નિ:કરણ સાધના
પૂજ્ય સ્વામી રામસુખદાસ (૧૯૦૪-૨૦૦૫) એક મહાન વ્યક્તિત્વ, ઉચ્ચ કોટિના સંન્યાસી સંત હતાં. ગીતાનો મર્મ તેમને પકડાઈ ગયો હતો. તત્વના અનુયાયી હતા. ભક્તિ યોગ અને પરમ પ્રેમની પ્રાપ્તિ તેમનું લક્ષ્ય રહ્યું. તેમણે જીવનના ૭૨ વર્ષ હિંદુ ધર્મના પુસ્તકોનો અનુવાદ અને સરળ ભાષામાં અર્થસભર ટીકા લખવામાં અને પ્રવચનોમાં વિતાવ્યો હતો. ગીતા સાધક સંજીવની તેમનું સૌથી પ્રસિદ્ધ પુસ્તક છે. ભારત કે ભારત બહાર ચાલતા હિંદુ સત્સંગમાં ઘણાં સંતો, મહંતો, કથાકારો પોતાના પ્રવચનો સ્વામી રામસુખદાસના પ્રવચનો પુસ્તકોને આધારે કરતા હતા અને કરે છે. ગીતા પ્રેસ ગોરખપુરનો મોટો ખજાનો તેમનો છે.
મારી તેમની સાથેની પહેલી અને આખરી મુલાકાત સપ્ટેમ્બર ૨૦૦૨માં ઋષિકેશમાં એક આશ્રમમાં થઈ હતી. તેમણે ટૂંકમાં પણ સચોટ બોધ આપ્યો હતો જેમાં અવિદ્યા ક્ષેત્રના વ્યર્થ પ્રયત્નો છોડી વિદ્યા ક્ષેત્રમાં સાધના યાત્રા કરવા તરફ સૂચન હતું. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે તેઓના ૭૨ વર્ષ ખોટા વેડફાયા, એક વાત માનવામાં, “સર્વં ખલ્વિદં બ્રહ્મ”, “વાસુદેવ સર્વં”.
અવિદ્યા ક્ષેત્રમાં સ્થૂળ શરીર, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ પ્રાણ, પાંચ મહાભૂત, પાંચ તન્માત્રા, મન, બુદ્ધિ, અહંકારનો સમાવેશ થઈ જાય છે. કોઈ ૧૭ ગણે, કોઈ ૨૪ અને કોઈ ૩૨, પરંતુ વાત કરણ કે સાધનોની જ થાય છે. આ બધાં સાધનોની પોતાની કોઈ સત્તા નથી. તેને આત્મ સત્તાની વીજળી ન મળે તો નકામા. જેમ કોઈ પંખો, ટીવી, ફ્રીજ, હીટર, વગેરે ઉપકરણો વીજળી વિનાના કેવાં? પ્રશ્ન એ છે કે આ ઉપકરણો કામ કરતાં હોય ત્યારે વીજળીની પરોક્ષ રીતે હાજરી અને કાર્ય અનુભવાય પરંતુ વીજળીનો અપરોક્ષ અનુભવ ન થઈ શકે. વીજળીનો સાક્ષાત્કાર કેવલ વીજળી જ કરી શકે. તેથી કરણો બધાં પુરાવા તરીકે ચાલે પણ તે સાક્ષાત્કાર ન કરાવી શકે.
વિદ્યા ક્ષેત્ર આત્મા છે, ચૈતન્ય છે, જ્ઞાન સત્તા છે. સાશ્વત છે. કૂટસ્થ છે. તેના આધારે બધું છે. તે નહીં તો કશું જ નહીં. તે સર્વનો આધાર પણ પોતે નિરાધાર. આ આત્મા ચૈતન્ય દરેક જીવને સદાકાળ સર્વદા ઉપલબ્ધ જ છે. તેને જાણવા માત્રથી તેની પ્રાપ્તિ છે. પ્રાપ્ત ને શું પ્રાપ્ત કરવાનું? સૂર્યને નથી પ્રકટાવવાનો પણ સૂર્ય કિરણોને રોકતાં આવરણો, વાદળો હટાવવાના છે. બસ નજર બદલવાની છે, ડબો બદલવાનો છે. અવિદ્યાના ડબામાં બેસી વિદ્યાનો ડબો કેવી રીતે મળે? બસ એકવાર વિદ્યાની ઓળખાણ થઈ જાય પછી જ્યાં જુઓ ત્યાં તે જ દેખાય. તેના સિવાય કશું બીજું ન જણાય. વિદ્યા અવિદ્યાના ભેદ વિભાજન જતાં રહે. સર્વં ખલ્વિદં બ્રહ્મ. વાસુદેવ સર્વં.
આ વિદ્યા પ્રાપ્ત કરવા વિદ્યામાં દાખલ થવાનું છે. દાખલ જ છો, માત્ર કબુલ કરવાનું છે. તેની ઓળખાણ કરી લેવાની છે. તેમાં ઉપર દર્શાવેલાં કોઈ સાધન કે કરણની જરૂર ન રહે. સીધાં આત્મ પ્રદેશમાં છલાંગ લગાવવાની છે. શું લગાવી શકશો? સંતોએ એક મોટો અવરોધ નિહાળ્યો છે. અંત:કરણના આવરણોનો. તેથી તે હટાવવાની સાધનાના ઉપાયો જણાવે છે. પરંતુ સ્વામી રામસુખદાસના મતે વિદ્યા ક્ષેત્રના જાતકને અવિદ્યા ક્ષેત્રની ગણતરી અને પળોજણની કોઈ જરૂર નથી. સીધાં જ ગોળ ખાઈ લઈએ પછી ગોળ વિષે પુસ્તકો વાંચીને તેના સ્વાદની કલ્પના કરવાનો શો અર્થ.
પરમાત્મા સચ્ચિદાનંદ છે. પરમ શાંતિ, પરમ સુખ, પરમ પ્રેમ તેમનું સ્વરૂપ છે. તે બધાંને પ્રાપ્ત જ છે. ત્રાહિમામ તો અવિદ્યા ક્ષેત્રમાં છે. તેને છોડી દીધું પછી બંધન મુક્તિનો બોજ જ જતો રહ્યો. મુક્તની તે વળી કેવી મુક્તિ? જીવતાં જ મોક્ષ છે. બસ ચપટી વગાડવાની જરૂર છે.
પૂનમચંદ
૫ માર્ચ૨૦૨૨
0 comments:
Post a Comment