વસંતોત્સવ વૈરાગ્યનો
માઘ પર્વ ચાલી રહ્યો છે. વાતાવરણ વસંતના વિલાસની તૈયારી કરી રહ્યું છે. ઠેર ઠેર હ્રદયના તાર ઢોલના ઢબુકે ઝણઝણી રહ્યા છે. લગ્નની શરણાઈઓ વરઘોડા અને ફટાણાઓની રમઝટ વાગી રહી છે. ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ૨૫૦ કિમી દૂર અરબી સમુદ્રની નજીકમાં શેત્રુંજય પર્વત ગિરિમાળાની તળેટીમાં પાલીતાણા તીર્થમાં એક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હાપુર (કર્ણાટક) ના એક પ્રાચીન જૈન મંદિરની પ્રતિકૃતિવાળું કાષ્ટનું એક દેરાસર બનાવ્યું છે. હાપુરના મંદિરની એ ખૂબી હતી કે તેના દરેક સ્તંભને ઉપકરણથી વગાડતાં દરેક સ્તંભમાંથી અલગ અલગ ધ્વનિ નીકળે અને તેના સુર સંગમથી સુંદર મજાની આરાધનાઓ ગવાય. પ્રતિકૃતિ દેરાસરની બાજુમાં જ દશ હજાર માણસોને બેસાડી શકાય તેવો સુંદર મજાનો એક મંડપ બનાવ્યો છે. મંડપમાં દીવડાં સજાવવા ૧૦૦ જેટલાં ઝુમ્મરો લાગ્યાં છે. દેરાસર, મંડપ અને કેમ્પસ આખામાં ક્યાંય વીજળી નહીં કે માઈક નહીં. દીવડાને અજવાળે શાંત ઓજસ અને ઉષ્માનું એક અનેરું શાંત નજરાણું. બાજુમાં આચાર્ય ભગવંતો અને ઉપાશ્રયોને કામ લાગે તેવાં ઉપાસના વપરાશનાં ઉપકરણોનો પ્રદર્શન ખંડ. જાણે પ્રાચીન ભારતમાં પ્રવેશ કરી લીધો. બાજુમાં જ ચાર મોટા ભોજનમંડપ. દરેક મંડપ માં ૪૧૧ માણસો એક સાથી બેસીને જમી શકે તેવી આઠ આઠ લાઈનોની ભોજન વ્યવસ્થા. ભોજન ને અડકીને સળંગ પટ્ટામાં લાકડાના - ચુલા પર બનતું ગરમાગરમ જમવાનું. ભાઈઓ બહેનોના અલગ ખંડો. એકી સાથે ૨૦૦૦ માણસ જમી શકે તેવી વ્યવસ્થા. જમનારાઓને પીરસનારા અલગ અલગ કલરના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરેલાં ૧૦૦ થી વધુ પીરસનારા. પીરસનારા, રસોયાં અને તેમનાં મુકાદમ મળી ૨૫૦નો સ્ટાફ ખડેપગે આવનાર સૌને સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું જમણ જમાડે. જમવામાં ૮ થી ૧૦ પ્રકારના વ્યંજનો જેમાં મીઠાઈ, ફરસાણ, શાક, દાળ, સુપ, પૂરી, ભાત, દૂધ, ચા બધું આવી જાય. સૂકા મેવાં અને ઘી તો મન ભરીને વાપર્યા. આવનાર મહેમાનોની આજુબાજુની ધર્મશાળામાં ઉતારાની વ્યવસ્થા. પોતાના વાહન ઉપરાંત રીક્ષાઓની વ્યવસ્થા એટલી સરસ કે કોઈને પણ કંઈ અગવડ ન પડે. આવી સુંદર વ્યવસ્થા સાથે વસંત પંચમી પર્વને લક્ષ્ય બનાવી અહીં એક નવ દિવસનો વિજય મહોત્સવ (૧૮ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૩, પોષ વદ અગિયારસથી મહા સુદ પાંચમ, વિક્રમ સંવત ૨૦૭૯) ચાલી રહ્યો છે. દરરોજ રસોડે બે થી ત્રણ હજાર અને છેલ્લાં બે દિવસોમાં સાત થી નવ હજાર માણસો મન ભરીને જમી રહ્યાં છે. ધાણધાર વીસા ઓસવાલ વણિક જ્ઞાતીય યજમાન કુટુંબે મોકળા મને અન્નપૂર્ણાનાં દ્વાર ખોલી દીધાં છે. ખર્ચનો કોઈ અંદાજ કે મર્યાદા નથી અને આવકારને કોઈ રોકટોક નથી.
અપૂર્વ શાંત દીપ જયોતિઓની રોશનીમાં અહીં મોહ આસક્તિથી રહિત શાંત નિર્મળ ચિત્ત સ્થિતિ નિર્માણનું એક ચુંબકીય ક્ષેત્ર બન્યું છે.
નવ દિવસના આ મહોત્સવનું કેન્દ્રબિંદુ છે ૨૩ વર્ષનો એક યુવક સેતુક અનિલભાઈ શાહ. પાતળો બાંધો, સહેજ શ્યામલ કાયા, આંખો તેજસ્વી, વાણી ઓજસ્વી, ચાલમાં ધૈર્ય અને ગાંભીર્ય પરંતુ એક વીજ કરંટ પણ. એક તરફ ભોગના માર્ગે લગ્નનો વસંતોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેણે માર્ગ પસંદ કર્યો ત્યાગોત્સવનો વૈરાગ્યનો. તેનાં કાકા સાહેબનાં સાનિધ્યમાં તેનો ઉછેર થયેલો અને માતા પિતા પણ અતિ ધાર્મિક. કાયમ આચાર્ય, મુનિ મહારાજ અને સાધ્વી ગણની સેવાનાં જ રહે. ૩૧ વર્ષ પહેલાં તેનાં કાકા મહારાજે અમદાવાદના દીક્ષા ગ્રહણ કરી અનંત હિતનું આરોપણ કરેલું તેની ચર્ચા કાયમ થતી. મુનિ હિતરૂચિવિજયજી મહારાજ એમનું નામ. હજી હમણાં ત્રણેક વર્ષ પહેલાં કાળધર્મ પામ્યાં. તપ એવું રહ્યું કે છેલ્લે તો સાવ કૃશ કાય થઈ ગયેલાં. હાડપિંજર શરીરમાં ચામડીનું એક આવરણ રહેલું. પરંતુ પ્રજ્ઞાવાન અને મેધાવી. અપૂરતાં પોષણથી મગજ અને બુદ્ધિનો વિકાસ ન થાય એવું કાયમ કહેવાય પરંતુ અહીં તો નજીવા પોષણથી ટકી રહેલી કાયાનાં બુદ્ધિનું તેજ ઝગારા મારે. યાદ શક્તિ એવી કે પૃષ્ઠ નંબર સાથે રેફરન્સ ટાંકી આપે. વિવેકના દ્રષ્ટાંતો આપે. આયુર્વેદના અપૂર્વ ચાહક અને પ્રચારક. ગીતા પર પ્રવચન કરે. પરંપરાગત ભારતીય સંસ્કૃતિનાં એવાં ચુસ્ત હિમાયતી કે પરંપરાગત કારીગરોની બનાવેલી વસ્તુઓ પોતે વાપરે અને તેમનાં પરિચયમાં આવે તેમને પણ વપરાવે. નવી શોધો અને વીજળી ઉપકરણોનું કોઈ સ્થાન નહીં. વણકરે હાથથી વણેલાં વસ્ત્ર જ વાપરવાના અને હાથથી બનેલી કલમ અને શાહીથી જ લખવાનું. તેમને મળો એટલે ગાંધીજીનું ગ્રામ સ્વરાજ તાજું થઈ જાય અને તેમની સાથે વાત કરો તો લાગે કે પ્રાચીન જીવન જ સાર્થક જીવન હતું. જૈન શાસન નિયમોનું ચુસ્ત પાલન પોષણ અને સંવર્ધન એમણે કરેલું. આવા કાકાના ઓજ તેજની નિશ્રામાં ટકોરા ખાઈને વિકસેલો સેતુક આજે વિજય મંગલ તિલક કરાવી રહ્યો છે. વૈરાગ્યનું વિજય તિલક.
તીર્થવાટિકા, પાલીતાણા મુકામે યોજાયેલ વસંત પંચમી દીક્ષા મહોત્સવના નવ દિવસનાં આ પર્વમાં પ્રથમ દિવસે (૧૮ જાન્યુઆરી) ગુરૂ ભગવંતોના સામૈયા સહ નગર પ્રવેશ કરાયો. ૨૧ તારીખે સાબરમતી સંગીત મંડળ દ્વારા અષ્ટાપદ પૂજા થઈ. ૨૨ તારીખે જ્ઞાનમાર્ગની આહલેક જગાડતું નજરાણું ‘અષ્ટાવધાન’ તથા ભારતભરના વિદ્વાનોની ત્રિદિવસીય વાદ સભા, સ્નાત્ર મહોત્સવ ઉજવાયો. ત્રીજની સાંજે સેતુકે એક પ્રવચન કર્યું. તે જ્યારે અડધી ડોલ ગરમ પાણી લઈ નાહી રહ્યો હતો ત્યારે પાણીનાં જીવ પ્રતિ સંવેદનશીલ બનાવનાર તેના કાકા મહારાજને તેણે યાદ કર્યાં. મગને ભરડીને તેની દાળ બનાવી વાપરવાથી એક ઋણ વધારે ચઢે તેથી આખા મગ વાપરવાની સલાહની તેના પર અસર થઈ હતી. પાણીનાં જીવ, હવાનાં જીવ અને સ્વયં પર તેની સંવેદના વધતી ચાલી. તેને સમજાયુ્ં કે બિલાડીને આવતી જોઈ કબૂતર આંખ બંધ કરી શાંત બેસી જાય છે તેનાંથી એક પલની ભ્રામક શાંતિ મળે પરંતુ મોતથી મુક્તિ નથી. દાણાંની લાલચે મોહજાળમાં ફસાયેલાં કબૂતરો માર્યા જવાનાં પરંતુ્ એક જણે આપેલાં માર્ગદર્શન મુજબ બધાં સામુહિક ઉડે તો જાળ સહિત મૃત્યુમાંથી ઉગારી જવાનાં. દૂર જઈ પછી જાળ કપાવી નંખાશે. હું કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? સંપત્તિ ક્યાં સુધી કેટલું સુખ આપવાની? આખરે એક દિવસ મુક્તિના માર્ગે ચાલવું જ પડશે. જો કાલે ચાલવાનું છે તો આજે કેમ નહીં? બસ તેણે અડગ નિર્ણય કરી લીધો.
વસંત પંચમીના એક દિવસ અગાઉ ચોથના દિવસે (૨૫ જાન્યુઆરી) પાલીતાણામાં એક વર્ષીદાન વરઘોડો નીકળ્યો છે. શણગારેલાં પાંચ હાથી, ઘોડાવાળી બગ્ગીઓ, મુછાળા ઘોડેશ્વારો, શણગારેલા ઊંટ, બળદ ગાડાં. વચ્ચે વચ્ચે પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત વગેરેના પરંપરાગત વાજિંત્રો, વેશભૂષા અને નૃત્ય કસબ દેખાડતાં યુવા વૃંદ. વચમાં છે વરઘોડો જેની આગળ પાછળ સુંદર વસ્ત્રોથી શોભતાં શ્રાવકો, મહેમાનો અને સંઘ. રસ્તાની બંને બાજુ સ્થાનિક લોકની મેદની જોવાં ઊભી છે. કોઈ કોઈ અટારીએ ચઢી આ અદ્ભુત દ્રશ્યનો લહાવો માણી રહ્યાં છે. વરઘોડાની વચમાં
હમ્પી જૈન મંદિરની પ્રતિકૃતિવાળો રથ છે અને રથમાં લીલા રંગના રાજવી લિબાસ આભૂષણો અને સાફાથી શોભી રહ્યો છે એક તેજસ્વી યુવક સેતુક. વાજતે ગાજતે રથ ગામ આખું ફરી તળેટી થઈ મુખ્ય સ્થાને પહોંચ્યો. લગભગ ચાર કલાક જેટલો સમય થયો. સાંજે ગિરિરાજ શેત્રુંજયની મહાઆરતી કરી તીર્થક્ષેત્રના આશીર્વાદ મેળવ્યાં.
વસંત પંચમી આવી. ૨૬ જાન્યુઆરી, દેશ આખો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સેતુક સ્વાત્માની ભૂમિ પર અનંત હિતનું આરોપણ કરવાં જઈ રહ્યો છે. શિયાળાની કડકડતી ઠંડીની સવાર, બ્રાહ્મ મુહુર્ત વેળા, સવારના ૫.૩૦ નો સમય. આચાર્યશ્રીઓ અને ગુરૂ ભગવંતોએ મંડપના એક તરફનાં બેઠક મંચ પર પોતાની બેઠકો લઈ લીધી છે. મંચની સન્મુખ નીચે પદ્માસન ની પ્રતિકૃતિ સાથે ભગવાન બિરાજેલા છે. મંચની નીચે ડાબી બાજુ પૂજ્ય સાધ્વીગણ બિરાજેલાં છે. જમણી બાજુ આમંત્રિતો જોડાયાં છે. નાણ આસપાસની ખુલ્લી જગ્યામાં સોહામણો એક યુવાન કાને કુંડળ અને શ્વેત સોનાની જરી મઢેલા કિનખાબ વસ્ત્ર પરિધાન સાથે માથે પરંપરાગત સફેદ ગોળ પાઘ પહેરી ઉત્સાહિત પરંતુ ધીર મુદ્રામાં ઉપસ્થિત છે. વચ્ચેના ભાગમાં પરિવાર સગા સંબંધીગણ બેઠાં છે. મધ્યક્ષેત્રમાં પરંપરાગત વાજિંત્ર વગાડનાર અને ગીત ગાન કરનાર 300 થી વધુ ની ટીમ સક્રિય છે. આખો મંડપ શ્રાવકો - શ્રદ્ધાળુઓથી ભરેલો છે. ૧૦૦ જેટલાં ઝુમ્મરોમાં પ્રગટાવેલાં દીવાઓની મંદમંદ રોશની મંડપ ના દ્રશ્યને આકર્ષક કરી રહી છે. લગભગ સાત થી દસ હજાર લોકો ઉપસ્થિત છે પરંતુ બધાં શાંત છે. એ નીરવ શાંતિમાં પ્રવક્તાનો ઘેઘૂર અવાજ બધાં સુધી પહોંચી રહ્યો છે. બધાં ગાઈ રહ્યા છે, દીક્ષાર્થીંનો જય જયકાર. દીક્ષાર્થી અમર રહો. પ્રવક્તા વચ્ચે વચ્ચે જૈન દર્શનની વાર્તા થકી ૨૬૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા સમજાવતા જણાવે છે કે જંગમ સંપત્તિ એવાં આચાર્ય મુનિ ભગવંતોએ એ પરંપરા જાળવી જતન કરી સાચવી રાખી છે, જેને કારણે વર્ધમાન મહાવીર સ્વામી મહારાજના વખતમાં જે પ્રકારે દીક્ષા કાર્યક્રમ થતો, તેવો જ કાર્યક્રમ આજે ૨૬૦૦ વર્ષ પછી એ જ પ્રકારે થવા જઈ રહ્યો છે.
પૂજ્ર્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પૂજ્ર્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી તપોરત્ન સૂરીશ્વરજી મહારાજા અને અન્ય ગુરૂ ભગવંતો અને મુનિ મહારાજોએ સ્થાન ગ્રહણ કરતાં સેતુકે તેમની પૂજા કરી ઉપધિની વસ્તુઓ વહોરાવી. આજનો મહોત્સવ અનુપમ એટલે હતો કે જુદા જુદા ગચ્છના ૧૬ આચાર્ય ભગવંતો તથા તેમનાં મુનિગણે હાજરી આપી.
ગુરૂવંદના પછી પોતાનાં માતા પિતા, બહેન ભાઈ, સંબંધીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ ઉજવાયું. સૌ તેને ભેટ્યાં, નમ્યાં અને રજા આપી. સેતુકે પણ સૌનો અહીં સુધી પહોંચાડવા પગે લાગી આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરી. આંખમાં એક પણ આંસુ વિના પુત્રને વૈરાગ્યની રજા આપનાર માતા પિતા ધન્ય હો.
કૃતજ્ઞતા પછી પ્રવેશની આચાર્યશ્રી એ રજા આપી. રજા મળતાં સેતુકે નાણની પ્રદક્ષિણા શરૂ કરી ભગવંતોના વચનો પ્રતિ દ્રઢતા વ્યક્ત કરી. પ્રદક્ષિણા વૃક્ષની દક્ષિણાવૃત વિકાસના અવલોકનને આધારે દક્ષિણાવૃત રીતે ફરવામાં આવે છે. પ્રદક્ષિણા પછી
સેતુકે પુનઃ આચાર્યશ્રી અને ગુરૂ ભગવંતોનાં ચરણ સ્પર્શ કરી તેમને અક્ષતોથી વધાવ્યાં. તેમણે વાસક્ષેપ કરી આશીર્વાદ આપ્યાં અને કાનમાં જરૂરી વાતો કહી. પછી હાજર સૌ ને ફરી ફરી અક્ષતોથી વધાવ્યાં. પછી આવ્યો મોહાવરણ ત્યાગનો તબક્કો. જેમાં રજોહરણ સ્વીકાર, મુંડન, વેશભૂષા પરિવર્તન, જીવનશૈલી પરિવર્તનની હામી ભરવામાં આવી. મોહ રાજાથી મુક્તિ પછી જે સ્થાન પર દીક્ષા લઈ રહ્યાં છે તે સ્થાનની પવિત્રતા તપાસી સર્વ જીવોની તેમને જાણે અજાણે કરેલ ક્ષતિની માફી માંગવામાં આવી. સર્વ પ્રત્યેના દ્વેષથી મનને મુક્ત કરવામાં આવ્યું. હવે પાત્ર બરાબર તૈયાર છે તેમ જાણી આચાર્યશ્રીએ મંત્ર દીક્ષા આપી. જૈન ૪૫ આગમો પૈકી ગણધર ભગવંત રચિત શ્રીનંદી સૂત્રની આરાધના કરવામાં આવી અને પ્રતીક રૂપે નમસ્કાર મંત્રથી સેતુકને દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ આચાર્યોશ્રીએ રજોહરણની રજા આપી અને જેવુંક રજોહરણ મુહૂર્ત ની ઘડીએ સેતુકના હાથમાં આવ્યું કે તે આનંદિત થઈ ઉઠ્યો, નાચી ઉઠ્યો અને તેણે રજોહરણ લઈ કૂદતાં કૂદતાં નાણની પ્રદક્ષિણા કરી. જાણે જીવનનો અમૂલ્ય રત્ન હાથ લાદ્યું. નવ દિવસનાં ઉત્સવમાં વાપરેલી કરોડોની સંપત્તિ આ રજોહરણના મૂલ્ય સામે તેને સાવ નજીવી જણાઈ. સોદો તેના નફામાં રહ્યો. હવે વકરો એટલો બધો જ નફો. જીવતર ધન્ય બન્યું. પછી મુંડન વિધિ પતાવી તેણે સાધુ વસ્ત્ર પાત્ર ધારણ કરી ગુરુએ આપેલ નવું નામ મુનિ ત્રિભુવનહિતવિજયજી મહારાજ ધારણ કર્યું. તેની આત્મ ભૂમિ પર અનંત હિતનું આરોપણ થયું. સ્વાત્મા કલ્યાણ અને અનંત જીવ કલ્યાણના માર્ગે તેમણે ડગ માંડી દીધો. અહિંસા, સંયમ અને તપનો માર્ગ. સચ્ચરિત્રનો માર્ગ. અનંત હિતનો માર્ગ.
દીક્ષા મહોત્સવ સંપન્ન થયો. ચિરંજીવ બન્યો અને હજારો યુવક યુવતી માટે પ્રેરણાદાયી બન્યો.
અભિનંદન મુનિ ત્રિભુવનહિતવિજયજી ને અને તેમના પૂર્વાશ્રમમાં માતા સેજલબહેન અને પિતા અનિલભાઈને.👏👏👏
પૂનમચંદ
પાલીતાણા
૨૬ જાન્યુઆરી ૨૦૨૩