Sunday, June 12, 2022

Man created God

 માનવે ઘડ્યો ભગવાન


એક ધર્મના ભગવાન કે મહાપુરુષની બીજા ધર્મવાળા ટીકા કરે તેના વિવાદ અને ઘર્ષણ સદીઓથી ચાલ્યા કરે છે. કોણ કોને સમજાવે? તમાશાને તેડું ન હોય. 


મનુષ્યોએ સર્જેલા ભગવાનની અને તેની રચનાઓનું વિવેચન કરવાનો હક દરેકને રહેવાનો કારણ કે મનુષ્ય સંવેદનશીલ પ્રાણી છે. પોતાની લાગણી વ્યક્ત કરવાનો. ધાર્મિક વ્યવસ્થા આ રીતે જ બની છે. આ ધાર્મિક વ્યવસ્થા જન કલ્યાણનું ભલું કરે ત્યાં સુધી સૌ સારું ગણવું પરંતુ જેવી તે એકબીજાનું ખૂન કરવા પ્રેરે એટલે તેને નકામી ગણી ટીકા કરવામાં કંઈ જ અજુગતુ નથી. 


કોને ન ગમે સારા મનુષ્ય ન બનવું? 


સાચું બોલવું, બીજાની હિંસા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, બીજાનું પડાવી ન લેવું, માતા-પિતા-ગુરૂજનો-વડીલોને માન આપવું, દંભ ન કરવો, અભિમાન ન કરવું, કપટ ન કરવું, વ્યસન ન કરવું, સમ્યક દર્શન કરવું, વગેરે વગેરે. એક મનુષ્યને સારો મનુષ્ય બનાવે તેવા ભગવાનને ૧૦૦ માંથી ૧૦૦ ગુણ. 


હિન્દુ ધર્મમાં ધાર્મિક વ્યવસ્થાના ત્રણ સ્તર છે. 

૧) ભગવાન 

૨) ઈશ્વર 

૩) બ્રહ્મ 


ભગ એટલે યોનિ અને ભગવાન એટલે યોનિ દ્વારા જન્મેલ, મનુષ્ય. મનુષ્ય યોનિમાં જન્મેલા વિશિષ્ટ પુરુષો, પુરુષોત્તમ, ભગવાન શ્રેણીમાં આવે. જેમ કે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ભગવાન સ્વામીનારાયણ, ભગવાન રજનીશ (ઓશો), ઈત્યાદિ. મનુષ્ય શ્રેષ્ઠ કે જેમણે પોતાના જીવન કર્મથી માનવતાનો વિશેષ સંદેશ આપ્યો. 


બીજી ઉપરની શ્રેણીમાં ઈશ્વર આવે. જેની સાથે બીજા ધર્મના અલ્લાહ, પરમ પિતા મૂકી શકાય. આ અમાનવીય શક્તિ સ્વરૂપ છે, જે ચૈતન્ય છે અને સમગ્ર સર્જન, સ્થાપન અને વિસર્જનનું કારણ ગણાય છે. હિન્દુ ધર્મ તેની ત્રણ શક્તિઓને બ્રહ્મા વિષ્ણુ મહેશ તરીકે ઓળખે છે. અંશ અને અંશીની કલ્પના આ સ્વરૂપમાં કરી મનુષ્ય દ્વૈત ભાવે તેની પૂજા-બંદગી-પ્રાર્થના કરે છે. આ સગુણ સ્વરૂપ છે.


ત્રીજી શ્રેણીમાં નિર્વિકલ્પ આવે. સનાતનીઓનો બ્રહ્મ, શૈવોનો પરમ શિવ, જૈનીયોનો કેવલી, બુદ્ધોનો શૂન્ય આવે; જે નિર્ગુણ, નિરાકાર, સર્વ વ્યાપક, એક, અદ્વિતીય, ચિદ્ઘન ચૈતન્ય પરમાત્મા છે. મનુષ્યમાં રહેલી ચેતના અને વ્યાપક ચેતનાના એકીકરણની પ્રક્રિયાને મોક્ષ, નિર્વાણ, મુક્તિ તરીકે જોવામાં આવી છે. 


ત્રણેય સ્થિતિમાં એક મનુષ્યના ઉત્થાનની ભૂમિકા બાંધેલી છે, જે પોતાની ચૈત્ય સ્થિતિને સ્થૂલ સંકુચિત ભૂતોથી મુક્ત કરી વ્યાપક ચૈતન્યમાં વિસ્તારી લઈ સર્વ સમાવેશ, સર્વાત્મ ભાવ કેળવી લે છે. વ્યકિત વિકાસ અને આર્ટ ઓફ લીવીંગ મેળવી લે છે.


બાહ્ય દેખાતી ધર્મ હરિફાઈઓ, આડંબર, ચાલચલણ; સત્તા, સંપત્તિ અને કીર્તિના સાધન તરીકે વધુ અને સમાજમાં સમત્વ અને સદ્દગુણોના વિકાસ માટે ઓછી જણાય છે.


પૂનમચંદ 

૧૨ જૂન ૨૦૨૨

0 comments:

Post a Comment

Powered by Blogger.