એક્સ રે, અલ્ટ્રાવાયોલેટ, ઈન્ફ્રારેડ, રેડિયોવેવ, માઈક્રોવેવ વગેરે શોધી કાઢ્યાં. આપણાંથી લાખો કરોડો વર્ષ દૂર રહેલાં અવકાશી પદાર્થોનો પ્રકાશ આપણે ત્યાં હજી હવે પહોંચે તેને ઝીલીને કરોડો વર્ષ પહેલાં તે કેવાં હતાં તેનું ફોટો બનાવી લઈએ. લાગે છે ને અચરજ જેવું? આપણો સૂરજ પણ આપણને આઠ મિનિટ વીસ સેકંડ પહેલાંનો અને ચંદ્ર પણ એક મિનિટ ૨૬ સેકંડ પહેલાંનો દેખાય છે. પ્રકાશનું કિરણ પદાર્થને અથડાઈને આપણી આંખમાં પડે પછી આપણને દેખાય. તેથી જે પણ જોઈએ તે બધું ભૂતકાળ જ છે. પ્રકાશની ઝડપ કેટલી? એક સેકંડમાં ત્રણ લાખ કિલોમીટર. એક વર્ષમાં આ ઝડપે પ્રકાશ ગતિ કરે તેને પ્રકાશ વર્ષ કહેવાય અને એ રીતે લાખો કરોડો પ્રકાશ વર્ષ દૂર રહેલાં અવકાશી પદાર્થોનું તેના પ્રકાશ કિરણોને પકડીને તે આપણાંથી કેટલાં દૂર છે તેનું માપ કાઢી લેવાય. સૂરજ તે રીતે આપણાંથી ૧૪ કરોડ ૯૦ લાખ કિલોમીટર અને ચંદ્ર ત્રણ લાખ ચોર્યાસી હજાર કિલોમીટર દૂર છે.
આ વિશ્વ એક હરતી ફરતી ટ્રેન છે. આપણી પૃથ્વી ટ્રેન પણ પોતાની ધરી પર કલાકના ૧૬૦૦ કિલોમીટરની ઝડપે ફરી ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે; અને સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરવાં કલાકનાં એક લાખ સાત હજાર કિલોમીટરની ઝડપે ફરે ત્યારે ૩૬૫ દિવસે એક ચક્કર પૂરું કરે. આપણે કાર કે બસમાં બેસીએ ત્યારે ૬૦-૭૦ કિલોમીટરથી ઝડપ વધે એટલે જીવ તાળવે ચોંટી જાય. તેની સામે આ ઝડપની તો કલ્પના જ ક્યાંથી કરીએ?
આપણું દેખાઈ રહેલું વિશ્વ અનેક રહસ્યોથી ભરેલું છે. આપણું સૂર્ય મંડળ તો તેનો એક કણ જ સમજી લો. વિશાળ દેખાતાં સૂર્યના બે ટકા માલમાં પૃથ્વી, ગુરૂ, શનિ, મંગળ, શુક્ર, બુધ, યુરેનસ, નેપ્ચ્યુન, તથા તેના ચંદ્રો આવી જાય. પરંતુ તે બધાં મળી આપણી દાદી નિહારિકા આકાશ ગંગાના કુટુંબનો સાત કરોડ ત્રીસ લાખમો ભાગ થાય. આપણી આકાશગંગાનો વ્યાસ એક લાખ પ્રકાશ વર્ષ છે, અને તેના કુટુંબમાં આપણાં સૂર્ય મંડળ જેવાં દશ હજાર કરોડથી ચાલીસ હજાર કરોડ તારા સમૂહો છે. વાત અહીં અટકતી નથી. આપણાં એક દેખાતાં બ્રહ્માંડમાં આપણી દાદી આકાશગંગા જેવી એકસો કરોડ ગેલેક્સીઓ છે. વળી આ તો થઈ વાત આપણાં બ્રહ્માંડની. તેની પેલે પાર બીજા કેટલાં બ્રહ્માંડ છે તેની ખબર નથી. હશે બીજા કરોડો, ખરબો. ભાગવતના પંડિતોએ કલ્પના કરી હતી કે ભગવાન વિષ્ણુના એક રુવાંડે કરોડો બ્રહ્માંડ નાચે છે તે ઉક્તિ સાચી જણાય.
આવા વિરાટમાં આપણને મળેલો ચૈતન્ય જીવન, મનુષ્ય અવતાર કેટલો કિંમતી ગણાય? પળ પળ ચેતનાના સમુદ્રમાં ગોતાં મારતો આ જીવન સંસાર સાગરમાં ડૂબી પોતાના ચૈતન્ય આત્મ સ્વરૂપને ભૂલી દુઃખી દુઃખી દેખાય ત્યારે મૂંઝવણ થાય. આમ તે કેમ? નાના કૂવાના દેડકાંની જેમ ફૂલે, જરીક કૂદે અને પછી રામ થઈ જાય. આત્માનંદ ને દુઃખ કેવું? પરંતું તે માટે આત્માનંદને ઓળખવો પડે.
ગંગા સતી કહેતાં, વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે જી. સાવધાન થઈ જાઓ. અમૂલ્ય હીરો મળ્યો છે તેના ચૈતન્યનો લાભ ઉછાવી માલામાલ થઈ જવાનો અવસર આ મનખા દેહ છે. ખુદ આનંદિત રહીએ અને આસપાસના જગતને આનંદિત રાખીએ. ૨૧૬૦૦ શ્વાસની દૈનિક દોરીને સદાચારમાં વાપરી જીવન ધન્ય કરી માં પૃથ્વીનું ઋણ ચૂકવી જઈએ.
પૂનમચંદ
૨૧ માર્ચ ૨૦૨૫
અતિ સુંદર સર👌
ReplyDelete