એ પોપટ
એ પોપટ
નાનપણમાં બાળવાર્તા સાંભળેલી. એક પોપટ આળસું, કામ ધંધો કંઈ કરે નહીં અને ઘરના રોટલે ધિન્તાક કરે. છેવટે પોપટી માંએ તેને ઘર બહાર કાઢી મૂક્યો. પોપટ તો દૂર ચાલ્યો ગયો. ત્યાં આંબાવાડિયું આવ્યું એટલે તેમાં રોકાઈ ગયો. આંબે મોર આવે, કેરી આવે, પોપટને તો મજા પડી ગઈ. તેને થયું લાવ મારી માવડીને કહેવડાવું કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. તેણે ગાયોના ગોવાળને વિનંતી કરી કે તેની માડીને સંદેશો આપી આવે કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. પરંતુ ગોવાળ કહે મારી ગાયોને એકલી મૂકી ન જવાય. તેણે પોપટને શાંતવના આપવાં એક ગાય ભેટ આપી. પછી તો ભેંસ ચરાવનારાએ ભેંસ, બકરી ચરાવનારાએ બકરી, ઘેટાં ચરાવનારાએ ધેટું, ઘોડા ચરાવનારાએ ઘોડો, ઊંટ ચરાવનારાએ ઊંટ, હાથી ચરાવનારાએ હાથી ભેંટ આપ્યો. એમ એક પછી એક બધાં પોપટને ભેટ આપતાં ગયા. પોપટે તે બધાંને વેચી ખૂબ બધાં પૈસા મળ્યાં તેનાં દાગીના ઘડાવી પહેર્યા અને સોનાના સિક્કા બધાં પાંખમાં ભરી પોતાની માં ને જાતે ખુશીના સમાચાર આપવા નીકળી પડ્યો. માં ના દરવાજે આવી તેણે અવાજ કર્યો. બારણાં ઉઘાડો, ઢોલિયા ઢળાવો, શરણાઈઓ વગડાવો. પરંતુ રાત પડી ગઈ હતી તેથી ચોરની બીકે ના માંએ દરવાજો ખોલ્યો કે ના બહેને. પોપટ પછી દાદીને ઘેર ગયો. દાદીએ દરવાજો ખોલી તેને મીઠા લાડથી વધાવ્યો. પોપટે પાંખો ખોલી દાદી સામે ધન ઠલવ્યું અને દાદીને માંડીને બધી વાત કરી. પછી સવાર પડી એટલે માં, બહેન, કુટુંબીઓ ભેળાં થયાં અને પોપટ ધન કમાઈ પાછો આવ્યો તે જાણી ખૂબ રાજી થયાં. તેને અભિનંદન આપ્યાં. તેના ઓવારણાં લીધાં અને તેની ખૂબ જ આગતા સ્વાગતા કરી. સૌએ મજા કરી.
પોપટ આમ તો મોજીલું પક્ષી. તેની ગ્રહણ શક્તિ ઊંચી અને માણસના અવાજની નકલ કરી બોલવામાં ફાવટ તેથી મનુષ્ય જાતિનું પ્રિય પક્ષી. પઢો રે પોપટ રાજા રામનો. રાજાનો પોપટ, બે પ્રેમીઓનો પોપટ, પાંજરાનો પોપટ, એવાં પોપટના ઘણાં રૂપ. બળકોને તો તે ખૂબ જ ગમે. પોપટ-મિઠ્ઠુ કરી પાંજરાના પોપટને રમાડવા બાળકોમાં હોડ જામે. પરણેલી મહિલાઓને તો પોપટ એટલો ગમે કે સાડીઓની ભાતમાં મોર અને પોપટ ન હોય તો તેવી સાડી ન ગમાડે. તોરણે પોપટ, માંડવે પોપટ, રંગોળીમાં પોપટ. પોપટીયા ભાત એટલે ખુશહાલી અને જાહોજલાલીની નિશાની.
પોપટની ગ્રહણ શક્તિ અને બોલાવે તેમ બોલવાની આદતને કારણે જ કેટલીક વાર આજ્ઞાંકિત સેવક ને માલિકનો પોપટ કે આજ્ઞાંકિત પતિને પત્નીનો પોપટ કહી નવાજવામાં આવે છે. લાડમાં બગડેલાં બાળકને પણ માંનો પોપટ કે દાદીનો પોપટ કહેવાય છે. પહેલાં તો જમાઈ ચશ્માવાળો હોય તો સાસરીમાં તેનું નામ પોપટલાલ પડી જતું. વધારે પુસ્તક વાંચેલો પતિ વધારે કેળવાયેલો હોય તેથી પતિનો આજ્ઞાંકિત થતાં વાર નહીં લાગતી હોય. પરણેલી સ્ત્રીઓ આ કારણે તો સાડીમાં પોપટ ભાત નહીં ગમાડતી હોય? નાકના આકાર પરથી કોઈક પોપટલાલ નામ સહન કરી લે પરંતુ પત્નીનો પોપટલાલ કહે તો કેટલાક પતિના પતિપણાના અહંકારને ચોટ પહોંચતી. આપણે ત્યાં પણ માં ના લાડ લડાવેલા કે દાદીના લાડ લડાવેલા કે પત્નીએ પોપટ બનાવેલા પોપટ જરૂર જોવા મળતા હશે.
થોડા દિવસ પહેલાં ઉંઝા ગયેલો. ત્યાં ઉમિયા માતાના મંદિરે પોપટો ઉડતા જોયાં. ત્યાંના પોપટોને સાકરિયા ચણવાની આદત. મંદિરની દિવાલે આવીને બેસે અને કોઈ હથેળીમાં સાકરિયા રાખી ધરે તો હથેળીમાં આવી સાકરિયું ચણી જાય. ઉંઝાના પોપટો સાકરિયા ખાઈ ખાઈને ક્યારેક એટલા ધરાઈ જાય કે પછી સાકરિયા ભરેલો હાથ હોય તો પણ તેની સામે નજર ન કરે.
વાર્તાના પોપટને તો કામ કર્યા વિના ધન મળી ગયું પરંતુ આ જગતમાં કમાયા વિના કોઈનું ભલું થતું નથી. એટલે પોપટ બનો તેનો વાંધો નહીં પરંતુ પુરુષાર્થ કરવાનું ન ભૂલશો.
કેટલાક માણસો વળી દેખાય પોપટ જેવા પણ નીકળે સૂડા (પોપટ જેવું પક્ષી, મીઠું બોલી છેતરે). લોકગીતમાં તેથી જ ગવાયું “હે અલ્યા પોપટ જોણીને મેં તો પોંજરું ઘડાયું લ્યા સૂડલા, એ સૂડલા,સૂડલા,સૂડલા તારી બોલી મને મેઠી મેઠી લાગે..” પોપટની કરો મોજ પણ સૂડલાથી રહો સાવધાન.
પૂનમચંદ
૩ માર્ચ ૨૦૨૫
0 comments:
Post a Comment