Sunday, January 12, 2025

આદરણીય શ્રી પ્રવીણભાઈ લહેરી

આદરણીય શ્રી પ્રવિણભાઈ લહેરી 

કુશળ પ્રશાસક, અભ્યાસુ લેખક, તેજ સ્મરણ શક્તિ, મિલનસાર સ્વભાવ, માંગનારને મદદ માટે હરહંમેશ તૈયાર, અનુભવોની વાતોનો ખજાનો ધરાવતા આદરણીય શ્રી પ્રવીણભાઈ લહેરી સાથે બેસો તો સમય ખૂટી કે થાકી જાય પણ તેઓ ન થાકે. વાતમાંથી વાત એક કેરડાંનો કાંટો અઢાર હાથ, ગાંધીયુગના આઝાદીના લડવૈયાઓ, દેશી રજવાડાંઓ, જમીનદારો, અઢાર વરણનાં સામાજિક જીવન, આઝાદી પછીની સરકારોના રાજકીય દાવપેચો, ટાંટિયા ખેંચ કે પછી અહંકારોની અથડામણ, ક્યાંથી બગડ્યું અને કોણે સુધાર્યું તેની રજે રજની માહિતી મળી જાય. તેમના પરિચયમાં આવેલાં સાથી અમલદારોની લાક્ષણિકતાનું વર્ણન આબેહૂબ કરી આપે. સૌરાષ્ટ્ર રાજનાં પ્રગતિશીલ જમીન સુધારા હોય કે પછી મુંબઈ દ્વિભાષી રાજ્યની રાજકીય ખટપટો હોય કે પછી નવા બનેલાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત લોબીઓની ખેંચાખેંચ હોય; ગુજરાતના પહેલાં મુખ્ય મંત્રી ડો. જીવરાજભાઈ મહેતાથી લઈ આજસુધીના મુખ્ય મંત્રીઓના રાજકીય ઉદય અને અસ્તના કારણોનાં મૂળ જાણવા હોય તો પ્રવીણભાઈને સાંભળવા પડે. એક પ્રશાસક તરીકે તેમની કામગીરીની યાદી તો ખૂબ લાંબી રહેવાની. વહીવટી જટિલ પ્રશ્નોને હલ કરવાની વાતો લખવાં બેસીએ તો પુસ્તક બની જાય. અટપટાં કોયડાનો ઉકેલ લાવવામાં તેમને મહારથ તેથી તેમની સેવાઓને બધા જ મુખ્યમંત્રીઓએ બિરદાવેલ. નિવૃત્તિ પછી તેઓ સરકારી અને બિનસરકારી સેવાઓમાં કાર્યરત રહ્યાં અને છેલ્લાં એક-બે દશકથી અમદાવાદ સેટેલાઈટ રોડ પર આવેલ સદવિચાર પરિવારમાં સ્વૈચ્છિક સેવાઓ આપી તેના ખાલી કેમ્પસને તેમણે ચેતનવંતુ બનાવી દીધેલ છે. નાત જાત અને ધર્મના ભેદભાવ વિના અહીં રચનાત્મક પ્રવૃત્તિઓ અને સેવાકાર્યનો યજ્ઞ ચાલુ છે. સદા સફળ રહેતાં પ્રવીણભાઈ એક નિષ્ફળતા ટાંકવાનું ન ભૂલતાં. એક સાથી પરંતુ હઠી સ્વભાવના અધિકારીના લગ્ન કરાવવાના પ્રોજેક્ટમાં તેઓ પૂરાં પ્રયાસો છતાં નિષ્ફળ ગયેલાં. તે નિષ્ફળતામાં તેમનો ઓછો પરંતુ લાડાનો વાંક વધુ હશે તેવું માનવું રહ્યું. 

તેમના પિતાશ્રી કનુભાઇ લહેરી ગાંધી યુગના સ્વાતંત્ર્ય સેનાની. દેશી રજવાડાઓ અને ફોજદારોના રાજમાં રહેતાં સામાન્ય માણસને આઝાદીની શી સમજ પડે? ખાદીનું ધોતિયું, ઝભ્ભો અને માથે ગાંધી ટોપી પહેરતાં કનુભાઇ લહેરી ગાંધી યુગના આઝાદીના લડવૈયા તરીકે તેમનાં સૌરાષ્ટ્ર પંથકમાં જાણીતા. ઘોડી રાખતાં અને ગામેગામ જઈ લોકોને રચનાત્મક પ્રવૃત્તિઓ અને આઝાદીની ચળવળ માટે જાગૃત કરતાં. ઉના જેવા અંતરિયાળ વિસ્તારના લોકોને કોઈએ પૂછ્યું કે તમને આઝાદીની ખબર ક્યારે અને કેવી રીતે પડી? તેઓ જણાવતાં કે ૧૯૪૬માં કનુભાઈ લહેરી આવીને લોકોને ભેળાં કરી કહેતાં કે “ગાંધી નામનો સોનાનો સૂરજ ઉગ્યો છે અને જય હિંદ થવાનું છે”. ૨૫-૫૦-૧૦૦-૨૦૦ ગામનાં રજવાડાંઓના લોકોને આઝાદીની શી સમજ કે શી ખપ? રજવાડાંનાં રાજમાં રહેવાનું અને તે જેમ રાખે તેમ રહેવાનું. બાબરીયાવાડ વિષે પ્રવીણભાઈની કલમેં સુંદર આલેખન થયું જ છે પરંતુ ટૂંકાણમાં તેમણે કહેલી વાત મુજબ જૂનાગઢના નવાબે બાબરીયાવાડ જૂનાગઢમાં ભેળવી લઈ, ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જૂનાગઢના પાકિસ્તાન સાથે જોડાણના કરારમાં સહી કરી પઠાણો અને સિંધીઓએ મોકલી બાબરીયાવાડ દરબારગઢનો કબજો કરી લીધો હતો. રજવાડાના કુટુંબોએ ઉચાળા ભરવાં પડ્યાં અને દૂર ભાયાતો અને સગાંવહાલાંઓને ત્યાં આશરો લેવો પડેલ. પરંતુ કનુભાઇ લહેરીની તત્પરતાને કારણે સરદાર પટેલ દ્રારા બાબરીયાવાડની અંગ્રેજ સરકાર સાથેની સમજૂતીનો આધાર લઈ જૂનાગઢની હકૂમત નકારી તેના હાકેમોની ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનમાં સહીઓ લઈ પોલીસ એક્શનથી જૂનાગઢ રાજના પઠાણો સિંધીઓને હાંકી કાઢી રજવાડી કુટુંબોને પુનઃ ઘેર લાવી આપેલાં. 

એ વખતની ગાંધીફોજના લડવૈયાઓની વાત જ શી થાય? ગાંધીજીએ તેમને નિર્ભય કરી દીધેલ તેથી જે રાજવી સામે આંખ ઊંચી કરી જોઈ ન શકાતું તેની સાથેની બેઠકોમાં બેધડક પ્રજારાજની વાતો કરતાં. બાકી સાફાવાળા કહેતાં કે સમયની બલિહારી છે કે સાંભળવું પડે છે અને માંગો તે આપવું પડે છે, નહિતર તમે જે બોલો અને અમે સાંભળીએ તે અમારી આદત નહીં. 

પૂનમચંદ
૧૨ જાન્યુઆરી ૨૦૨૫

1 comment:

  1. બિચારા રાજા રજવાડા અને સાફ વાળા, આઝાદી પછી તિરસ્કાર, disposession, disempowerment અને દેપ્રિવેશન નો મુખ્ય શિકાર બન્યા. રાષ્ટ્ર કવિ ઝવેરચંદ મેઘાણીએ તેમની યશ ગાથાઓ લખી નાં હોત તો તેમનો સાચો મૂલ્ય સદા માટે વિસરાઈ ગયું હોત

    ReplyDelete

Powered by Blogger.