Tuesday, February 25, 2025

સિદ્ધરાજ જયસિંહ અને દાહોદનું છાબ તળાવ

સિદ્ધરાજ જયસિંહ અને દાહોદનું છાબ તળાવ મધ્યકાલીન ભારતના બે મોટા રાજ્યો ગુજરાત અને માળવાની દોહદ પર આવેલું દાહોદ શહેર મહત્ત્વનું વેપાર કેન્દ્ર છે. એક તરફ દધિમતી નદી જેના કાંઠે દધીચી ઋષિનો આશ્રમ જેણે ઈન્દ્રને અસુરો સામે વિજયી થવા વજ્ર બનાવવા પોતાનાં હાડકાંનું દાન આપેલું તેવા દાહોદ નગરની ઐતિહાસિકતાને પ્રાચીન ભારત સાથે જોડે છે. બીજી તરફ ગુજરાતના ચક્રવર્તી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહને માળવા ચડાઈ વખતે પડાવ અને મુઘલીયા સલ્તનતનો સૌથી મોટા શહેનશાહ ઔરંગઝેબની જન્મભૂમિ તરીકે તેની મધ્યકાલીન ઐતિહાસિક મહત્તા દર્શાવે છે. પરેલ, ગંજ બજાર, ઝાયડસ મેડીકલ કોલેજ હોસ્પિટલ અને સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવથી શોભતું વર્તમાન દાહોદ ગુજરાતમાં રેલવે, વેપાર, શિક્ષણ અને આરોગ્ય તથા પર્યટનનું પ્રમુખ પૂર્વીય કેન્દ્ર છે. આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ચાલુક્ય (સોલંકી) શાસનની અને તેમણે દાહોદને ભેંટ કરેલ છાબ તળાવની. ગુજરાતમાં સોલંકી (ચાલુક્ય) વંશનું રાજ અપ્રતિમ શૌર્ય અને યશગાથાઓથી ભરેલું છે. ચાવડા શાસકને ઉથલાવી મૂળરાજે ઇસવી સન ૯૪૧માં ગુજરાતમાં ચાલુક્ય રાજની સ્થાપના કરેલ. અણહિલવાડ પાટણને રાજધાની બનાવી સોલંકી રાજાઓએ લગભગ ૩૦૦ વર્ષ (સન ૯૪૧ થી ૧૨૪૩) રાજ્ય કર્યું હતું. તેના શાસકોમાં કર્ણદેવ અને મન્નાદેવી (મીનળદેવી) નો પુત્ર જયસિંહ (સિદ્ધરાજ) અને તેના પછી આવેલ કુમારપાળ સવિશેષ સુપ્રસિદ્ધ છે. મહમૂદ ગઝનવીએ જ્યારે સન ૧૦૨૪-૨૫માં સોમનાથ મંદિર લૂંટ્યું જેની જાણ આપણને તો મહમૂદ ગઝનવીના ઈતિહાસકારો મારફતે થઈ, પરંતુ તે સમયે ગુજરાતમાં સોલંકી રાજા ભીમદેવ પહેલાંનું શાસન હતું. તેણે આક્રમણ બાદ મોઢેરાનું સૂર્યમંદિર, રાણકી વાવ અને તેમના મંત્રી વિમલ શાહે આબુમાં દેલવાડાના શરૂઆતના દેરા બનાવેલાં. રાજા ભીમદેવના અવસાન પછી તેના પુત્ર ક્ષેમરાજે રાજ્ય શાસન પરનો પોતાનો અધિકાર જતો કરતાં નાનો પુત્ર કર્ણ રાજા બન્યો હતો. કર્ણદેવના લગ્ન કદંબ રાજ (હાલનું કર્ણાટક) જયકેશીની પુત્રી રાજકુમારી મયનલ્લા (મીનળદેવી) જોડે થયેલાં. તેમને એક પુત્ર થયો. પિતા જયકેશીની યાદ માટે મયનલ્લાએ તેનું નામ રખાવ્યું જયસિંહ. જયસિંહ જ્યારે નવ વર્ષનો હતો ત્યારે સન ૧૦૯૨માં રાજા કર્ણદેવનું અવસાન થતાં તેના પ્રસિદ્ધ મંત્રીઓ મુંજાલ મહેતા અને કાક દ્રારા મહત્વાકાંક્ષી રાણી મયનલ્લા (મીનળદેવી)ને કેરટેકર બનાવી જયસિંહને ગાદી પર બેસાડી દીધેલો. એવું કહેવાય છે કે કર્ણના અવસાનથી દુખી ક્ષેમરાજના વારસ દેવપ્રસાદે પુત્ર ત્રિભુવનપાલને નવા રાજાને સોંપી કર્ણની ચિતામાં ચઢી આત્મદાહ કરી મૃત્યુ સ્વીકારી લીધેલ. જો કે જયસિંહ તો બાળક હતો તેથી રાજકીય વારસ તરીકે ક્ષેમરાજનો હક મેળવવાની લડાઈમાં દેવપ્રસાદની હત્યા મીનળદેવીના પક્ષ દ્વારા થયાનું વધુ શક્ય જણાય છે. સિદ્ધરાજ જયસિંહે સન ૧૦૯૨ થી ૧૧૪૨ સુધી પચાસ વર્ષ રાજ કર્યું. શરૂઆતમાં માતા મીનળદેવી અને મંત્રી સાંતુ અને મુંજાલ મહેતાએ રાજ કારભાર ચલાવ્યો. પછી રાજા જયસિંહે પુખ્ત થતાં રાજ્યની દોરી પોતાના હાથમાં લઈ પોતાના અપ્રતિમ સાહસથી સૌરાષ્ટ્ર (જુનાગઢ), કચ્છ, માળવા જીતી લીધાં. બાર વર્ષ લાંબી લડાઈ પછી માળવા જીતથી (સન ૧૧૩૪-૩૫, વિક્રમ સંવત ૧૧૯૧-૯૨) તે અવન્તિનાથ બન્યો. ભીલ રાજા બર્બરિકનો વિજય એટલો મોટો ગણાયો કે તેણે બર્બરિક જિષ્ણુ ઉપાધિ ધારણ કરી સિદ્ધરાજ બિરુદ મેળવ્યું. તેના રાજ્યની સીમા ઉત્તરમાં તુરૂષ્ક, પૂર્વમાં ગંગાતટ, દક્ષિણમાં વિન્ધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્રતટ સુધી હતી. ગુર્જર ચક્રવર્તી ક્ષેત્રનો વિસ્તાર કબજે કરી તે ચક્રવર્તી સમ્રાટ બન્યો. ચાલુક્ય ચક્રવર્તી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહને શાસનકાળ સુવર્ણયુગ કહેવાયો. તેના રાજ્યકાળમાં પ્રદેશનો રાજકીય, ભાષાકીય, સ્થાપત્ય અને સાંસ્કૃતિક વિકાસ થયો. વારાણસીથી ૧૦૦૧ બ્રાહ્મણોને તેડાવી પૂજા કરી તેણે દુર્લભરાયે બાંધેલ પાટણના સહસ્ત્રલિંગ તળાવનો પુનરુદ્ધાર કરી તેને મોટું કરી તેના કિનારે સહસ્ત્ર લિંગ સ્થાપી સહસ્ત્રલિંગ તળાવ બાંધ્યું. તળાવમાં પાણીના સોર્સ તરીકે સરસ્વતી નદીમાંથી વહેણ કાઢી તેને સહસ્ત્રલિંગ સાથે જોડી દીધેલ. સિદ્ધપુરના રૂદ્રમહાલયને પૂરો કરાવ્યો અથવા તેનો પુનરુદ્ધાર કર્યો. સિદ્ધપુરમાં તેણે પૂર્ણ કરેલ અથવા ફરી બનાવેલ રુદ્ર મહાલયે તેની ધાર્મિક કીર્તિ ચોદિશામાં ફેલાવેલ. માતાની યાદમાં બે તળાવ બંધાવ્યા અને માળવા ચડાઈ વખતે દાહોદનું છાબ તળાવ ખોદાવ્યું. રાજધાની પાટણનો શૈક્ષણિક, ધાર્મિક અને વ્યાપારિક વિકાસ સવિશેષ થયો. જુદા જુદા ધર્મોના વિદ્વાનોને રાજ્યાશ્રય મળ્યો. જો કે અભૂતપૂર્વ કીર્તિના ધણી ગુજરાતના આ નાથને જૂનાગઢની રાણી રાણકદેવી અને સહસ્ત્રલિંગ તળાવ ખોદતી ઉત્તર ગુજરાતની ઓડ કન્યા જસમાના મોહનાં ચારિત્ર્ય ડાઘ લાગેલા છે. તેને પુત્ર સંતાન ન હોવાના એક કારણ તરીકે લોકકથાઓએ તે ડાઘ જોડી રાખ્યા છે. સિદ્ધરાજ જયસિંહ તે વખતના આર્થિક અને સાંસ્કૃતિક વિકસિત રાજ્ય માળવા જીત્યા એટલે માળવાના સાંસ્કૃતિક ઈતિહાસના પરિચયમાં આવેલાં. માળવાની લાયબ્રેરી અને ભાષા વિકાસને જોઈ તેને પણ ગુજરાતમાં પોતાના રાજ્યમાં ભાષા વિકાસની જરૂર લાગી. તે વખતના રાજમાં રાજા ક્ષત્રિય અને મંત્રી જૈન હતાં. જૈન મુનિ મહારાજાઓનું મુખ્ય દિનચર્યા શિંક્ષણ ઉપાસના રહેતી તેથી તેમને વ્યાકરણ અને પ્રાકૃત સંસ્કૃત ભાષાઓનો અભ્યાસ રહેતો. પરંતુ તે સમયે ગુજરાતનો પોતાનો કહી શકાય તેવો ભાષાકીય ગ્રંથ નહોતો. બીજી બાજુ માળવા રાજ ભાષા, ઈતિહાસ અને સાહિત્યના ગ્રંથોથી કીર્તિમાન હતું. જયસિંહને ભાષાકીય વિકાસમાં પોતાની કીર્તિ વધારવાનું સૂઝ્યું અને તેણે જૈન મુનિ હેમચંદ્રાચાર્યને આ કામ સોંપ્યું. આચાર્ય હેમચંદ્રનું મૂળનામ ચાંગદેવ હતું. તે ધંધુકામાં જન્મેલા. તેઓ જ્યારે આઠ વર્ષના હતાં ત્યારે જૈન આચાર્ય શ્રીદેવચંદ્રાચાર્યએ રમતાં બાળક ચાંગદેવની પ્રતિભા જોઈ તેમના ઘેર પધાર્યા. પિતા ચાચિગ યાત્રાએ ગયેલ તેથી માતા પ્રજ્ઞાવતી પાસેથી બાળકની માંગણી કરી. બાળકના પિતા બહાર હતાં તેથી માતાએ અધિકારનો પ્રશ્ન કર્યો પરંતુ જનસમુદાયનો અનુરોધ થતાં તથા પિતાની સંમતિ તેઓ આવેથી લઈ લેવાશે તેવી સમજાવટ કરતાં તેણે પુત્રરત્ન આચાર્યશ્રીને સોંપી દીધેલ. આચાર્યશ્રી બાળકને લઈ કર્ણાવતીમાં (અમદાવાદ) જૈનસંઘના આગેવાન ઉદયન મંત્રી પાસે રાખ્યો. ચાચિગ યાત્રાથી પરત આવી પુત્ર ચાંગદેવને જૈન આચાર્યને સોંપવાની ઘટનાથી દુઃખી થયો અને કર્ણાવતી પહોંચ્યો. ઉદયન મંત્રીએ ચાચિગને પોતાને ઘેર લઈ જઈ જમાડી રૂપિયા ત્રણ લાખ ધર્યા. પિતા ચાચિગે પોતાનો પુત્ર અમૂલ્ય હોઈ રૂપિયાને શિવનિર્માલ્ય ગણી સ્પર્શ પણ ન કર્યો પરંતુ પુત્રના ધર્મ વિકાસ અને ગુરૂપદની સંભાવનાનું મહત્ત્વ સમજી સંમતિ આપી તેથી ચાંગદેવનો દીક્ષા મહોત્સવ સંપન્ન થયો. આચાર્ય દેવચંદ્રે તેનું નામ સોમચંદ્ર રાખેલું જે આગળ જઈ હેમચંદ્રમાં પરિવર્તિત થયેલું. કહેવાય છે કે શિષ્ય હેમચંદ્રને તેમના ગુરુએ સુવર્ણ ગુટિકાનું જ્ઞાન નહીં આપેલું તેથી તેઓનો ગુરૂ સાથે ખટરાગ થયેલો. હેમચંદ્ર કલિકાલ સર્વજ્ઞ અને ત્રિકાળજ્ઞાની હતાં. રાજા સિદ્ધરાજ જયસિંહની આજ્ઞાથી હેમચંદ્રાચાર્યએ કાશ્મીરથી આઠ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથો મંગાવ્યા. દેશ દેશાન્તરથી વ્યાકરણ શાસ્ત્રના નિષ્ણાતો તેડાવ્યા અને એક વર્ષમાં એક અભિનવ વ્યાકરણ ગ્રંથ રચ્યો જેનું નામ રાખ્યું ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’. ગ્રંથની શુદ્ધ પ્રતિ રાજકીય કોષમાં સ્થાપિત કર્યા બાદ ૩૦૦ લેખકોએ ત્રણ વર્ષ સુધી તેની પ્રતિઓ બનાવી જે તે સમયના ભારતનાં ૧૮ દેશોમાં અધ્યાપન માટે મોકલવામાં આવી હતી. રાજાને મન આ કામ એટલું મહત્ત્વનું હતું કે તેણે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથને હાથી પર અંબાડીમાં સજાવી તેની નગરયાત્રા ફેરવેલ. સિદ્ધરાજને તેની પત્નીથી થયેલ એકમાત્ર પુત્રી કંચનાદેવીના લગ્ન પોતાના રાજકીય પ્રતિદ્વંદ્વી ચાહમાન (ચૌહાણ) રાજા અર્ણોરાજ જોડે કરી માળવા વિજયમાં મદદ મેળવી હતી. સિદ્ધરાજને પુત્ર સંતાન નહોતું તેથી પુત્રી કંચનાદેવીના પુત્ર સોમેશ્વરને મોસાળમાં રાખી રાજ્યના વારસ તરીકે તૈયાર કરી રહેલ હતો. સોમેશ્વરના આડે વિઘ્ન ન આવે તે માટે સોલંકી કુટુંબના તેના પિતરાઈ ત્રિભુવનપાળના પુત્ર કુમારપાળને હણવા તે તત્પર રહેતો પરંતુ કુમારપાળ વીસ વર્ષની ઉંમરથી ગુપ્ત થઈ ગયેલો. એકવાર જયસિંહ કુમારપાળને શોધતાં સ્તંભતીર્થ પહોંચેલો. પરંતુ હેમચંદ્રાચાર્યે સમયસૂચકતા વાપરી તેને સમાજભવનના ભોંયરામાં છૂપાવી દરવાજાને પુસ્તકોથી ઢાંકી તેનો જીવ બચાવેલો. સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી પાટણની ગાદી પર કુમારપાળે ત્રીસ વર્ષ રાજ કરતાં અને તેના પછી તેનો પુત્ર ગાદી પર આવતાં અને અજમેરની ગાદી પર અર્ણોરાજના મૃત્યુ પછી તેના પુત્રો-પ્રપોત્રોએ રાજ કરતાં સોમેશ્વરના નસીબમાં મોડી મોડી પણ છેવટે અજમેરની ગાદી આવી. રાજ્યના ગાદી વારસ તરીકે તેને પાટણથી તેડાવી ૧૧૬૯માં અજમેરનો રાજા બનાવવામાં આવ્યો હતો. સોમેશ્વરે આઠ વર્ષ રાજ કર્યું પરંતુ ગુજરાતના સોલંકી રાજા ભીમ-૨ સાથેના યુદ્ધમાં સન ૧૧૭૭માં તેનું મરણ થતાં તેનો પુત્ર પ્રસિદ્ધ રાજા પૃથ્વીરાજ-૩ ચૌહાણ રાજા બન્યો જેણે આગળ જતાં મહમૂદ ઘોરીને તરાઈના યુદ્ધમાં પહેલાં ૧૧૯૧માં હરાવ્યો અને પછી ૧૧૯૨માં તેનાથી હાર્યો અને માર્યો ગયેલ. સિદ્ધરાજનું જયસિંહનું મૃત્યુ સન ૧૧૪૨માં (સંવત ૧૧૯૯)માં થતા અને તેને પુત્ર સંતાન ન હોવાથી કોને રાજા બનાવવો તે માટે મંત્રીઓનો પરામર્શ ૧૮ દિવસ ચાલેલો. મંત્રી દંડક, માધવ, સજ્જન, ઉદયન વગેરે સોલંકી રાજા ભીમદેવના વારસને રાજગાદી આપવાના પક્ષધર હોઈ ભીમદેવની બીજી પત્ની ભૂલાદેવીના વંશજ કુમારપાળનો પક્ષ મજબૂત થતાં ૧૮ દિવસના પરામર્શ પછી તેનું નામ ગુજરાતના નાથ તરીકે ઘોષિત થયું. હેમચંદ્રાચાર્યએ અગાઉ ભાખેલી તારીખ હતી તે સંવત ૧૧૯૯ના માગસર વદ ૧૪ના દિવસે પચાસ વર્ષના કુમારપાળનો રાજ્યાભિષેક થયેલો. કુમારપાળે ત્રીસ વર્ષ રાજ કર્યું (સન ૧૧૪૨-૭૨) તેમાંથી પ્રથમ સોળ વર્ષ શૈવ ધર્મના અનુયાયી તરીકે અને પાછળના ચૌદ વર્ષ જૈન ધર્મના અનુયાયી તરીકે રાજ કરેલ. હેમચંદ્રાચાર્યના પ્રભાવથી રાજ્યાભિષેકના સોળમાં વર્ષે (૧૧૬૦માં) શૈવની સાથે જૈન ધર્મ અંગીકાર કરતાં શાકાહારી બની પશુઓની કતલ રોકેલ. તે વખતે દર વર્ષે આસો માસની નવરાત્રિમાં રાજાની કુળદેવી કંટેશ્વરી દેવીના મંદિરે સાતમના દિવસે ૭૦૦ પશુ અને ૭ પાડા, આઠમના દિવસે ૮૦૦ પશુ અને ૮ પાડા અને નવમીના દિવસે ૯૦૦ પશુ અને ૯ પાડાની બલિ ચઢાવવામાં આવતી. કુમારપાળે જૈન શાસન સ્વીકારતા તે બંધ કરાવી. કુમારપાળે સોમનાથના શિવમંદિરનો પુનરુદ્ધાર કરેલો અને તેના રાજ્યકાળમાં રાજ્યમાં એક હજાર ચારસો જેટલાં જૈન મંદિરો નિર્માણ પામ્યાં હતાં. કુમારપાળ વયોવૃદ્ધ થતાં રાજ્યનો કારોબાર મંત્રીઓ સંભાળતા તેથી પુત્ર અજયપાલે બળવો કરી રાજા બની ગયેલ અને ૮૦ વર્ષના પિતા કુમારપાળને ઝેર આપી મારી નાંખેલ. પછીથી સોલંકી વંશ ભીમદેવ બીજા સુધી ચાલ્યો અને તે પછીના રાજાઓ નબળાં પડતાં મંત્રી ભાઈઓ વસ્તુપાલ અને તેજપાલ તથા ધોળકાના મંડલેશ્વર વીર ધવલ અને તેનો પુત્ર વિસલદેવ રાજ ચલાવતાં. છેવટે ૧૨૪૩માં ગુજરાતની ગાદી પર બેસી વીર ધવલ વાઘેલાએ વાઘેલા વંશની સ્થાપના કરેલ. તેમના મંત્રી વસ્તુપાલ અને તેજપાલ ભાઈઓએ દેલવાડાના પ્રસિદ્ધ દેરા બંધાવેલ. ગુજરાતમાં વાઘેલા વંશનું રાજ ૬૦ વર્ષ જ ચાલ્યું અને સન ૧૩૦૪માં વાઘેલા રાજા કર્ણદેવ અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કર સામે માર્યો જતાં મુસ્લિમ રાજની સ્થાપના થયેલ. કર્ણદેવે પહેલાં હારી પત્ની કમલાદેવી અલ્લાઉદ્દીનના હરમમાં ગુમાવી અને બીજી વાર હારી મૃત્યુ પામી પુત્રી દેવલદેવીને તેના પુત્ર ખિજરખાનના હરમમાં ગુમાવી. પછીથી ખિજરખાનની હત્યા થતાં દેવલદેવીએ બીજા બે હરમમાં પોતાનો દેહ પતન કરવો પડ્યો હતો. સિદ્ધરાજના રાજ સમયે ઈસ્લામની અસર ભારત તરફ આવી ગઈ હતી અને અરબી સમુદ્રના કિનારે વસેલા પ્રદેશોમાં વિશેષ હતી. ધર્મ પ્રચાર માટે મુસ્લિમ ઓલિયાઓ ભારત તરફ આવી રહ્યા હતાં. એ વખતે ભારત દેશ અઢાર જેટલા રાજ કેન્દ્રો અને શૈવ, વૈષ્ણવ, નાથ, શક્તિ, જૈન, બુદ્ધ વગેરે ધર્મો-સંપ્રદાયોમાં વિભાજિત હતો. ગુરૂ પરંપરાનો મહિમા હતો તેથી જેટલાં ગુરૂ તેટલાં વાડા હતાં. મુસ્લિમ ઈતિહાસકારની નોંધ મુજબ સિદ્ધરાજ જયસિંહની સર્વધર્મસમભાવની નીતિને કારણે એકવાર જ્યારે ખંભાતમાં કોમી તોફાનોમાં મસ્જિદ તોડવા અને ૮૦ મુસલમાનોની હત્યાની ઘટના બની ત્યારે રાજ્ય તિજોરીમાંથી બલોત્રા મુસલમાનોને ₹૧ લાખ આપી મસ્જિદ ફરી બાંધવામાં સહાય કરેલ. તેના સમયમાં બે અનાથ અબ્દુલ્લા અને નિરૂદ્દીન કેરો ગયેલ અને ઈસ્માઈલી શિક્ષા લઈ આવી મિશનરી પ્રવૃત્તિઓ શરૂ કરેલ. અબ્દુલ્લાએ દાવત (આમંત્રણ) આપી ગુજરાતમાં શિયા વોરા કોમનો પાયો નાંખેલ. વોરા કોમે તો એવો દાવો કરેલ કે સિદ્ધરાજ જયસિંહે મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને કેટલાક વલી તેના વંશજ હતાં. એક બીજી કિંવદંતી મુજબ નાથ સંપ્રદાયના બે સાધુ બાલમનાથ અને રૂપનાથ એકેશ્વરવાદનાં નવાં ધર્મથી આકર્ષાયા હતાં અને ધર્મ અભ્યાસ માટે અરબસ્તાન ગયેલાં અને પાછા ફર્યા ત્યારે અબ્દુલ્લા અને નુરૂદ્દીન નામ ધારણ કરી શિયા ઈસ્માઈલી સંપ્રદાયના પ્રચારમાં લાગી ગયેલ. મુસ્લિમ હવાલો તો રાજ સિદ્ધરાજ સોલંકીએ છેલ્લા દિવસોમાં મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યાનો દાવો કરે છે. પરંતુ શક્ય છે કે રાજાના મંત્રી ભારમલે મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને તેમને અનુસરી તેમના વેપારી સમાજે ધર્મ પરિવર્તન કરતાં મુસ્લિમ વોરા સમાજનો ઉદય થયો હતો. ખંભાત, પાટણ, સિદ્ધપુર, ભરૂચ અને દાહોદ જેવા વેપારના ધમધમતા કેન્દ્રો પર તેમનો દબદબો અને એક હજાર વર્ષથી જળવાઈ રહેલી સમૃદ્ધિના મૂળમાં સિદ્ધરાજ સોલંકીનું શાસન હતું તેની નોંધ લેવી રહી. એવો જ બીજો દાવો સતપંથી કરે છે કે સિદ્ધરાજ જયસિંહ પીર સદગુર નૂરના પરંપરામાં વટલાયા હતાં. જો કે આવી કોઈ નોંધ હેમચંદ્રાચાર્ય સાહિત્ય કે અન્ય હિંદુ ઈતિહાસકારોની નોંધમાં મળતી નથી તેથી નવા નવા બનેલા લઘુમતી સંપ્રદાયમાં લોકોને આકર્ષવા રાજા વટલાયાની વાત પાછળથી ઉમેરાયેલી જણાય છે. સિદ્ધરાજ જયસિંહ ચુસ્ત શૈવ તરીકે રૂદ્ર મહાલયનું નિર્માણ સંપન્ન કરી મૃત્યુ પામેલ. સન ૧૧૩૪-૩૫માં માળવા ચડાઈ વખતે જયસિંહની સેનાનો પડાવ બંને રાજ્યની હદ પર આવેલાં શહેર દાહોદ (દોહદ) પર હતો. યુદ્ધ લાંબુ ચાલેલું તેથી સેનાએ પડાવમાં બેસાડી જમાડે રાખવી કે કોઈ રાજાને પોસાય નહીં. વળી સેના માટે અનાજ પાણીની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. તેથી જયસિંહે સેનાને તળાવ ખોદવાના કામમાં જોતરેલી. કહેવાય છે કે જયસિંહની સેના એટલી મોટી હતી કે દરેક સિપાહીએ એક એક છાબ માટી ખોદી ત્યાં તો આખું તળાવ ખોદાઈ ગયેલું. સિદ્ધરાજ જયસિંહની સેનાની વિશાળતા દર્શાવવા આ અતિશયોક્તિ અલંકાર હોઈ શકે પરંતુ દાહોદનું છાબ તળાવ માળવા જંગ જીતવા નીકળેલી સિદ્ધરાજ જયસિંહની સેનાએ દાહોદમાં પડાવ નાંખ્યો ત્યારે સન ૧૧૩૪ માં ખોદાયું હતું. ગુજરાતના સોલંકી અને માળવાના પરમારો વચ્ચે ખૂબ લાંબા સમયથી ચાલતી લડાઈમાં સોલંકીઓની જીતથી ગુજરાતનો નાથ અવન્તિનાથ બન્યો અને તેના રાજ્યના સીમાડા ગંગાતટ સુધી વિસ્તર્યા હતાં. શહેરની જમીનો મોંઘી અને સરકારી એટલે નધણિયાતી તેથી જમીનોના દબાણ અને ગેરરીતિઓના કિસ્સા ક્યારેય ન અટકે. દાહોદનું છાબ તળાવ ગુજરાતના સુવર્ણ યુગ એવા સોલંકી રાજની ધરોહર છે. તેના કિનારા કાચા તેથી જેમ જેમ શહેરનો વિકાસ થતો ગયો તેમ તેમ તળાવ પૂરાતું ગયુ્ં. પહેલાં દાહોદમાં પંચમહાલ જિલ્લા અંતર્ગત મદદનીશ-નાયબ કલેક્ટરની કચેરી હતી. તે અધિકારી દ્રારા શક્ય તેટલી નિગરાણી રખાય પરંતુ એક કડક અધિકારીની બદલી પછી ઢીલો આવે એટલે નગરપાલિકાનુ તંત્ર વળી પાછું ઠેરનું ઠેર થઈ જાય. દાહોદના નસીબે કેન્દ્ર સરકારની સ્માર્ટ સીટી યોજના આવી. તેમાં શહેરની પસંદગી થઈ. સ્માર્ટ સીટીના નાણાંમાંથી તળાવના કિનારા બંધાયા અને તળાવની મધ્યે અમદાવાદના કાંકરિયા તળાવની મધ્યે નગીનાવાડી છે તેવો બાગ વિકસ્યો અને આજે દાહોદનું સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ શહેરનું સૌથી મોટું આકર્ષણ છે. સવાર પડે એટલે ચાલીને તંદુરસ્તી ઝંખતા શહેરીજનોની તાલબદ્ધ ચાલના અવાજ અને સાંજ પડે એટલે બાળકોને રમવાં લઈ આવતાં દંપતીઓની ચહલપહલ અને બાળકોની કલશોરથી તળાવ ગુંજી ઉઠે છે. દાહોદમાં મેડીકલ કોલેજ હોસ્પિટલ બનવાથી આ વિસ્તારની આરોગ્ય સેવાઓમાં મોટો સુધારો આવ્યો છે. સ્પેશિયાલિસ્ટ સેવાઓ માટે વડોદરા પર આશ્રિત દાહોદ હવે આરોગ્ય ક્ષેત્રે સ્વનિર્ભર બની રહ્યું છે. દાહોદના મદદનીશ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ તરીકે (૧૯૮૭-૮૯) છાબ તળાવને દબાણોથી રક્ષવા, અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ તરીકે દાહોદને સ્માર્ટ સિટી બનાવવા (૨૦૧૬) અને અધિક મુખ્ય સચિવ આરોગ્ય તરીકે દાહોદને મેડિકલ કોલેજ હોસ્પિટલ આપવાં (૨૦૧૮) ગુજરાત સરકારે મને પ્રમુખ ભૂમિકા આપી તેનો અહોભાવ રહ્યો. દાહોદ મને યાદ કરે કે ન કરે, મારી IAS તરીકેની નોકરીના પ્રથમ પોસ્ટીંગ તરીકે દાહોદનું સ્થાન અમારા જીવનમાં ચિરસ્મરણીય છે. પૂનમચંદ પરમાર (IAS:1985) પૂર્વ અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર

1 comment:

Powered by Blogger.