Thursday, September 11, 2025

મારું પ્રાથમિક શિક્ષણ

જૂન ૧૯૬૫નું બીજું અઠવાડિયું, મારે હજી પાંચ વર્ષની ઉંમર પૂરી થવામાં દોઢ મહિનો બાકી હતો. મારો ચાલી મિત્ર રમણ પરસોત્તમ તે દિવસે માથે તિલક અને નવા નક્કોર કપડાં પહેરી તેના પિતાની આંગળી પહેરી નરવેલા તરફથી તેના ઘર તરફ જઈ રહ્યો હતો. તેના પિતાએ પણ નવો લેંઘો, ખમીસ અને માથે કાળી ટોપી પહેરી હતી. હું મારા ઘરનાં આંગણામાં બે ગબી ગાળી તે વચ્ચે નીચેથી હોલ કરી પાણી એક ગબીમાંથી નાંખી બીજી ગબીમાં જાય તેવી રમત રમી રહ્યો હતો. મારા પિતા ખાટલીમાં બેઠા ગુજરીયું પી રહ્યા હતાં. મેં મોટેથી પૂછયું રમણ, આજે નવાં કપડાં પહેરી ક્યાં જઈ આવ્યો? તેનાં પિતાએ જવાબ આપ્યો કે તેનું આજે શાળામાં નામ લખાવ્યું. મેં મારા પિતા તરફ જોઈ કહ્યું, કાકા મારું પણ શાળામાં નામ લખાવોને. કુટુંબમાં પિતાને મોટાભાઈઓ હોય તેમને સંતાનો કાકા કહેતાં. મારા પિતાએ મારી વાતનું બહું ધ્યાન ન આપ્યું પરંતુ જેવું મેં રોવાનું શરૂ કર્યું એટલે અમારી લાઈનમાં ચોથા ઘરે અમારી કૌટુંબિક બહેન સોનીબેનના બીજો દીકરા નારણને બોલાવી કહ્યું કે આને ભણવું છે, શાળાએ જઈ નામ લખાવી આવજે. નારણે મારા ઘેરથી મારા જન્મનો દાખલો લીધો અને મને લીધો. અમે રસ્તામાં વાતો કરતાં કરતાં શાળાએ પહોંચ્યા. મેં કહ્યું કે મારું નામ પૂનમભાઈ ખેમાભાઈ ના લખાવતાં પરંતુ પૂનમચંદ ખેમચંદ લખાવવાનું છે. સામાન્ય નામ મારે ન ચાલે. મારે વિશિષ્ટ અને મોટા બનવાનું છે. વાતો કરતાં કરતાં અમે બંને રાજપુર શાળા નં.૧ પર પહોંચ્યા અને જેવો લાઈનમાં વારો આવ્યો એટલે નામ નોંધણી કરનાર સાહેબે મારો જન્મનો દાખલો જોઈ મને હજી પાંચ વર્ષ પૂરાં થયાં નથી તેથી પ્રવેશ ન મળે તેવું કહી અમને પાછા મોકલી દીધાં. આમ ગુરુવારે ધક્કો થયો. મેં ઘેર આવી રડવાનું શરૂ કર્યું એટલે નક્કી થયું કે કાલે ફરી જવું અને સાહેબને વિનંતી કરવી. અમે બીજા દિવસે ગયાં. નામ નોંધણી કરનાર સાહેબે ફરી ના કહી એટલે અમે આચાર્ય પુરુષોત્તમ પરમાર સાહેબની રૂમમાં ગયાં. મારી ભણવાની ઉત્કંઠા જોઈ તેમણે કહ્યું કે હાલ તુરંત મને ધોરણ-૧માં મેનાબેનના વર્ગમાં બેસાડવો. મને પહેલી હરોળમાં પાથરણાં પર બેઠક મળી ગઈ. 

ધોરણ ૧ના વર્ગખંડની દિવાલ પર પ્લાસ્ટરથી બનેલું બ્લેક બોર્ડ અને તેની ઉપરના ભાગે દિવાલ પર બે બિલાડીઓની વચ્ચે ત્રાજવું પકડીને રોટલો તોલવા બેઠેલો એક વાંદરો. અમારા વર્ગ શિક્ષક મેનાબેન પ્રેમાળ અને તેમનો અવાજ જાણે કોકિલ કંઠ. તે ભણાવે એટલે આનંદ આવે અને બધું યાદ રહી જાય. એ વખતે વર્ગશિક્ષક જ અંકો, અક્ષરો, બારાક્ષરી અને વાંચન લેખન કરાવતાં. પાટી પેનથી ભણાવાનું. દરરોજ બપોરે બાર વાગ્યાથી શાળા. શાળાના પટાંગણમાં પહેલાં ધોરણ મુજબ લાઈન થાય, સમૂહ પ્રાર્થના થાય અને પછી પોતપોતાના વર્ગ ખંડમાં જવાનું. મારો વર્ગખંડ ગ્રાઉન્ડ ફ્લોરમાં જમણી બાજુ છેલ્લેથી બીજો હતો. મેનાબેન દરરોજ વિદ્યાર્થીઓની નામ દઈ હાજરી પૂરે અને જેનું નામ આવે કે જય હિંદ કે જય ભારત બોલે. પરંતુ મારું નામ ન આવે તેથી દિવસની શરૂઆતમાં જ મારું મોઢું ફિક્કું પડી જાય. હાજરીમાં નામ ન બોલાય તો પણ હું શાળાએ નિયમિત જતો અને ધ્યાન દઈને ભણતો. થોડા જ દિવસોમાં હું મારા વર્ગ શિક્ષકનો ફેવરીટ વિદ્યાર્થી બની ગયો. હાજરી વગરનું શિક્ષણ આમ દોઢ બે મહિના ચાલ્યું હશે ત્યાં એક દિવસ હાજરી પૂરતાં મેનાબેન હસીને બોલ્યાં પૂનમચંદ ખેમચંદ પરમાર. હું રોજ બધાંના નામ સાંભળતો. મારાં કાન અચાનક સરવાં થયાં, આંખોમાં એક તેજ કિરણ ચમક્યું અને શરીરમાં વીજળી પસાર થઈ ગઈ. હું પૂરું જોર દઈ મોટેથી બોલ્યો જય હિંદ. પૂરો વર્ગખંડ મારા “જય હિંદ” અવાજથી ગૂંજી ઉઠ્યો. મારું નામ હાજરી પત્રકમાં આવવાથી મેનાબેન અને સહાધ્યાયીઓ સૌ રાજી થયાં. 

પહેલું ધોરણ પૂરું થતાં હું બીજા ધોરણમાં આવ્યો. મારો વર્ગ ખંડ પહેલાં માળે હતો. મારા વર્ગશિક્ષક ક્રિશ્ચિયન બહેન ગળામાં દાઝી ગયાના નિશાનવાળા હતાં અને તેમનો અવાજ પણ રૂક્ષ. તેઓ તેમનાં ગોરા અને રૂપાળાં પુત્રને લઈ શાળાએ આવતાં અને વચ્ચે રાખેલાં ટેબલ પર બેસાડતાં અને થોડી થોડી વારે બાટલીનું દૂધ ચૂસવા આપે. અમારું ધ્યાન તેથી બ્લેક બોર્ડના ભણતર પર ઓછું અને બાળકની હરકતો પર વધુ રહેતું. વચ્ચે વચ્ચે તે રડે એટલે તેની ક્રિશ્ચિયનને તેને ધમકાવે, મારે, રડાવે તેથી વર્ગખંડનું વાતાવરણ સાવ બગડી જતું. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરતો કે હે ભગવાન પેલા બાળકને તેની માંના ત્રાસમાંથી છોડાવ અને કોઈ એવો રસ્તો કાઢ કે અમે પહેલાં ધોરણમાં ભણ્યા તેવું બીજામાં ભણી શકીએ. 

ધોરણ બીજામાં એક દિવસ સમૂહ પ્રાર્થના પછી મારા શાળામિત્ર જશુની પાછળ દોડી શાળાની સીડી ચડતાં મારો પગ તૂટેલા પગથિયાંની ધારે અથડાયો અને પડ્યો. મારી ડાબી આંખના ખૂણે પગથિયાંની ધાર વાગી ગઈ. લોહી નીકળવા લાગ્યું. ગજવામાં રૂમાલ નહીં. શાળામાં ફર્સ્ટ એઇડ નહીં. મેં પાટી-પેન રાખતો તે થેલી કાઢી લમણે દબાવી અને સીધો ઘેર પહોંચ્યો. હજી માં કંઈ પૂછે કે ક્યાં વાગ્યું, તેટલીવારમાં ESI દવાખાનાનું મફત સારવારનુ કાર્ડ લઈ હું દોડ્યો ડી-૨૫ દવાખાને. દવાખાનું અમારા ઘરથી બે કિલોમીટર જેટલું દૂર અને બપોરે બાર એક વાગે બંધ થઈ જાય. મેં ઝડપથી કેસબારીથી કેસ કઢાવી ક્લિનિકમાં બેઠેલા ડોક્ટર પાસેથી દવા લખાવી પછી પહોંચ્યો પાટા-પીંડીવાળી રૂમમાં. કચરાભાઈ કમ્પાઉન્ડરે તરત જ બળતરા થાય તેવું કોઈ પ્રવાહી લગાડી ઘા સાફ કર્યો. દવા લગાડી, પેડ લગાવી માથા ફરતો પાટો બાંધી દીધો. બાજુમાં જ સફેદ, ગુલાબી રંગની ગોળીઓના ભરેલા ડબા હતાં, તેમાંથી સફેદ ગોળીઓ લઈ કાગળમાં બાંધી મને આપી દીધી. દવાખાનેથી પાછા ફરી મેં કાર્ડ ઘેર મૂક્યું અને પાછો બાંધેલા પાટે સ્કૂલમાં જઈ મારી જગ્યાએ બેસી ગયો. વર્ગ શિક્ષક કહે વાગ્યું હતું તેથી આજે ન આવ્યો હોત તો ચાલત. પરંતુ નિશાળમાં દહાડો થોડો પડાય? ગેરહાજરીમાં મારું નામ આવે તે મને ન ગમે. 

પિતાજી મજૂર મહાજન સંઘના મેમ્બર અને રાજકીય ઘટનાઓથી ઘર માહિતગાર તેથી આઝાદીની ચળવળ, ગાંધીજી, પંડિત નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ વગેરેના દૃષ્ટાંતો અમને પ્રેરણા આપતા. ૧૯૬૫ના ભારત પાકિસ્તાનનું યુદ્ધ, અઠવાડિયે એક ઉપવાસ, તાશ્કંદ કરાર પછી લાલ બહાદુર શાસ્ત્રીજીનું અચાનક અવસાન થતાં જાહેર રજા અને દેશમાં શોકના વાતાવરણનો દિવસો મને હજી યાદ છે. એ બંને વર્ષ હું શાળાએ આવતાં જતાં રસ્તાની બંને બાજુએ આવેલી દુકાનોના બોર્ડ વાંચી મારું વાંચન પાકું કરતો અને શાળામાં સંભળાવેલી પાંચ વાર્તાઓને જીવન ઘડતરમાં ઉપયોગમાં લેવા ચિંતન કરતો.

છ વાર્તાઓએ મારા જીવતરનો રાહ ઘડેલો. પહેલી તો અમારા વર્ગખંડની દિવાલ પરની બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જવાની વાત જેમાંથી એકતા અને સંપનું મહત્ત્વ સમજાયુ. બીજી વાર્તા રાજા સત્યવાદી રાજા હરીશયંદ્રની. વચન અને સત્યની રક્ષા કાજે તેમણે પોતાની પત્ની અને પુત્રને વેચ્યાં અને ફરજનું પાલન કરતાં પોતાના પુત્રના અગ્નિદાહની ફી માંગવાથી પણ ન ચૂક્યા. ત્રીજી વાર્તા શ્રવણની. શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માતપિતાની કરતો. પોતાના અંધ માબાપને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવવા નિકળેલો શ્રવણ રાજા દશરથના શબ્દવેધી બાણથી હણાય છે અને મરતાં મરતાં રાજા દશરથને પોતાના માતાપિતાને તેનાં મરણના સમાચાર ન આપવા અને તેમની સેવા કરવાનું કહી માતૃ પિતૃ ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. મારા માતાપિતા જીવ્યાં ત્યાં સુધી તેમની ભાવથી ખડે પગે સેવા કરવામાં મેં પાછીપાની ન કરી. તેમના આશીર્વાદ અને કુટુંબની ગરીબી નિવારવાની ધગશે જ મને ભારતીય વહીવટી સેવામાં દાખલ થવાનો મોકો આપ્યો. ચોથી વાર્તા ગુરૂ દ્રોણે લીધેલી પાંડવો કૌરવોની પરીક્ષા જેમાં એક અર્જુન જ પાસ થયો જેને પક્ષીની જમણી આંખ જ દેખાતી હતી. લક્ષ્યવેધ કરવા ધ્યાન માત્ર લક્ષ્ય પર જ રાખવું તે સમજાયું. પાંચમી વાર્તા લાવરી અને તેના બચ્ચાંની. જ્યાં સુધી ખેડૂત બીજાની આશાએ પાકને લણવાની તૈયારી કરતો રહ્યો ત્યાં સુધી તેનાં બચ્ચાં ગભરાતાં પરંતુ લાવરી નિશ્ચિંત રહેતી. પરંતુ જેવું ખેડૂતે જાતે પાક લણવાનું નક્કી કર્યું કે લાવરીએ તેનો મુકામ ઉઠાવી લીધો. પારકી આશા સદા નિરાશનો એ મંત્ર જીવનભર કામ આવ્યો. હૈયું બાળવા કરતાં હાથ બાળવાં સારાં. તે બોધને કારણે વન મેન આર્મી તરીકે હું કોઈ પંણ કામ કે ચેલેન્જ ઉપાડવા સક્ષમ બન્યો. છઠ્ઠી વાર્તા ગાંધી બાપુની. તેઓ નાના હતાં ત્યારે અંધારાથી ડરતાં. તેમના ઘરમાં કામવાળા બેન રમાબેને તેમને રામનામનો મંત્ર આપેલો જેથી ભય લાગે તો રામનામ મંત્ર બોલી તે ભય હટાવતાં. મને પણ અંધારામાં ડર લાગતો. વળી ચાલીના મોટા છોકરાઓ રોજ ભેળાં થાય એટલે ભૂત, પ્રેત, જીન, ચુડેલની વાતો કરે એટલે ભયની સાથે ધ્રુજારી આવી જાય. ગાંધી બાપુમાંથી પ્રેરણા લઈ મેં પણ ભગવન નામ સ્મરણને મારો જીવનમંત્ર બનાવ્યો જેને કારણે અંધારું અને અવરોધો બધું પાર કર્યા. 

જેવું બીજું પૂરું થયું એટલે ત્રીજામાં અમને કહી દીધું કે તમારે પોપટીયાવડની નવી શાળા રાજપુર શાળા નં. ૩માં જવાનું છે. શાળા બદલાઈ તે મને ન ગમ્યું, પરંતુ જેવા નવી શાળામાં જનકબેનના વર્ગમાં ભણવા બેઠા તો રાજી થઈ ગયા. એક તો ક્રિશ્ચિયનબેનના કકળાટમાંથી છૂટ્યા અને બીજી તરફ કાળા પણ કામણગારા જનકબેન વર્ગ શિક્ષક તરીકે મળ્યા. ત્રીજું ધોરણ સરસ રીતે પૂરું કર્યું. લેખન, વાંચન અને ગણન એવું મજબૂત થઈ ગયું હતું કે મારા પિતા જે કોઈ મહેમાન આવે તેની સામે મને ચોપડી વાંચી સંભળાવા કહે અને મને પોરસ ચડાવે કે મારો દીકરો બહું હોંશિયાર, કડકડાટ વાંચે છે. 

પછી આવ્યું ચોથું ધોરણ. ફરી શાળા બદલાઈ કારણકે ધોરણ-૩ની શાળામાં એક જ ધોરણ હતું. ચોથા માટે હવે હું રાજપુર શાળા નં.૫માં આવ્યો. મારા વર્ગ શિક્ષક હતાં પ્રદીપભાઈ પરમાર. તેમણે મારી હોશિયારી જોઈ મને ઘડવાનું શરૂ કર્યું. એકા અને અગિયારા મને મોઢે. કેમ ન થાય? મારી બાને પા, અડધા, પોણા, એકા, અગિયારા, એકવીસા બધું કડકડાટ આવડે. હું ચોથા ધોરણમાં પ્રથમ આવ્યો અને વિશેષ હોવાનો ખ્યાલ મારામાં પ્રવેશ્યો. 

ધોરણ પાંચમાં મારા બે વર્ગ શિક્ષક થયાં પહેલાં સત્રમાં જશોદાબેન અને બીજા સત્રમાં નારણભાઈ પટેલ. જશોદાબેન બરાબર ભણાવે નહીં અને નારણભાઈનો સ્વભાવ નબળો. ગુસ્સે થાય તો જોડું છૂટું મારે. તે વર્ષે અમદાવાદમાં કોમી હુલ્લડોનું વર્ષ. અમારો વિસ્તાર તોફાનો કરવામાં અને કર્ફ્યૂ ભોગવવામાં અગ્રેસર. તેથી પાંચમું ધોરણ પરીક્ષા વગર સમૂહ બઢતીથી બધા પાસ થયાં. 

ધોરણ છઠ્ઠાંમાં શાળાનું મકાન ન બદલાયું પરંતુ નંબર બદલાયો કારણકે આચાર્ય અને શિક્ષકગણ અલગ હતાં. શાળા હતી રાજપુર શાળા નં ૭. હું બંને વર્ષે શાળામાં પ્રથમ આવ્યો. ધોરણ ૬ અને ૭ વિષય શિક્ષકો ભણાવતા તેથી તેમાં શિક્ષણના સ્તરમાં મોટો સુધારો થયો. પહેલીવાર પાટી-પેનમાંથી છૂટી નોટ પેન્સિલથી નોટમાં લખવાનું શરૂ થયું. શિક્ષણ સમિતિ તરફથી અપાતાં મફત પુસ્તકો તો વરસ પૂરું થવા આવે ત્યારે આવતાં તેથી સાહેબો જે ભણાવે તે અમારાં પુસ્તકો. અમૃતભાઈ પરમાર સાહેબે અમને અંકગણિત અને ભૂમિતિ એવાં તો ભણાવ્યાં કે તે પાયા પર આજે પણ મજબૂત ઈમારત તરીકે હું ઊભો છું. પ્રેમાનંદ પરમાર સાહેબ અમારા વર્ગ શિક્ષક અને આચાર્ય પણ. તેઓ ગુજરાતી ખૂબ સરસ ભણાવતાં. મારી બા હવે મારા શિક્ષણમાં દાખલ થઈ. મને રોજ પાઠ વંચાવે પછી ઊંઘવા દે. તે પાંચ પાઠ પૂરા થાય ત્યાં સુધી હોંકારો દેતી રહે પરંતુ દૈનિક વાંચનથી મારી યાદશક્તિ અને સમજણ શક્તિ વધતી ચાલી. 

મારે ઘેર દર વર્ષે શ્રાવણ મહિનામાં મહાભારત વંચાતું. દિવસપાળી હોય તો બપોરે ચાર વાગે અને રાતપાળી હોય તો સવારે નવ વાગે મહાભારત વંચાય. વૈશંપાયન એણીપેર બોલ્યાં સુણ જનમેજય રાય, વિસ્તારી તુજને સંભળાવું શાંતિ પર્વ મહિમાય. હું પહેલાં સાંભળતો પછી વારામાં વાંચતો થયો. વલ્લભકૃત મહાભારતની વાર્તા કરૂણ, રૌદ્ર, શ્રૃગાંર, શાંતિ, અદ્ભુત, વીર, ભયાનક રસોથી ભરપૂર. તેથી તેના રસસાગરમાં તરબોળ થઈ જવાય. તેથી જેવું સમૂહ વાંચન પૂરું થાય એટલે હું ઘરના ખૂણામાં બેસી આગળ શું થયું તે જાણવા એકલો વાંચતો અને તેમ કરતાં તે વર્ષે આખી મહાભારત મેં વાંચી લીધી હતી જેને કારણે તેની વાર્તાઓ અને પેટાવાર્તાઓ મને યાદ રહી ગયેલી. મારી બા વૈષ્ણવ, ગુરૂ કાનપીરની ગાદીના સંત બેચરદાસની પૌત્રી અને ગુરૂ મૂળદાસની દીકરી તેથી નિયમિત વલ્લભ રચિત શ્રીમદ્ ભાગવત વાંચે. તેથી વૈષ્ણવ સંસ્કાર અને શિસ્ત મને બચપણથી મળેલાં. મારી બા અમારી ચાલીની સામે આવેલ ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં દર રવિવારે પૂજા માટે નિયમિત જતી. તેના પિયર ગાંભુમાં ગંભીરા પાર્શ્વનાથ જૈન દેરાસર તેથી તેને જૈન સંસ્કારનું સાતત્ય રહ્યું. તે રવિવારે કાયમ શ્વેત સાડી પહેરતી. ચિંતામણિ પાર્શ્વનાથ જૈન દેરાસર મારી શાળાને અડકીને તેથી જૈન ધર્મ અને તેના સંસ્કારો પ્રત્યે મને રૂચિ રહેતી. 

જેવું ધોરણ સાત પૂરું થયું કે શાળાના આચાર્ય પ્રેમાનંદ સાહેબે મારું લીવીંગ સર્ટિફિકેટ રોકી રાખ્યું. મને કહે તારું નામ ખાડિયાની હાઈસ્કૂલમાં લખાવ્યું છે તેથી તેઓ લીવીંગ સર્ટિફિકેટ તે શાળાએ મોકલી આપશે. તે વખતે અમારા વિસ્તારની હાઈસ્કૂલમાં ડેમોક્રેટિક અને સેંટ જોસેફ હાઈસ્કૂલના સારાં નામ. સેંટ જોસેફ હાઈસ્કૂલ મારા ઘરની નજીક તેથી મારી રૂચિ ઘરની નજીક રહેવાની જેથી શાળાએ જવાય અને સમય બચે તો ઘરકામમાં બા અને ભાભીને મદદરૂપ થવાય. બીજું ખાડિયા શાળામાં મારા મોટાભાઈ કનુભાઈ અને તેમના બે મિત્રો અંબાલાલ અને મૂળજીભાઈ ભણવા ગયેલાં અને તેમનું શિક્ષણ સાવ કથળી ગયેલું મેં જોયેલું. તેથી કોઈ પણ કિંમતે ખાડિયા હાઈસ્કૂલમાં જવાની તૈયારી નહીં. તેથી મારા માનીતા છતાં અન્યાય કરતાં સાહેબ સામે મેં અવાજ ઉઠાવ્યો. સાહેબ મને મારું લિવિંગ સર્ટિફિકેટ આપો, મારે સેંટ જોસેફ હાઈસ્કૂલમાં નામ નોંધાવવાનું છે. સાહેબે બહું આનાકાની કરી અને જ્યારે મેં મારો રસ્તો રોકાતો જોયો એટલે દાણાપીઠ જઈ શિક્ષણ સમિતિમાં ફરિયાદ કરવાની ધમકી આપી. સાહેબ સમસમી ગયા અને ગુસ્સે થઈ મારું લિવિંગ સર્ટિફિકેટ કાઢી આપ્યું. આમ અમદાવાદ પ્રાથમિક શિક્ષણ સમિતિની ચાર શાળાઓમાં ધોરણ સાત સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવી મેં હાઈસ્કૂલ શિક્ષણ માટે સેંટ જોસેફ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.  જ્યાં મને ઘડનારા ધોરણ આઠના વર્ગશિક્ષક સત્યભાષક સાહેબ, બાબુભાઈ વોરા, મૃદુલાબેન શાહ, શ્રીરમણ શર્મા, બ્રધર, આચાર્ય ફાધર જેરી લોબો વગેરે તૈયાર બેઠાં હતાં. હવે નોટમાં લખવા ઈન્કપેન મળવાની હતી. સસ્તી પેન, તેની તૂટતી નિબ, પેનનો સાંધો લીક થવાથી બગડતી આંગળી અને કંપાસને બદલે કોઈ દિવસ ગજવામાં ભેરવીએ તો ગજવા પર પડતાં વાદળી ઝાબાની મજા જ કંઈક ઓર હતી. 

ધોરણ પાંચ થી સાત તો એબીસીડી ચાલ્યું પરંતુ ધોરણ આઠથી એક વિષય તરીકે અમારું અંગ્રેજી શિક્ષણ શરૂ થયું. સત્યભાષક સાહેબ બ્લેક બોર્ડ પર વાક્ય લખે અને એક પછી એક બધાને ઊભા કરી વંચાવે. મારો દેખાવ સારો રહેતો તેથી મારો દાખલો આપી બીજાને પ્રોત્સાહિત કરતાં. તેમના પ્રોત્સાહનથી મારી વિશેષ બની રહેવાની વૃત્તિને બળ મળ્યું અને તે બળથી હાઈસ્કૂલમાં ૮-૯-૧૦માં પ્રથમ અને ૧૧માં બીજો ક્રમે મારી હોશિયાર વિદ્યાર્થી તરીકેની મારી છાપ મેં જાળવી રાખી. 

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫

Sunday, September 7, 2025

મારું કુળ -૧

 મારા પિતા અમને અમારાં વડવાઓની વાતો કહેતા. ૧૯૬૯ની મારી પ્રથમ ગામ મુલાકાત પછી મેં તે વાતો ધ્યાન દઈને સાંભળવાનું શરૂ કર્યું. મને પ્રશ્ન ઉઠતો કે જે જીવન અત્યારે વિષમ છે તેમાં મારા પૂર્વજો કેમ કરી જીવ્યા હશે? પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે તેમનો ઈતિહાસ ગૌરવપૂર્ણ હતો. મને અચરજ ત્યારે થતું જ્યારે બે-ત્રણ વર્ષે અમારા કુટુંબમાં વંશાવળી અદ્યતન કરવા વહીવંચો (બારોટ) આવે તે ઉપલા વર્ણથી આવે. 


મારા પિતા કહે ભટારિયા આપણું મૂળગામ નથી. અહીં આવે હજી સો વર્ષ જેવું થયું હશે પરંતુ તે પહેલાં તેમના પરદાદા મૂળોભા ૧૮૫૭ના બળવા આસપાસ ડિંગુચા ગામ છોડી તેલાવી આવેલાં અને પછી ભટારિયે વસેલાં. ડિંગુચા પહેલાં તેમનાં પૂર્વજોનું સ્થળાંતર ધાર, રતલામ, આબુ, મૂળી થઈ આ તરફ થયું હતું. મૂળીમાં કોઈક વર્ષે ધિંગાણું થયું તેમાં પરમાર રાજા માંડણરાય મરાણો પછી જે બચ્યાં તે જીવ બચાવીને નાઠા અને દૂર દૂરના ગામોમાં પોતાની ઓળખ છૂપાવીને રહ્યાં. તેમાંથી અમારા એક પૂર્વજે આંતરજ્ઞાતીય લગ્ન કર્યું અને તે પેઢીથી જાતિ પરિવર્તન થઈ ગયું. જાતિનું લેબલ બદલાયું પરંતુ Y ફેક્ટરના ખાનદાની લક્ષણો આજે પણ ન મટ્યા. નીડરતા, ન્યાય માટે લડવાનું, અન્યાય સામે અવાજ ઉઠાવવાનો, નબળાનું રક્ષણ કરવું, જરૂરિયાતમંદને મદદ કરવી, દાન ધર્મ કરવું, હાથ આપવા લંબાવવો પરંતું માંગવા નહીં એ અમારા વંશના લક્ષણો રહ્યાં. 

એ જમાનામાં સ્વરક્ષા માટે અને સિદ્ધિ માટે કેટલાક પુરુષો તંત્ર શીખતાં. મૂળોભા કામરૂ દેશ આસામમાં જઈ તંત્ર વિદ્યા શીખી લાવેલાં. તે તાંત્રિકોનો જમાનો. એકબીજાને લાડવા-પૂરી પ્રસાદની ભરેલી માટલીઓ આકાશ માર્ગે મોકલતા. પાટણના ખવીની ચરોતર પ્રદેશમાં જતી માટલી જેવી અમારા ગામ પરથી પસાર થાય એટલે મૂળોભા ઉતારી લેતાં અને તેમાંથી લાડુ પૂરી વગેરે હોય તે કાઢી બધાં ભેળાં થઈ ઝાપટી લેતાં અને ખાલી માટલીમાં માટી કાંકરા ભરી મંત્ર ભણી પાછી આકાશ માર્ગે રવાના કરી દેતા. એકવાર પાટણના ખવીની નડિયાદ બાજુ જતી એક માટલી ઉતારી લેતાં ખવીને કરતૂતની ખબર પડતાં કોણ છે તે શોધતાં શોધતાં ભટારિયા આવેલો. ખવી મૂળાભાને વાસની બહાર લઈ ગયો. પછી બંને વચ્ચે ચડસાચડસી થઈ. ખવી મૂઠમાર વિદ્યામાં પારંગત તેથી મૂળાભા જેવા ગામ તરફ પાછા વળ્યા કે તરત મૂઠ મારી અડધા જમીનમાં ઉતારી દીધાં. મૂળાભા કેમ પાછા પડે? તેમણે કમરથી શરીર પાછળ વાળી વળતી મૂઠ મારી ખવીને આખોય ભોયંમાં ઉતારી દીધેલો. તે જગ્યાએ (હાલ દરબારોની ઓરડીઓ છે) પછી લીમડો ઉગેલ અને ઘણાં વર્ષો સુધી મૂળાભાના પરાક્રમની સાક્ષી પૂરતો ઉભેલ. મૂળાભાની જેમ તેમના નાના પુત્ર ડોસલનો પુત્ર હરિ પણ કામરું દેશમાં મેલી વિદ્યા શીખી આવેલો અને કુટુંબ ગામમાં તેના નામની મોટી બીક રહેતી. મારા પિતા જ્યારે અગિયારેક વર્ષના હતાં ત્યારે ૧૯૩૧માં સ્મશાનમાં લઈ જઈ તેમણે કોઈ પ્રયોગ કરવો હતો પરંતુ મારા પિતા રટ્ટી મારી ભાગી આવેલાં. હું નાનો પરંતુ નિશાળ જાઉં તેથી પ્રશ્ન કરું. એવું તો હોતું હશે કે લાડવા પૂરી માટલીમાં ભરી આકાશ માર્ગે ગમન થાય? મૂઠ મારે એટલે માણસ મરી જાય? મારા પિતાના ફોઈના દીકરા અંબારામભા જૂની પેઢીના તેથી કહેતાં તે વાત સાવ સાચી કારણ કે ઉતારેલી માટલીના લાડવા તેમણે પણ ખાધા હતાં. 

મૂળોભા એકવાર દેત્રોજ રહેતી તેમની ફોઈને મળવાં ગયેલાં. ફઈ ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપ. ફઈએ કહ્યું કે કોઠીમાં ઘેંસ પડી છે, લઈને ખાઈ લે. મૂળોભા એકલો ઘરમાં પેંઠો. કોઠી ખોલી ઘેંસ લીધી પરંતુ કોઠીની ખીંટી પર ટીંગાડેલી ચાંદીની હાંસડી પર નજર પડી ગઈ અને તેનું મન બગડ્યું. હાંસડી ઉતારી ડાબા પગની જાંઘ પર ચડાવી દીધી. ઘેંસ પતાવી, ફોઈની રજા લઈ તે ભટારિયા રવાના થઈ ગયો. થોડાક દિવસો પછી કોઈ પ્રસંગે ફોઈને તેની હાંસડી યાદ આવી. કોઠીમાં જઈ જોયું તો હાંસડી ખીંટી પર ન હતી. કોઈ આવતું જતું નથી પછી કોણ લઈ ગયું હશે? છેલ્લે મૂળો આવ્યો હતો. ફોઈ મૂળા પાસે આવ્યા અને હાસળીનું પૂછયું. મૂળાએ ચોરી ન માની. એ જમાનામાં માણસને કોઈ રસ્તો ન જડે તો માતાજીના મઢે જઈ ધા કરતાં. ફોઈએ પણ મેલડીના મઢે જઈ ઘા કરી કે હે માં મેલડી મારી હાંસડી લીધી હોય તેને જોજે અને પાછી લાવજે. મઢનું દેવ શક્તિશાળી, મેલડી આવી પહોંચી ભટારિયાના ગોંદરે. મૂળાભા કામરૂ દેશની વિદ્યાથી ભરપૂર તેથી વાસ આખાની ચોકી બાંધી રાખેલી તેથી મેલડી વાસમાં પ્રવેશી ન શકે. પરંતુ જેવા એ દિશાએ જવા કે કોઈ બીજા કામે બહાર નીકળે કે મેલડી તેને પાડી દે. મૂળો ગડમથલ કરી જેમ તેમ પાછા વાસમાં પાછા આવી જાય પરંતુ મેલડીને મચક ન આપે. આવું ઘણાં દિવસ ચાલ્યું. બંને મમતે ચડ્યાં. મેલડી કહે હાંસડી લીધા વિના જાઉં નહીં અને મૂળો કહે કે હાંસડી આપું તો ચોર ઠરું એટલે આપું નહીં. આખરે બંને હાર્યા. વચલો રસ્તો કાઢ્યો. મેલડી કહે જો હાંસડી પાછી ન આપે તો મને બેસાડીને પૂજા કર.  મૂળો કહે મને શો ફાયદો? મેલડી કહે કે તું તંત્ર વિદ્યા છોડી મને પૂજીશ તો હું તારી અને તારા કુટુંબની રક્ષા કરીશ અને પેઢીનું કલ્યાણ કરીશ. મૂળાભાએ રાજી થઈ તંત્ર વિદ્યા છોડી અને ઉગતા ભાણની મેલડી મા ને મઢે સ્થાપિત કરી. ત્રણ ગોખ બનાવ્યાં. વચલા ગોખમાં મેલડીની સ્થાપના કરી અને આજુબાજુ બે ગોખમાં કુટુંબના વંશ પરંપરાગત ચાલતાં દેવ અને પૂર્વજ સ્થાપ્યાં. કુટુંબના વંશપરંપરાગત દેવમાં ડિંગુચાની કુળદેવી મહાકાળી અને તેની પલોટમાં સધી અને વીર કાળભૈરવ હોઈ શકે. અહી દર વર્ષે ચૈત્રમાં પલ્લી (નૈવેદ્ય) ભરાય છે અને કુટુંબના મોટા પુત્રની બાબરી ઉતારી રમેલ ઉજવી નૈવેદ્ય કરાય છે. લગ્ન પછી વરવધૂના છેડા મઢે છોડવાનો રિવાજ પણ કાયમ છે. દૈવના સાચ જૂઠ તો શ્રદ્ધાનો વિષય છે પરંતુ તેમની હાજરીથી બીજી કોમોના રંજાડ સામે આ દૈવી કવચ કામ જરૂર આવતું. લોકો દૈવી વડગાડની બીકે અત્યાચાર ન કરતાં. 

આમ ભટારિયાવાળા ભારે જબરાં. તેમની સાથે કોઈથી હોડ થાય નહીં. સમાજમાં દરેક ગામમાં કંઠીગુરૂની પ્રથા પરંતુ આ કુટુંબ બહારથી આવી વસેલું તેથી કોઈ કંઠીગુરૂ નહીં. પરંતુ બાજુના ગામ જાકાસણાથી બાબરીવાળા બાવા આવેતાં તેમને ગાદીપતિ હોવાથી આવકાર આપતાં.  એક દિવસ ગુરૂ જેરામદા આવ્યાં પરંતુ ઠંડા આવકારથી તેઓ ચિડાઈ ગયાં અને ઉશ્કેરાઈને જેમ તેમ બોલવા લાગ્યાં. મારા પિતાના કાકા રામાભાથી સહન ન થયું. ગુરૂને કહ્યું માપમાં રહેજો, બાવા છો તેથી આમન્યા તોડી નથી. બાવાને ઘણું સમજાવ્યું પરંતુ બાવાની અક્કડ ઓછી ન થઈ. આમ કરી દઈશ, કેમ કરી દઈશ, વગેરે ધમકી આપવા માંડ્યા. રામોભા ઉઠ્યાં, અરે ઓ બાવા, બહું થયું, ચાલો હોડમાં ઉતરો, જમવાં ઉઠો. જો દોઢ કોળિયો ખાઈ બતાવો તો ગુરૂ, જે કહેશો તે સેવા કરીશું. પરંતુ જો દોઢ કોળિયે ઉઠી જાવ તો આ ગામમાં ક્યારેય પગ ન દેવો. બાવાજી ગુસ્સામાં હતાં. અલ્યા હેંડ, આ ખાઈ બતાવું, બાબરીવાળાનું હાચ તેં હજી જોયું નથી. બાવો જમવા બેઠાં. શીરો પીરસાયો. એક કોળિયો મોઢામાં મૂક્યો અને રામાભાએ નજર બાંધી દીધી. બાવાએ બીજો કોળિયો ભર્યો પણ પહેલો કેમે કરી ગળેથી ઉતરે નહીં. બીજો હાથમાં જ રહી ગયો. બાવાજી સમજી ગયાં. નત મસ્તક થઈ જતાં રહ્યાં. જાકાસણાના ગુરૂ-ચેલા સંબંધ ત્યારથી પૂરાં થયાં. પરંતુ સમાજમાં બીજા ગામોનું જોઈ પાછળથી નરસિંહ પાઠ કરીએ ત્યારે જાકાસણાના બાવાને બોલાવવાની પ્રથા શરૂ કરવામાં આવી. રામાભા નિઃસંતાન રહ્યા પરંતુ કુટુંબની તેમણે મોટી સેવા કરેલ. મૂળાભાની બધી મેલી વિદ્યા, ટામણટૂમણ બધું કમઠાણ બાટલામાં ભરી મેલડીના મઢની બાજુના લીમડાની ભોંયમાં દાટી આખા કુટુંબને મેલી વિદ્યાના ચુંગાલમાંથી છોડાવેલું.

મૂળાભાના મોટાં દીકરા ભુદરભાના દીકરા વાલાભા અને વાલાભાના દીકરા તે મારા પિતા ખેમાભા-ખેમચંદ. પુરૂષો બધાં પંજાપૂર. આપણાં પગ જેવાં તેમનાં હાથ. સરેરાશ છ ફૂટ નજીકની ઉંચાઇ. એક દિવસમાં પચાસ સાઠ કિલોમીટર ચાલી નાંખવું તેમને મન રમત વાત. હાથમાં મોટી અને મજબૂત લાકડી રાખે. ૨૦-૨૫ જણના હુમલાનો સામનો કરી શકે તેવી તાકાત. ખેતી અને પશુપાલન મોટું તેથી દેશી અનાજનાં રોટલાં અને ઘી-દૂધના ખોરાકે તેમને મજબૂત રાખેલાં. બહારગામ જાય ત્યારે લાકડી અને દોરી લોટો લઈ નીકળે. તરસ લાગે તો જે કૂવો મળે તેમાંથી દોરી લોટાથી પાણી લઈ તરસ છિપાવે. આમ શરીરબળ, દૈવબળને કારણે તેમણે તેમની જિંદગી સ્વમાનભેર જીવી હતી. સામાજિક રિવાજો મુજબ લગ્ન, મામેરાં અને મરણ પાછળ કાણ કળશિયા ભરતાં અને તેથી ગામ, તડ, પરગણામાં તેમની પ્રતિષ્ઠા રહેતી. 

૭ સપ્ટેમ્બર ૨૦૨૫

Saturday, September 6, 2025

Y ની વંશમાળ

Yની વંશમાળ મનુષ્ય પ્રજનનમાં ૨૩ રંગસૂત્રો પિતાના અને ૨૩ માતાનાં એમ મળી ૪૬ રંગસૂત્રોથી એક પુત્ર કે પુત્રીની રચના થાય છે. આ ૨૩ જોડીઓમાં સ્ત્રી સંતાનની રચના પિતાના ૨૩ X રંગસૂત્રો અને માતાના ૨૩ X રંગસૂત્રોની જોડીઓ બની થાય છે. પુત્ર સંતાનમાં ૨૨ જોડી પિતાના ૨૨ X અને માતાના ૨૨X મળી બને છે પરંતુ છેલ્લી પુરુષ લિંગ રચના માતાના X અને પિતાના Y મળી બનતાં XYથી બને છે. આમ એક જ કુટુંબનાં પુરુષ સંતાનોમાં Y પેઢી દર પેઢી એક શૃંખલાથી ચાલ્યો આવે છે. એમ કહી શકાય કે પૃથ્વીમાં પહેલીવાર મનુષ્ય આવ્યો તેનો Y રંગસૂત્ર આપણે ધારણ કરી રહ્યા છીએ. 

ડીંગુચા ગામનાં મૂળોભા તેમના બાપ દાદાની પેઢીનું Y રંગસૂત્ર લઈ ભટારિયા આવ્યાં અને તેમના બે સંતાનોની બે પેઢીઓના પુરૂષ સંતાનો તે જ Y રંગસૂત્ર ધરાવે છે અને આગળ લઈ જવાના. તેથી કોઈ એક જણને પુત્ર સંતાન ન મળે તો પણ Y રંગસૂત્ર અકબંધ જળવાઈ રહે છે અને તે મુજબ વંશવેલો ચાલ્યા કરે છે. 

પ્રશ્ન એ થાય કે જો એક કુટુંબનાં બધાં પુરુષોના Y એક જ હોય તો તેમનાં સ્વભાવ, વ્યવહાર, વર્તંણૂકમાં કેમ કોઈ ફેરફાર જોવા મળતો નથી? કારણકે બધાંના Yના સાથે જોડી બનાવતો માતાનો X જુદો હોય છે. માતા તેના માતા પિતાના XXની બનેલી છે તેથી તે બે ગામનો વારસો લઈ ત્રીજા ગામે આવી હોય છે. તેના માતા પિતા વળી તેમનાં માતા પિતાના X રંગસૂત્રોની મિશ્રિત દોરીને લંબાવીને દીકરીમાં તબદીલ કરેલ હોય છે. તેથી માતા નદીની જેમ X રંગસૂત્રોનું પ્રયાગ બની નવરત્નોની ખાણ બની જાય છે. 

શાંત બેઠા હો ત્યારે પુરુષ હો તો, પિતાના ૨૨ X જે તેમના માતા અને પિતા બંનેના છે અને ૨૩મો Y જે પુરુષની અનંત શૃંખલાની કડી છે તેના લક્ષણોને અનુભવવાની કોશિશ કરજો અને તમારામાં રહેલાં તમારા પિતા, દાદા, પરદાદા, પરપરદાદા વગેરેની હાજરીનો અનુભવ કરજો.

જે સ્ત્રી સંતાનો છે, તેમણે પિતાના ૨૩ X જેમાં તેમના દાદા-દાદીના વંશની આખી શૃંખલા સચવાયેલી છે અને માતાના ૨૩ X જેમાં તેમના નાના-નાનીના વંશની આખી શૃંખલા સચવાયેલી છે તેનો અનુભવ કરવાનો પ્રયત્ન કરજો. તેમને એક સાથે માતા, દાદી, નાની, પરદાદી, પરનાની વગેરેની હાજરીનો અનુભવ થશે. 

હાજરી એટલે તેમનાં ગુણ અને અવગુણોની હાજરી. આપણે ગુણ વિકાસ કરવાનો અને અવગુણોને દબાવી દેવાનાં જેથી આપણાં પછી આવનારી પેઢીનો ગુણ વિકાસ ચાલ્યા કરે. માથું ચકરાઈ ગયુ્ં? ના સમજાય તેણે પ્રશ્ન પૂછવો. પૂછતાં પંડિત ભલા. ના પૂછે તે અજ્ઞાની રહી જાય. 

 પૂનમચંદ 
૪ એપ્રિલ ૨૦૨૫

ગ્રામ્ય જીવનની મારી પહેલી મુલાકાત

નવ વર્ષની નાની ઉંમરે મારી ગામડાની એ પહેલી મુલાકાત. ભટારિયામાં પહેલી સવારે મોરલાના ટહુકાર, મંદિરની ઘંટડી અને બળદના ગળામાં બાંધેલી ઘૂઘરીના અવાજે મારું મન મોહી લીધું હતું. લીમડાનું દાતણ કરી ઝટપટ ચા પી ગામ જોવા મારું મન તલપાપડ થઈ રહ્યું હતું. મેં મારી ઉંમરના બાબુને શોધી લીધો. બાબુ અમારા કુટુંબમાં ભા બેચરભાની મોટી દીકરી પાલીબેનનો બીજા નંબરનો દીકરો. બનેવી ભલદા ચુંવાળના ગામ શિહોરના પરંતુ ઘર જમાઈ થઈ વાસના ખૂણે એક છાપરું બાંધીને રહેતાં. 

બાબુને લઈ હું તો ચાલ્યો. કુંવરમાં એ અવાજ કર્યો, ભઈ સંભાળીને જજો. શિવીમા બોલ્યા કોઈને અડતા નહીં. મને આ સૂચનાની કંઈ ગમ ન પડી. ગામમાં જવું એટલે પટેલવાસમાં જવું. ગામમાં જાતિ મુજબ બધાંના રહેવાના જુદા જુદા વાડા જેને વાસ કહેવાય. જન્મથી જાતિ અને ભોજનની ગંધથી વાસ નામ પડ્યાં હશે. વાંસમાં પેસતાં જ બાલસાસણીયા ઘરોમાં પહેલો ખુમચો કાન્તિ પટેલનો. સામે રામજી મંદિરના ખૂણે બીજો લાડોલા કાંતિ શેઠનો. ૨૦૦-૩૦૦ની વસ્તીનું નાનું ગામ એટલે બીડી, બાકસ, મીઠું જેવું કંઈક મળે બાકી તો ખાલી ખુમચા દેખાણાં. બાબુએ દૂર ઉભા રહી અમૃતમામા એવો સાદ કર્યો એટલે હા એવો પ્ર્રતિભાવ મળ્યો. આ છોકરો કોણ? એ તો ખેમાભાનો પૂનમ. સૌથી નાનો. બાબુએ પછી મને રણછોડ મુખીનું ડેલું દૂરથી બતાવ્યું. પછી અમારા ઘરાક મોતીરામનું ઘર બતાવ્યું. મારા દાદાનું દૂધિયું ખેતર જેમની પાસે જતું રહ્યું તે મગનદાને જોયા. પાછા વળતાં મેં કહ્યું મંદિરે જઈએ. બાબુએ કહ્યું આપણાથી ન જવાય. મેં કહ્યું કે અને તો અમદાવાદ રાજપુર ટોલનાકાનામજૈન દેરાસરમાં દર રવિવારે જઈએ છીએ, કોઈ રોકતું નથી. બાબુ કહે, તમે નહીં ખબર પડે. આમાં ન જવાય. મેં કહ્યું કે આપણે વણાટનો વ્યવસાય, ક્યાંથી અશુદ્ધ ગણાય? મારા બાળ મનમાં પ્રશ્નો ઉઠ્યાં. આ કે કેવું ગામ? કોઈ બોલાવે નહીં, બેસાડે નહીં, પાણીનો ભાવ ન પૂછે, મંદિરમાં જવાય નહીં. માનવ સંબંધોની દિવાલને જોઈ મારો ગામ જોવાનો હરખ જે ખીલ્યો હતો તે કરમાઈ ગયો. 

અમે પાછા આવ્યાં. અમદાવાદના હુલ્લડો શમે ત્યાં સુધી થોડા દિવસ અહીં જ થાણું હતું. બાબુની સાથે રહી વાણી વ્યવહાર સમજી લીધો હતો. એકવાર બા ની બીડી થઈ રહી. મને કહે એક પૈસાની બીજી લઈ આવ. મેં કહ્યું ૧૫૧? ૧૫૧ મારી બાની ફેવરેટ બીડી. ૧૦ પૈસાની ઘડી આવી જાય. બા કહે અહીં નહીં મળે. જે આપે તે લઈ લેજે. હું પૈસો લઈ ગયો કાન્તિભાઈના ખૂમચે. પરંતુ જેવો નજીક ગયો એટલે કાન્તિભાઈ બોલ્યાં છેટો ઉભો રહેજે. શું લેવું છે? મેં કહ્યું બીડી એક પૈસાની. તેણે ખુમચાના પાટિયાનો ખૂણો બતાવી કહ્યું અહીં મૂક. મેં પૈસો મૂક્યો એટલે તેમણે લોટો હતો તેમાંથી તેના પર પાણી છાંટી પૈસો લઈ લીધો અને બે બીડી જમીન પર છૂટ્ટી ફેંકીં મેં ચૂપચાપ ઉઠાવી લાવી બા ને આપી દીધી. પરંતુ આભડછેટના  વ્યવહારે મારાં મનમાં એવો તે ખેદ જન્મ્યો કે પછી ક્યારેય કોઈ વસ્તુ લેવા તે ખૂમચે મેં પગ ન દીધો. 

મારે ગામ પશુપાલન મોટેભાગે પટેલો કરે અને તેમનાં ઘેર મહિલાઓનું જીવન દુષ્કર. ખેતી, પશુપાલન, રસોઈ, ઘરકામ અને બાળકો ઉછેરવાના બોજમાં તેઓ નાની ઉંમરે ઘરડાં થઈ જાય. વલોણાંવાળા તો બ્રાહ્મ મુહૂર્તમાં સાડા ત્રણે ઉઠી સાડા ચાર પાંચ થતાં સુધીમાં વલોણું પતાવી દે. બાકી બીજા પાંચ વાગતા પહેલાં તો ઉઠી જ જાય. પછી ભેંસ દોવાની અને ઢોરોનાં છાણના ટોપલાં માથે ઉપાડી ઉકરડા ભરવાના. પછી નાહી ચા-દૂધ-સીરામણ-રોટલા બનાવે, વાસણ કરે, ખેતરે જાય, જો ખેતરમાં માણસ રાખ્યા હોય તો તેનું રોટલો - ગોળ ભાથું ભરીને જાય, બપોરે ઘેર આવી હાથની ઘંટી ચલાવી દળણું દળે. બપોરની રસોઇ (દાળ-રોટલાં) બનાવે, વાસણ કરે, કપડાં ધુએ ત્યાં સુધી સાંજની વેળા થાય એટલે ભેંસો દોઈ સાંજની રસોઈ બનાવવામાં લાગી જાય. બધાં જમી રહે એટલે વાસણ વગેરે કરી જ્યારે સૂવાનો વારો આવે એટલે રાતના દસ વાગી ગયા હોય. એક નિંદરે વ્હાણું લઈ જાય અને પરોઢ થતાં સત્તર કલાકની મંજૂરીનો દહાડો ચાલુ થઈ જાય. તેમને માથે છાણ લઈ જતાં જોઈ મને થતું આમનું માથે મેલું ઉપાડવાનું કોણ છોડાવશે? 

ગામમાં તે સમયે વીજળી નહીં અને પાણી ભરવા કોઈ સામુહિક બોર નહીં. સૌના પાણી લેવાના સ્રોત જુદા જુદા. અમારા બાજુમાં નાડિયાવાસ. તેમનો પાણીનો કૂવો મોટો, ઊંડો અને ગામની વચોવચ. તેમના વાંસના વહુઆરુઓ માટલા, ઘડો અને રાંઢવું લઈ પાણી ભરવા જાય. ઘડાને માથે રાંઢવું (રસ્સી) બાંધી કૂવામાં નાંખવાનો અને પાણીમાં ડૂબે એટલે બુડબુડ ભરાય એટલે બે હાથે ખેંચી બહાર કાઢી માટલામાં રેડવાનો. ૧૫-૨૦ લીટર પાણીનું આખું માટલું ભરાય પછી ઘડો ભરી માથે ઈંઢોણી મૂકી માથે માટલું ઉપાડી તેના પર ઘડો ચડાવી ઘેર આવવાનું. કોઈ છોકરું સાથે આવ્યું હોય તો રાંઢવું ઉપાડી લે નહીંતર ખભે લટકાવી લાવવાનું. મેં કૂવાની પાળે ઊભા રહી નીચે નજર કરી તો પડવાની બીકે ડરી ગયો. પાણીથી ભરપૂર ભરેલો મોટો કૂવો મેં પહેલીવાર જોયો. 

અમારે કૂવો નહીં. અમારાં ખેતરમા વાલાભાએ ગાળેલો કૂવો પરંતુ ખાસ ઊંડો નહીં તેથી પાણી સૂકાઈ ગયેલાં. તેથી ઘરની મહિલાઓ દૂર દૂર ખેતરોમાં જેને બોર કૂવો હોય અને ડીઝલ એંજિન ચાલતાં હોય ત્યાંથી ભરી લાવે. ખેતરે જેવું ડીઝલ એંજિન ચાલે અને ટુંક ટુંક અવાજ આવે એટલે બધાં ઘરમાં કરંટ આવી જાય. એંજિન કલાકેક ચાલવાનું હોય એટલે ઝડપથી પહોંચી પાણી ભરી લાવવાનું હોય એટલે માટલું, બેડું, ઘડો જે હાથ આવે તે લઈ બધાં ભાગે. વળી બોર કૂવાવાળા બે-પાંચ જણ હોય તેમાં એક બે તો કડવા અને કાંઠા એટલે તેનું સાંભળવાનું ટાળવા બધા ટાળો કરે. જે ભરવા દે તેમાં પણ ઘરનો જણ બદલાય તો કડવું સાંભળવું પડે. પરંતુ જે હોય તે બોરકૂવાની કુંડીથી ખેતરમાં જતાં પાણીના રેસામાંથી પાણી ભરવા દે. પાણી ભરી માથે પાણી ભરેલું માટલું કે બેડું ઉપાડી એકાદ બે કિલોમીટર કાચા રસ્તે ચાલી ઘેર આવવામાં તો શરીર અને મનની કસોટી થઈ થાય. 

કુતૂહલવશ નાનો ઘડો ઉપાડી હું પણ પાણી ભરવા જતો. મને મનમાં થતું ગામ વચ્ચે અમારા વાસની નજીક પાણીથી ભરપૂર આટલ મોટો નાડિયાવાસનો કૂવો છે તેમાંથી પાણી ભરવાને બદલે અને બધાં આટલે દૂર કેમ આવીએ છીએ, લોકોના મહેણાં ટોણા સાંભળીએ છીએ અને માથે ભાર ઉપડાવી વહુઓ મહિલાઓને હેરાન કરીએ છીએ? મે મારી બાને પ્રશ્ન કર્યો. ખુશાલભાના ઘેરથી કુંવરમાં બાજુમાં બેઠાં હતાં. કહે, નાડિયા આપણાંથી નીચા એટલે એમના કૂવાનું પાણી આપણાંથી ના પીવાય. મને હવે ખ્યાલ આવ્યો કે નાડિયા અમારા વાસમાં આવે તો દૂર નીચે બેસી વાત કરતાં અને તેમને બીડી આપે તો છૂટ્ટી નાંખીને આપતાં. તે સામાન્ય રીતે પાણી - ચા માંગે નહીં પરંતુ તરસના કારણે પાણી પીવું હોય તો ઉપરથી રેડીએ એટલે ખોબેથી પી લેતાં. ચા માટે તેમના જુદી રકાબી ઘરના કરે મૂકી હોય કે ધોઈ પી પાછાં ધોઈ મૂકી દે. મને મનમાં થયું પટેલોનો અમારા સાથેનો અને અમારો નાડિયા સાથેના વ્યવહારમાં કોઈ ભિન્નતા નથી. બંને આભડછેટ પાડે છે માત્ર ગ્રુપ બદલાય છે. પટેલો દલિત બધાંની આભડછેટ પાળે અને દલિતો અંદરોઅંદર ઊંચ નીચ કરીને બેઠેલાં. ગામડું આમ સંકોચની ગંધથી ભરેલું મને લાગ્યું. 

ગામમાં દરેકના ઘેર માટીની કોઠીઓ અને કોઠીઓમાં અનાજ ભરેલાં. જેને ખેતર હોય તેને પોતાનું અનાજ અને ખેતર ન હોય તેની પાસે મજૂરી, ખળું માંગેલું કે હળોતરાનુ્ અનાજ. શાકભાજી તો નામની. ચોમાસામાં દેશી ગવાર વાવ્યો હોય તો ખાવા મળે. બાકી મોટે ભાગે બપોરે મગની દાળ અને બાજરીના રોટલા. ગામમાં એ વખતે ડેરી નહીં એટલે પશુપાલકોના ઘેર વલોણા થતાં. વલોણાની છાસ ઘરમાં કેટલી વપરાય? તેથી ઢોળી દેવાને બદલે જેને પશુપાલન ન હોય તેવા કુટુંબો દોણી ભરી લઈ જાય. દરેકને ઘરાક બાંધેલા તેથી જે આપણું ઘરાક હોય તેના ઘેર છાશ લેવા જઈએ તો ના ન કહે. તેમને ઘેર છાશ ન હોય અને બીજા ઘેર લેવા જવું પડે તો વિનંતી કરવી પડે. આમ ગામમાં દોણી લઈ જવાનું અને છાશ લઈ આવવાનું કામ માંગવાનું કામ હોવાથી ઓછું ગણાતું. મને પેલી કહેવત યાદ આવી ગઈ. છાશ લેવા જવું અને દોણી સંતાડવી. તે તેમ પાલવે? દોણી સંતાડી રાખીએ તો છાશ ન મળે. ઘેર કઢી થાય નહીં અને કોરાં રોટલાં ખાવા પડે. 

તે વખત ઘેર ઘેર માટીનાં ચૂલા. બળતણ ખર્ચ શૂન્ય. ચોમાસામાં ઝાડ કાપી ગોળવાં સૂકવેલાં હોય પરંતુ તે આખું વર્ષ ન ચાલે. વળી લગ્ન બીજા પ્રસંગ માટે કેટલોક સંગ્રહ કરી રાખવાનો તેથી રોજબરોજની જરૂરતો માટે એંધરા વીણવા જવું પડે. તેથી વહુઆરુંઓ અને દીકરીઓ જેવી બપોરે ઘરકામથી નવરી પડે એટલે એક બે બહેનપણીનો સાથ કરી એંધરા વીણવા નીકળી પડે. આજુબાજુના ગામના રસ્તે ચાલવાનું અને રસ્તે પડેલાં લાકડાનાં ટુકડાં, સળીઓ, છાણનાં સૂકાયેલા પોદરાં તગારાં કે સુંડલીમાં ભરવાના અને તે ભરાઈ જાય એટલે માથે મૂકી આવવાનું. હું પણ એક દિવસ તેમની સાથે તગારું લઈ સાંથળના રસ્તે એંધરા વીણવા ગયેલો. રસ્તામાં મેં શેળો પહેલીવાર જોયો. સૂકી ડાળીઓ, ટુકડા, પોદરાંથી મારું નાનું તગારું ભરાઈ તો ગયું પણ ઉપાડવું કેવી રીતે? મારે લેવામાં વાર થઈ એટલે મહિલાદળ તો દૂર થઈ નીકળી ગયેલું. અહીં આપણે ફસાણાં. તગારું ઉપડે નહીં અને ભરેલું બધું ઠલવાય નહીં. તેથી તગારાની ધાર પકડી ખેંચીને જેમ તેમ કરી ઘેર પહોંચેલો. પરંતુ જાતે શ્રમ કરવાથી શ્રમની કિંમત અને મહત્વ મને નાની ઉંમરે સમજાઈ ગયેલા. 

અમારું ગામ સાવ નાનું, ગરીબ અને વીજળી વગરનું. ઘેર ઘેર હાથે દળવાની ઘંટીઓ ખરી પરંતુ હવે પાંચ કિલોમીટર દૂર જોટાણામાં વીજળીથી ચાલતી ઘંટી આવી ગઈ હતી. આમેય દસ પંદર દિવસે હટાણું કરવા જવાનું હોય એટલે દળણું પણ લઈ જવાય. એ વખતે નાણાંનું ચલણ ઓછું તેથી દળઈમાં આટો (લોટ) કપાઈ જાય. અનાજની આભડછેટ નહીં તેથી આટો કોના ભાગે ગયો તેની ખબર નહીં. પરંતુ ગરમ ગરમ આટો થેલીમાં લઈ માથે ઉપાડી ઘેર આવતાં હોઈએ એટલે પહેલી પંદર વીસ મિનિટ માથું શેકાઈ જાય. મને પણ દળણું દળાવવાનો અનુભવ મળેલો. 

એ વર્ષે મારી પહેલી દિવાળી ગામડે થઈ. અમદાવાદમાં તો મારે ઘેર લાલ, લીલાં, પીળાં રંગનાં બલ્બનું તોરણ લટકે. કુંભાર આપે તે દીવડાની જ્યોત પ્રગટે. ટેટી, સાપોલિયાં, તારામંડળ લાવ્યાં હોય તેને સળગાવી તેનો આનંદ લેવાનો મળે. કંદોઈની દુકાનેથી એક પેકેટ મીક્સ મિઠાઇ આવી હોય તે ખાવા મળે અને વરસ સારું હોય તો એકાદ નવી ચડ્ડી કે બુશર્ટ મળે તેથી દિવાળીનો આનંદ આવે. તેમાંય કાળી ચૌદશે નરસિંહ સાહેબનો પાઠ હોય અને નવા વર્ષે ચાલીમાં ઘેર ઘેર જઈ સાલમુબારક કરવાનો આનંદ જ અનેરો. પરંતુ અહીં ગામડે એવી કોઈ ચમક દમક નહીં. ઘરમાં દાળ, રોટલાં અને કઢીનો જોય હોય ત્યાં મેવાં મિઠાઇની કલ્પના કેમ કરવી. દિવાળી નિસ્તેજ ગઈ. બીજા દિવસે અમારા ઘરાક પટેલની ત્યાંથી કહેણ આવ્યું, ભાણું લઈ જાઓ. મારી બા પિત્તળની થાળી લઈને ભાણું લઈ આવી. મને થયું શું હશે? પરંતુ બાએ થાળી ખોલી ત્યારે ખબર પડી કે દિવાળીમાં તેમને ઘેર જે બનાવ્યું હોય તેના વધેલાં ઘટેલાં વ્યંજનોના ટૂકડા જોવા મળ્યાં. મારા મને ના કહી અને મેં તે મિઠાઇ ખાવાની ના ભણી દીધી. 

એક દિવસ બાબુ સાથે બાજુનાં ગામ બાલસાસણ જવાનું થયું. અમે કોઈ મહોલ્લાથી પસાર થયાં. એ પગમાંથી ચપ્પલ કાઢી બગલમાં નાંખ. માથું કેમ ઉઘાડું છે. કપડું બાંધ. એક કરડો અવાજ કાને ટકરાયો. બાબુએ મોઢે આંગળી મૂકી મને શાંત રહેવા કહ્યું અને અમે કંઈ બોલ્યા વિના ત્યાંથી સરકી ગયાં. મેં પૂછયું, તે કોણ? આપણને આમ ટોકનાર કોણ? બાબુ કહે ઠાકેડા અને દરબારોનાં છોકરાં આવા જ હોય છે. તેમના દ્વારા ચોરીની બીક રહેતી. અમારા મહોલ્લામાં ચોરીના એક પ્રસંગે થયેલાં ચાર ખૂનની વાત પછી ક્યારેક લખીશ પરંતુ ચુંવાળમાં ચોરી અને લૂંટનો ભય આઝાદી પહેલાં સામાન્ય ગણાતો. અમદાવાદથી ટ્રેનમાં ખરા બપોરે ઉતરી કટોસણરોડ થી ભટારિયા દસ કિલોમીટર ચાલીને આવતા પ્રવાસીને બંગલી આવે એટલે લૂંટાઈ જવાનો ભય રહેતો. ગજવામાં એક બે રૂપિયા હોય તે એક નાનું એવું છોકરું ચપ્પાની અણી દેખાડી પડાવી લે. 

મારું ધ્યાન તરત જ નવી પરણી આવેલી વહુઆરુંઓ અને ઉઘાડા પગે ગામમાં જતી મહિલાઓ તરફ ગયું. નવી વહુ પરણીને આવે અને અંધારુ થયે લોટે (જાજરૂ) જાય તો મોટિયાર ભાભા બેઠા હોય તેમની સામે ચપ્પલ પહેરીને પસાર ન થવાય. ચપ્પલ કાઢીને બગલમાં મૂકવાના અને ડબલું કે લોટો ભરેલો હોય તે સાડીના પાલવ ઓઠે સંતાડવાનો. એકદમ કુંઠિત સમાજનું એ વરવું દ્રશ્ય. 

અમદાવાદમાં ભાદરવામાં શરૂ થયેલાં હુલ્લડો હવે શાંત થયા હતાં. મારા ભાભી તો પૂરા મહિને હતાં તેથી મધરના દવાખાને ડીલીવરી કરવાં જવાનું હતું. તેથી દેવ દિવાળી પતી એટલે અમે અમદાવાદ ભેગાં થઈ ગયા. મારી બા અને બહેન રમિલા ભટારિયે જ રહ્યાં અને ૧૬ ડિસેમ્બર ૧૯૬૯ના રોજ સુરેશનો જન્મ થયો ત્યારે તેની ટેક છોડવાં એક વર્ષના વનવાસ પછી તે અમદાવાદ પાછી ફરી. 

૧૯૬૯ના એ કોમી રમખાણો અને ગામડાની મારી પહેલી મુલાકાતે મને બહારની દુનિયાનો પૂરો પરિચય કરાવી દીધો. કોમી વેરઝેર, ઊંચ નીચ જાતિ ભેદ, મહિલાઓનું સામાજિક અસન્માન આ દેશની સંસ્કૃતિ બની છે તેનો મારે જીવનભર સામનો કરવો જ રહ્યો. 

૬ સપ્ટેમ્બર ૨૦૨૫

Thursday, September 4, 2025

નવગુજરાત કોમર્સ કોલેજના સંભારણા

પ્રી કોમર્સ અને FYBCom એચ. કે. કોમર્સ કોલેજમાં કરી ભણવા સાથે નોકરી કરવાના ઈરાદાથી મેં આશ્રમ રોડ અમદાવાદ પર આવેલી નવગુજરાત કોમર્સ કોલેજમાં ૧૯૭૮ના જૂન મહિનામાં SYBCom માં પ્રવેશ મેળવી લીધો. 

તે જમાનામાં સરકારી નોકરીની સીધી ભરતીની બધી પરીક્ષા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) લેતી. ૧૯૭૭માં મારી ઉંમર ૧૮ વર્ષ નહોતી છતાં પોતાની ક્ષમતા ચકાસવા મેં સચિવાલયમાં સામાન્ય ફરજ કારકૂન (GDC)નું ફોર્મ ભરી પરીક્ષા આપી હતી. એ વખતે કોલેજમાં પરીક્ષા આપીએ તેવી વર્ણનાત્મક પરીક્ષાના ત્રણ ત્રણ કલાકની પરીક્ષાના ચાર પેપરો. ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને સામાન્ય જ્ઞાન. ગણિત તો મારે માટે સાવ સહેલું. છાપાં વાંચવાની ટેવ બચપનથી અને પુસ્તકોનું વાંચન સારું એટલે સામાન્ય જ્ઞાનમાં કોઈ તકલીફ નહીં. ગુજરાતી માતૃભાષા અને અંગ્રેજીમાં સેંટ જોસેફ હાઈસ્કૂલે ગ્રામર મજબૂત કરાવેલું તેથી ગાડું ગબડી જાય. ૧૯૭૮માં પરીક્ષાનું પરિણામ આવ્યું, મારું નામ ન હતું. છતાં કુતૂહલવશ મેં પરીક્ષામાં કેટલાં માર્ક્સ આવ્યા તે જાણવાની અરજી આપી દીધી. મેં જ્યારે માર્ક્સ જોયા તો તે જનરલ કટ ઓફ કરતાં વધારે હતાં. મેં તરત જ કાઉન્ટર પરના કર્મચારીને પૂછયું કે ભાઈ હું તો પાસ છું પછી મારું નામ પસંદગી યાદીમાં કેમ નથી? તેણે મને રોકાવાનું કહી અંદર જઈ તપાસ કરી પછી જણાવ્યું કે અરજી કરવાની તારીખે હું અઢાર વર્ષનો નહોતો તેથી મારું નામ પસંદગી યાદીમાં લેવાયું નથી. GPSCની ચોકસાઈ ત્યારે પણ ચડિયાતી હતી. મેં દલીલ કરી કે મારે અઢાર નહોતા થયા છતાં મારા બાપાએ પરણાવી દીધો અને આ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે તો અઢાર થઈ ગયા છે, પછી શું વાંધો? પરંતુ નિયમ એટલે નિયમ. છૂટ ન મળી. 

મેં ઉંમર ૧૮ પૂરી થતાં જીપીએસસીની બીજી વાર આવેલી જાહેરાતમાં અરજી કરી તેની પરીક્ષા આપી. ૧૯૭૯માં પરિણામ આવ્યું ત્યારે જનરલ મેરીટ પર મારી પસંદગી થઈ ગઈ હતી અને ઓગસ્ટ ૧૯૭૯ના પ્રથમ અઠવાડિયામાં મારે ગૃહ વિભાગ સચિવાલયમાં હાજર થવાનો નિમણૂક હુકમ પણ આવી ગયો. મારી ઉંમર અઢાર પૂરી થતાં હું જીપીએસસી ઉપરાંત જિલ્લાઓની કેન્દ્રીયકૃત ભરતીઓ, જુદી જુદી કચેરીઓની પોતાની સીધી ભરતીની જાહેરાતો, સ્ટાફ સિલેક્શન બોર્ડ અને બેંકિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ વગેરે જાહેરાતોના ફોર્મ ભરતો. દરેક પરીક્ષામાં પાસ થતો અને નિમણૂક પામતો. 

એવી એક પસંદગીથી મને ગુજરાત કોલેજ અમદાવાદમાં નોકરી મળી ગઈ તેમાં સોમવાર તારીખ ૩૦ જુલાઈ ૧૯૭૯ના રોજ હાજર પણ થઈ ગયો. કોલેજની કચેરીમાં ત્રણ-ચાર કર્મચારીઓના સેક્શનમાં મને ખુરશી ટેબલ મળી ગયા. પરંતુ અમારા હેડ કારકૂન જોષીભાઈ. મને ઈન્વર્ડ આઉટવર્ડનું કામ આપે ઉપરાંત હાથે લખેલાં મુસદ્દાની કાર્બન પેપર મૂકી પાંચ છ નકલ લખવા આપે. કાર્બન પેપર મૂકી વજન દઈ લખવાનુ કામ એકાદવાર તો ચાલે પણ વારેવારે મને ન ગમ્યું. થયું કે આવી તો ગયા પરંતુ TYBComની તૈયારીમાં અડચણ વધશે. બે દિવસ મંથન કર્યું અને બુધવારે સાંજે ઘેર ગયો તો સચિવાલય ગાંધીનગરમાં GDC તરીકે એક અઠવાડિયામાં હાજર થવાનો નિમણૂક પત્ર ટપાલમાં આવી ગયો હતો. એક તરફ નવગુજરાતમાં TYBCom કરવાનું અને ગુજરાત કોલેજમાં નોકરી એટલે બહુ જ અનુકૂળતા હતી. વળી ગાંધીનગર જવામાં અવરજવરના બે કલાક થાય, અમદાવાદમાં CLA અને HRA વધુ તેમજ બસ ભાડું થાય તેથી આર્થિક હાનિ અને કોલેજના ફાયનલ વર્ષમાં ભણવા પર અસર પડે તો પરીક્ષાના પરિણામ પર માઠી અસર થવાની બીકે મેં મનથી તો ગાંધીનગરની નોકરી જતી કરવાનું વિચાર્યું. બીજી તરફ હેડક્લાર્ક જોષીએ નકલો લખવાનું કામ વધારી દીધું અને જે નકલ ઝાંખી નીકળે તે ફરી લખાવે. ફુરસદના સમયમાં કોલેજની નોટ ખોલી વાંચુ તો વાંધો લે તેથી મનમાં ઉચાટ વધે. 

પરંતુ દૈવ માર્ગ પ્રશસ્ત કરતો હોય તેને કોણ રોકે? અમારી ચાલીના કાલીદાસભાઈ સચિવાલયમાં નોકરી કરે. તેઓ ગાંધીનગર રહેતા તેથી કોઈક કોઈ દિવસ ઘેર બધાંને મળવા આવે. તે ગુરુવારની સાંજે તે અને તેમની સાથે નાગરિક પુરવઠામાં નોકરી કરતાં બીજા એક ભાઈ આવ્યાં. તેમણે જેવું જાણ્યું કે મને સચિવાલયમાં નોકરી મળી છે તો આનંદિત થઈ ઉઠ્યાં અને કહ્યું કે તરત જ સોમવારે હાજર થઈ જવું. મેં મારી કોલેજ શિક્ષા, ગાંધીનગર આવવા જવાનો સમય, બસભાડું, પગારઘટની તકલીફ કહી તો તેમણે કહ્યું કે સચિવાલય એક વિશાળ એકમ છે જેમાં બહું બધાં કર્મચારીઓ અધિકારીઓ સાથે સંપર્ક થશે જેનાથી જ્ઞાન વધશે અને મોટી નોકરી મેળવવા પ્રોત્સાહન મળશે. મેં તે રાત આખી વિચાર્યું. સવારે ઉઠી કોલેજ ગયો. ત્યાંથી નોકરી પર ગુજરાત કોલેજ ગયો અને જેવી જોષીભાઈએ મુસદ્દાની કાર્બન નકલ કરવા કહ્યું કે તેમના હાથમાં રાજીનામું પકડાવી દીધું. ૬ ઓગસ્ટ ૧૯૭૯ના સોમવારે ગૃહ વિભાગની ટ શાખામાં અતિ પ્રેમાળ અને બોલકા એવા સેક્શન અધિકારી પ્રતિમાબેન આચાર્યની નિશ્રામાં મારી સચિવાલય સફરનો નવો અધ્યાય શરૂ થયો. 

 આ તરફ જીવન કસોટી પર આવ્યું. સવારે વહેલા ઉઠવાનું, ૭૭ નંબરની બસ પકડી કોલેજ જવાનું, કોલેજમાં પહેલાં બે પીરિયડ ભરવાના અને ત્રીજો ચાલતો હોય ત્યારે પાછલી બેંચમાંથી સરકી દોડતી ચાલે ઈન્કમટેક્સ બસ સ્ટેન્ડ પર પહોંચી ગાંધીનગરની બસ પકડવાની અને સાડા દસ વાગે મસ્ટરમાં સહી કરી શાખામાં પહોંચી જવાનું. બસમાં એક આકર્ષણ જોડાતું. ઈપ્સા પરીખ એનું નામ. મારી પાસે જગ્યા હોય એટલે આવીને જોડે બેસી જાય. તે જીંએડી રજીસ્ટ્રીમાં. મને શાખામાં ફોન કરે અને બે એક વાર મળવા પણ આવેલ. મારી મર્યાદા મને ખબર હતી. પછી તો તે અમેરિકા ગઈ અને ત્યાં જ સ્થાયી થઈ ગઈ.  

અમે સાંજે સાડા પાંચે નોકરીમાંથી છૂટીએ એટલે પોઈન્ટની બસ પકડી હાથીખાઈ ઉતરવાનું અને ત્યાંથી ચાલતાં ઘેર પહોંચીએ એટલે સવા સાત થયા હોય. પછી હાથ મોઢું ધોઈ શાક-રોટલાં કે ખીચડી-કઢી જમવાનું. ચોવીસ કલાકે જમવાનું મળે એટલે તેનો સ્વાદ પણ બહું આવે. જમ્યા પછી રાત પડી જાય અને નાનકડી ઓરડીમાં ભાઈ ભાભીના રૂમ વહેંચાયેલા એટલે આપણો પથારો ઘરની બહાર, સીમેન્ટના ડેલાની કોટની દિવાલે. મોટો પ્રશ્ન હતો વાંચવું ક્યારે? કોલેજમાં પૂરું ભણવાનું ન મળે અને આખો દિવસ નોકરીમાં જાય. તેથી રજાના દિવસે પાંચકૂવા જઈ એક ટેબલ લેમ્પ અને થોડો વાયર લઈ આવ્યો. ઘરમાંથી વીજળી લાઈન ખેંચી ડેલાની દિવાલે ખીલી મારી તેના પર લેમ્પ ગોઠવી દીધો. પછી ચાલી ઊંઘે અને આપણે જાગીએ. ખાટલો આપણી ખુરશી. રાત્રે બાર વાગે ત્યારે બીજી પાળીનાં મિલ કામદારો આવે એટલે પછી જે વાંચન લેસન ચાલતું હોય તે પતાવી સાડા બાર એક વાગે સૂવાનું. સવારે વળી પાછા છ વાગે ઉઠી, નાહી, બે રકાબી કાવા ચા પી, નોટો ઉઠાવી એએમટીએસ જિંદાબાદ કરી કોલેજ પહોંચી જવાનું. 

એચ. કે. કોલેજ કરતાં અહીં એક બાબત વિશેષ હતી. દરેક વર્ગખંડમાં સ્પીકર લાગેલા. દરરોજ વર્ગની શરૂઆત પહેલાં તેમાં હરિ ઓમ શરણનું એક ભજન વાગેઃ મૈલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમ્હારે આઉં, હે પાવન પરમેશ્વર મેરે મન હી મન શરમાંઉ; તેરા રામજી કરેંગે બેડા પાર ઉદાસી મન કાહે કો કરે; ભવ પાર કરો ભગવાન તુમ્હરી શરણ પડે, ઉદ્ધાર કરો ભગવાન તુમ્હરી શરણ પડે; નિર્ગુણ રંગી ચાદરિયા રે કોઈ ઓઢે સંત સુજાણ. મારી બાએ વૈષ્ણવ સંસ્કાર ગળથૂથીમાં આપેલાં. ભાગવત, મહાભારત અને રામાયણ તો હું જ્યારે ધોરણ ૬-૭માં હતો ત્યારે વાંચી ગ્રહિત કરેલાં તેથી હરિ ઓમ શરણનાં ભજનો મારું ધ્યાન શરીર અને મનને પડતાં કષ્ટ પરથી હટાવી ભગવાન પરના વિશ્વાસ તરફ લઈ જતાં. તે ભજનોએ મને ટકાવી રાખ્યો. 

પછી તો અમદાવાદ થી ગાંધીનગર બસ સવારીમાં આવવા જવાની ૯૦ મિનિટ વાંચનમાં જ વિતાવતો. શાખામાં કામ ન હોય ત્યારે કોલેજની નોટ પર આંખ ફેરવી લેતો. બપોરે રિસેસ પડે ત્યારે આપણી પાસે ટિફિન નહીં અને ગજવા ખાલી તેથી બપોરના બે થી ત્રણનો એક કલાક વાંચવા મળી જાય. આમ કોલેજ અભ્યાસના બે-અઢી કલાક, બસ વાંચનનો દોઢ કલાક, રિસેસ વાંચનનો એક કલાક અને રાત્રી વાંચનના ચાર કલાક; દૈનિક આઠ-નવ કલાક વિદ્યાભ્યાસ ગોઠવાઈ ગયો. છ કલાક નોકરી, આઠ-નવ કલાક અભ્યાસ, છ કલાક ઊંઘ અને ત્રણેક કલાક બીજી દિનચર્યાનાં. પછી રવિવારે કાંકરિયા અને નગીનાવાડીમાં કુદરતના ખોળે અઠવાડિયાનું અધૂરું પૂરું કરી લેતો. આમ જીવન શિસ્ત અને સંયમમાં બંધાઈ વિકસિત થવા લાગ્યું. 

નવી કોલેજમાં મારે મારું પ્રથમ સ્થાન મારે છોડવું નહોતું. સહાધ્યાયીઓ, વ્યાખ્યાતાઓ નવાં હતાં. આંકડાશાસ્ત્રમાં આપણે પાછા પડવાના નહોતા. SYBCom ની કોલેજની પહેલાં સત્રની પરીક્ષા થઈ. સરસ આપી. બધાં પરિણામની વાટ જોતાં હતા. એક દિવસ અર્થશાસ્ત્રના પ્રોફેસર ડી. એસ. ઝાલા સાહેબ તેમનો પિરિયડ હતો એટલે આવ્યા અને પૂછયું, રોલ ન.૬. હું ક્લાસમા વચ્ચેની લાઈનમાં ત્રીજી બેંચ પર બેસતો. મેં ઝટ હાથ ઊંચો કર્યો. સાહેબે મારી સામે જોયું, મારું નામ અટક પૂછી માથુ ધૂણાવ્યું. આગળ કંઈ ન બોલ્યા. બીજા દિવસે ફરી પિરિયડ આવ્યો. ફરી બોલ્યાં રોલ નં.૬. મેં ફરી હાથ ઊંચો કર્યો. તેમણે રાજી થઈ જાહેર કર્યું કે અર્થશાસ્ત્રમાં કોલેજમાં મારે સૌથી ઊંચા ગુણ હતા. સહાધ્યાયીઓની નજર મારા પર મંડાણી અને પછી કોલેજમાં આપણી સ્કોલર લાઈફનો નવો અધ્યાય શરૂ થયો. અર્થશાસ્ત્રમાં બીજા એમ. એસ. પટેલ પણ સારું ભણાવતા. 

એચ.ડી. શાહ સાહેબ, એસ.બી. પટેલ સાહેબ, માધુભાઈ પટેલ સાહેબે ભણાવેલું આંકડાશાસ્ત્ર મારી કોર તાકાત હતી. એચ. કે. કોલેજ માં ગીતાબેને પાયો ઘડેલ અર્થશાસ્ત્ર ડી. એસ ઝાલા સાહેબના સિંચનથી વધુ મજબૂત બન્યું. કુમારપાળ શાહ સાહેબની બીઝનેસ એડમિનિસ્ટ્રેશનની અને સી. સી. પટેલ સાહેબની બીઝનેસ મેનેજમેન્ટની સમજાવટે તે વિષયોને સરળ કરી દીધા. ટેક્સેશન અને વેપારી કાયદાઓ સી. બી. મહેતા સાહેબે સાવ પાકા કરાવી દીધા હતાં. અંગ્રેજી સામાન્ય હતું. પરિણામે મેં બે વર્ષ નવગુજરાત કોલેજમાં ભણી માર્ચ ૧૯૮૦માં વીસમાં વર્ષે TYBCom ડિસ્ટીંકશન સાથે પાસ કરી કોલેજમાં ટોપ કર્યું. એક હાશકારો થયો. કોલેજ જવામાંથી મુક્ત થયો અને મોટી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના દરવાજા ખુલ્યાં. એચ. કે. કોમર્સ કોલેજની ફેકલ્ટી કરતાં અહીંની ફેકલ્ટી વ્યવસાયલક્ષી. મોટાભાગના વ્યાખ્યાતાઓના વિષય પુસ્તકો પ્રકાશિત. ઝાલા સાહેબના (પરીખ-ઝાલા પ્રકાશન) અને કુમાર સાહેબના પુસ્તકો અને અપેક્ષિતો ધૂમ વેચાય. તેથી અહીં આદર્શવાદમાંથી બહાર આવી અર્થવાદની શિક્ષા મળી. 

નવગુજરાતમાં મને નવા મિત્રો મળ્યાં. એ.ડી. પટેલ, કાન્તિ પ્રજાપતિ અને હું એક જ બેંચ પર બેસતા. ત્રણેય આંકડાશાસ્ત્રના વિદ્યાર્થી. ત્રણેયની સચિવાલયમાં સાથે નોકરી તેથી પાકા ભાઈબંધ બની રહ્યાં. અમારું TYનું પરિણામ આવ્યું ત્યારે પહેલી વાર ઓસવાલના ફાફડા જલેબી ખાધેલા. આજે પણ અમારા હેત પ્રેમમાં કોઈ ઘટાડો થયો નથી. તેઓ બંને સીધી ભરતીના સેક્શન અધિકારી બની સંયુક્ત સચિવ તરીકે નિવૃત્ત થયેલા. મારી પાછળની બેંચે બેસતાં કમલેશ બ્રહ્મક્ષત્રિય પછીથી સી.એ. થયાં અને દસેક વર્ષ પછી પુનઃ પરિચયમાં આવી ૩૫ વર્ષથી ઘનિષ્ઠ મિત્ર તરીકે સુખ દુઃખના સાથી બની રહ્યા. ભાઈ નિમિષ ઝવેરી, તેમના પિતા સુરેન્દ્રભાઈ, ભાભી જિપ્સા, દીકરીઓ કિંજલ અને દિપલે કુટુંબના સભ્ય જેવો પ્રેમ સંબંધ રાખ્યો. જમાઈરાજ ચિરાગ પણ એવો જ પ્રેમ રાખે. ઉપેન્દ્ર ખાંડવાલા એટલે અમારો પેટનો ચોકખો મિત્ર. કોઈ કપટ નહીં. ક્લાસમાં રૂપાળા ક્ષેત્રની અલકા અમીનને પરણી ગયો. તેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરી વિદેશ જવાની તક મળતાં હાલ અમેરિકા સ્થાયી છે. જ્યારે પણ તે ભારત આવે ત્યારે મળે અથવા ફોન કરી સમાચારની આપ લે જરૂર કરે. અશોક જાટકીયા અમારો તરવરીયો યુવાન, હસમુખ અને કોઈનું પણ ધ્યાન ખેંચી જાય તેવો. કાલુપુરમાં કપડાંની દુકાનમાં તેણે આયખું પૂરું કર્યું પરંતુ દીકરાઓને ભણાવી મજબૂત કરી દીધા. અમારા વર્ગમાં એક કન્યા, પ્રણોતિ ચોક્સી તેનું નામ. તેને પસંદ કરનારાની સંખ્યા વધારે. જશુ ઠક્કર તો તેના પર ઘેલો. તેને તો ન મળી પરંતુ એમ. કોમ. કરી જશુભાઈ એનસી બોડીવાલા કોલેજના વ્યાખ્યાતા બની ગયા હતાં. અશોક જાટકીયા પણ તેની પસંદની જાહેર અભિવ્યક્તિ કરવાનું ન ચૂકતો. મને પણ ગમતી પરંતુ આપણે પરણેલા તેથી હાથ પગ બંધાયેલા. તેના પિતા ઉમાકાંતભાઈ ચોક્સી સચિવાલયમાં ડીસ્ટ્રીકટ ગેઝેટિયરમાં મદદનીશ નિયામક તરીકે નોકરી કરતાં. હું ૧૯૮૫માં IAS થયો પછી તેમને મળેલો. તેમની દીકરીના વડોદરા લગ્ન થયાં હતાં અને તે ત્યાં સુખી છે. 

કોલેજના પ્રિન્સિપાલ એમ. સી. શાહ સાહેબ એકાઉન્ટન્સી ભણાવે તેથી અમારે પરિચય નહીં. કોલેજના વાર્ષિક કાર્યક્રમમાં સ્ટેજ પર બેઠા હોય તે સિવાય જોવાનો મોકો નહીં. IAS થયા પછી એકવાર તેમના મળવા ગયેલો પરંતુ તે મુલાકાત એક સામાન્ય મુલાકાત જ રહી. 

અમારે લગ્ન નાની ઉંમરે થાય એટલે લગ્ન પછી એક એક વર્ષે એકાદ અઠવાડિયાના આણાં થાય. ત્રીજા વર્ષે ત્રીજા આણાંએ વહુ ઘર કરે. લક્ષ્મી પણ પરણી ત્યારે ૧૯૭૮માં ત્રણ દિવસ, ૧૯૭૯મા પહેલું આણું થયું ત્યારે એક અઠવાડિયું આવેલી. ૧૯૮૦ મારું TyBCom પૂરું થયું એટલે વેકેશનમા બીજું આણું થયું ત્યારે બે અઠવાડિયાં રોકાઈ. પછી તે જ વર્ષે દશેરાએ (૧૯ ઓક્ટોબર ૧૯૮૦) મારા બાપા ત્રીજું આણું કરી તેને તેડી લાવ્યા તે પછી તેની સાથેની મારા જીવન સફરનો એક નવો અધ્યાય શરૂ થયો. 

 ૪ સપ્ટેમ્બર ૨૦૨૫

Wednesday, September 3, 2025

અમદાવાદના ૧૯૬૯નાં કોમી હુલ્લડો

જબ કુત્તે પર સસા આયા, તબ અહમદશાહને શહર બસાયા. પાટણ રાજધાનીથી ગુજરાતનું રાજ કરતો સુલતાન અહમદશાહ સાબરમતીના તટ પરથી પસાર થઈ રહ્યો ત્યારે તેના કૂતરાનો સામનો કરતાં સસલાને જોઈ તેણે રાજધાની બદલવાનો નિર્ણય લીધો અને પોળ, બજાર અને કચેરીઓથી ભરેલું અને બાર દરવાજા અને આઠ બારીઓવાળું કોટબંધ એક શહેર બનાવી તેને અહમદાબાદ (અમદાવાદ) નામ આપી સન ૧૪૧૧માં ગુજરાતની રાજધાની બનાવી દીધી. 

૧૫૭૨માં અકબરે જીત્યું ત્યાં સુધી અહીં સ્વતંત્ર સુલતાનોનું રાજ રહ્યું. પછી આવ્યું મુગલ ગવર્નરોનું રાજ જેમાં શાહજહાં, ઔરંગઝેબ અને મુરાદ પ્રમુખ રહ્યા. મુગલો પછી મરાઠા રાજ આવ્યું અને પેશ્વા પછી ગાયકવાડે રાજ કર્યું. પછી આવ્યા અંગ્રેજો અને ૧૯૪૭માં આઝાદી મળી એટલે આવ્યું લોકશાહી રાજ અને ૧૯૬૦માં સ્વતંત્ર રાજ્ય બનતા આવ્યું ગુજરાતી રાજ. બહુમતી વસ્તી ગુજરાતી પરંતુ રાજ મુસલમાન, મરાઠા અને અંગ્રેજોનું તેથી અહીં સમરસ સંસ્કૃતિ, સર્વ ધર્મ સમભાવની સાથે નીડરતાનો ગુણ વિકાસ થયેલો. પરંતુ ધર્મ હોય અને વિખવાદ ન થાય તે કેમ બને? 

અહીં બે તહેવારોએ અમદાવાદ આખું રોડ પર આવી જતું. એક અષાઢી બીજની શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાની રથયાત્રા અને હિજરી મુહ્હરમ મહિનાના દસમા દિવસે આવતો માતમ-શોકનું તાજિયા સરઘસ. રથયાત્રા અહીં ૧૮૭૮ના વર્ષથી શરૂ થયેલી અને તાજિયા શહેર બન્યું ત્યારથી હશે કારણકે તેની ભારતમાં શરૂઆત ઉઝબેકિસ્તાનના સુલતાન તૈમૂર લંગની ભારત ચડાઈના વર્ષ ૧૩૯૮થી થયેલી. બંને પર્વો કોમી એખલાસના દર્શન કરાવે અને સાથે સાથોસાથ તોફાની તત્વોને કોમી વિખવાદ પેદા કરવાની તક આપે. 

જે તે સમયે અમદાવાદ નાનું અને કોટબંધ શહેર એટલે તેનો રૂટ જમાલપુર મંદિરથી શરૂ કરી ગોળલીમડા-ખાડિયા-કાલુપુર-સરસપુર-પ્રેમદરવાજા-દિલ્લી ચકલા-શાહપુર-પાનકોરનાકા-માણેકચોક થઈ જમાલપુર મંદિરે પહોંચતી. આ રથયાત્રા ખાડિયા અને સરસપુર આવે એટલે ચાર્જ થાય અને જેવી પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલાના રૂટ પર દાખલ થાય એટલે કોમી વિખવાદની દહેશત વધી જાય. રથ, માનવ મહેરામણ, વાજિંત્રોના અવાજ સાથે સાંકડી પોળ ગલીઓમાં પસાર થતાં થતાં ચોક-રસ્તે રોકાય એટલે તોફાની તત્વોના કોમી ઉશ્કેરણી કરવાના અટકચાળા કોમી તોફાનમાં પરિવર્તિત થતાં વાર ન લાગે. જો વાત વધુ વણસે તો પછી પત્થરમારો, ટીયરગેસ, ગોળીબાર, કર્ફ્યૂની કહાની શરૂ થઈ જાય. જો કે ૧૯૬૯ની રથયાત્રા જુલાઈમાં કોમી વાતાવરણનો તનાવ છતાં શાંતિપૂર્ણ પસાર થઈ ગઈ હતી. 

આમ તો અમદાવાદ કોમી એખલાસ માટે જાણીતું શહેર પરંતુ ૧૯૪૭માં ભારતના ભાગલા પછી બે કોમનું કોમી વૈમનસ્ય વધ્યું અને નાના મોટા કોમી તોફાનો થતાં અને શમી જતાં. પરંતુ લોકનાયક ઈંદુચાચાની આગેવાની હેઠળ લડાયેલા મહાગુજરાત આંદોલન પછી ૧ મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં વિકાસનો માર્ગ મોકળો થયો. અમદાવાદમાં કપડાં મિલોની અને ચાલીઓની સંખ્યા વધી. ૧૯૬૦-૭૦ના દશકમાં વસ્તીમાં ૩૮%નો વધારો થયો. ૧૫ લાખ વસ્તીનું શહેર ૨૦ લાખ વસ્તીવાળું થયું. પૂર્વ અમદાવાદ મજૂરો અને બહારથી આવેલા લોકોથી ભરાવા માંડ્યું. અમદાવાદ રાજધાની બનતાં રાજકારણ મુંબઈથી છૂટી અમદાવાદ આવ્યું. 

એવામાં મણિનગરમાં હિંદુ રાષ્ટ્ર માટે નીકળેલી ત્રણ દિવસની રેલી (૨૭-૨૯ ડીસેમ્બર ૧૯૬૮) અને જૂન ૧૯૬૯માં મળેલી જમીયત ઉલેમા એ હિંદ કોન્ફરન્સે કોમી વિભાજન શરૂ કર્યું. ૩ માર્ચ ૧૯૬૯માં કાલુપુરમાં ટ્રાફિકમાં અવરોધક હાથલારી ખસેડતાં તેમાં રહેલ કુરાન નીચે પડવાના એક પ્રસંગે પોલીસ કર્મીની માફી માંગવાના અને તોફાનો થતાં પોલીસ કર્મચારીઓને ઈજાની ઘટના બની. 

બીજી તરફ ૪થી સપ્ટેમ્બરમાં રામલીલામાં ભેળાં થયેલ લોકોને વિખેરતાં મુસ્લિમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા મેજ પરથી રામાયણ પડી જતાં હિંદુઓમાં આક્રોશ ફેલાયો અને હિંદુ ધર્મ રક્ષા સમિતિએ આંદોલન કર્યું. એક રાજકીય પક્ષના આગેવાન બલરાજ મધોકે ૧૪-૧૫ સપ્ટેમ્બરે શહેરની મુલાકાત લઈ ઉગ્ર ભાષણો કર્યા. 

૧૮ સપ્ટેમ્બર ૧૯૬૯ ના રોજ જમાલપુર જગન્નાથજી મંદિરની નજીક સૂફી સંત બુખારી સાહેબ ચિલ્લાની દરગાહ પર ઉર્સનો મેળો ભરાયો. ઉજવણી માટે મુસલમાનોની ભીડ જામી અને તે ભીડ ભરેલા રસ્તામાંથી ગાયો લઈ જગન્નાથજી મંદિર તરફ જતાં સાધુઓ નીકળ્યા. ભીડમાં ગાયો દોડવાથી કેટલીક મુસ્લિમ મહિલાઓને ઈજા પહોંચી જેના બદલામાં ટોળાએ ગાય લઈ જનાર મંદિરના સાધુઓને ઈજા પહોંચાડી અને મંદિરની બારીને નુકસાન પહોંચાડ્યું. મંદિરના મહંત સેવાદાસજી ઉપવાસ પર ઉતરતાં તરત જ ૧૫ જણાનાં મુસ્લિમ પ્રતિનિધિમંડળે તેમને મળી માફી માંગી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો. 

પરંતુ શાંત રહે કે રાખે તે અમદાવાદ શાનું? ૧૯ સપ્ટેમ્બરની સવારે તોફાનો શરૂ થયાં અને મજૂર વિસ્તારોમાં ફેલાઈ ગયા. અમદાવાદમાં મિલો આવવાથી ચાલીઓ આવી. ચાલીઓમાં એક તરફ થ્રોસલમાં કામ કરતાં દલિત હિંદુઓ રહે અને બાજુની ચાલી-મહોલ્લામાં શાળ ખાતામાં કામ કરતાં કે સ્વરોજગાર કરતાં નાનાં નાનાં ગલ્લા ધરાવતા મુસલમાનો રહે. મૂળ હિંદુઓ તો બાજુએ રહ્યાં અને પડોશમાં રહેતાં ઉપરના બે સમૂહ રમખાણોમાં સામસામે આવી ગયા. 

સરકારે ટીયરગેસ, લાઠીચાર્જ, કર્ફ્યૂના હથિયારો ઉગામ્યા છતાં ૧૯ થી ૨૪ સપ્ટેમ્બરના છ દિવસમાં ૫૭૪ લોકો માર્યા ગયાં અને દુકાનો, ઘરો, મસ્જિદો તોડતાં-સળગાવતાં કરોડોની પૂંજી પાયમાલ થઈ ગઈ. ૨૦ સપ્ટેમ્બરે ટોળાંથી ઘેરાયેલા મુસલમાન ભાઈએ ટોળાની માંગ મુજબ જય જગન્નાથ કહેવાને બદલે મોત પસંદ કર્યું. ટોળાએ તેના પર પેટ્રોલ છાંટી આંગ ચાંપી દીધી. ત્રણ કલાક કર્ફ્યૂ હળવો થયો તો તેમાં ૪૦ જણ માર્યા ગયા. ઉચાળા ભરી ટ્રેનમાં ભાગતાં લોકોને ટ્રેનમાંથી બહાર ખેંચી માર્યા. એક ગાંડપણ સવાર હતું જેણે અમદાવાદ શહેરને રક્તરંજિત કર્યું. મુસલમાનોને વધારે નુકસાન થયું. 

ગુજરાત સમાચાર, સંદેશ અને જનસત્તા અખબારો ચાલતા. સમાચારોની સંદિગ્ધતાને કારણે અફવાનું બજાર જોરમાં. ક્યાંક પત્રિકાઓ છપાવી વિતરિત કરાવી ભડકાવનારા તત્વો સક્રિય તેથી ખબર જ ન પડે કે કેમ આ જૂથો એકબીજાને મારી મરી જવા પર તૂલ્યા છે? 

૧૯ સપ્ટેમ્બરે તોફાનો થતાં જ કર્ફ્યૂ લાગ્યો અને મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈએ પળનોય વિલંબ કર્યા વિના બીજા દિવસે કેન્દ્ર સરકાર પાસે આર્મી માંગી લીધી. ૨૪ સપ્ટેમ્બરે આર્મી આવી, દેખો ત્યાં ઠારના હુકમો થયાં. તોફાનો નિયંત્રિત થયા પરંતુ છૂટાછવાયા ચાલુ રહ્યાં. 

હું ત્યારે નવ વર્ષનો. પૂર્વ અમદાવાદમાં નટવરલાલ વકીલની ચાલીની ઓરડીમાં અમે રહેતાં. પિતા અને મોટાભાઈ મિલ કામદાર. કુટુંબમાં અમે કુલ આઠ જણા, માતા-પિતા, દાદી, ત્રણ ભાઈ, એક ભાભી અને નાની એક બહેન. મા અને બહેન તો ભટારિયા હતાં અને ભાભી ગર્ભવતી. પિતા અને મોટાભાઈ આઠ કલાક મિલમાં જાય તેથી ઘરકામ અને ટાંપાટીયા કરવામાં મારી સક્રિયતા અને પુખ્તતા વધતી ચાલી. પિતા મજૂર મહાજન સંઘના મેમ્બર તેથી મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, સરદાર પટેલ, લાલ બહાદૂર શાસ્ત્રી, વગેરે નેતાઓના આદર્શો અને તેમના જીવન ચરિત્રોની વાતોનો પરિચય રહે. પિતા અને માતા આઝાદીની ચળવળના જમાનાના અને ૧૯૪૨ની ભારત છોડો આંદોલનના ભાગરૂપ સાડા ત્રણ મહિનાની મિલ હડતાળમાં જોડાઈ તેમણે આઝાદી આંદોલનમાં યોગદાન આપ્યું હતું. તેથી રાષ્ટ્ર ભક્તિ અને જાહેર જીવનના સંસ્કાર મારામાં બચપણથી વણાઈ ગયા જેને કારણે સમાચારો, જાહેર ઘટનાઓ પ્રત્યે મારી સભાનતા રહેતી. 

૧૯૬૯ના કોમી હુલ્લડોમાં અમારી ચાલીએ પણ ભાગ લીધો હતો. સામાન્ય સંજોગોમાં મારા પિતા જેવા આગેવાનોના અવાજે બધા ચાલે પરંતુ તોફાનોની વાત આવે એટલે જેનું ઉપદ્રવ મૂલ્ય હોય તેવા અસામાજિક પ્રકારના ઈસમોના હાથમાં નિયંત્રણ આવી જાય. અમારી ચાલીને અડકીને જ મણિયારવાડો. સામાન્ય દિવસોમાં તો હિન્દૂ-મુસલમાન દુકાનોમાં ચીજ-વસ્તુઓનું ખરીદ વેચાણ, કરિયાણું, ઘંટી, સાયકલ રીપેર, દવાખાનું, વગેરે કામે બંને કોમોનો ઘનિષ્ઠ પરિચય. તેમાંય દારુ અને જુગારનો અને પોલીસનો પરિચય પણ ગાઢ. એટલે જેવું કોમી ટેન્શન વધ્યું કે બધાની ભાષા બદલાઈ ગઈ. બીજી કોમ પ્રત્યે અપશબ્દોનો મારો શરૂ થયો. તે વર્ષે સાતેક મિલો બંધ થઈ હતી એટલે કેટલાક બેરોજગાર હતા અને કેટલાક ઉભરતા યુવાનો પાસે કંઈ કામ નહોતું. ટોળું બન્યું. દરેકના ઘરમાં લાકડી અને પાઈપ હોય જ. કેટલાકના ઘેર ધારિયા મળી જાય. બસ તૈયારી પૂરી. ટોળું, લાકડી, પાઇપ અને ધારિયું લઈ હોંકારા દેકારા કરતાં ચાલીમાંથી નીકળી રોડ પર આવી જાય. સામે બીજું ટોળું હોય. પછી શરૂ થાય પત્થરમારો અને લાગ આવી જાય તો દુકાનો તોડવાનું, લૂંટવાનું અને સળગાવવાનું કામ ચાલુ થઈ જાય. ઘરમાં કેરોસીનના ડબલા ભરેલાં હોય તે કામ લાગે. પરંતુ આવું તો એકવાર થાય. વધારે લાંબુ ચલાવવા વધુ આયોજન જોઈએ. તેથી ક્યાંકથી પાઈપ, કેરોસીન અને દારુના કેરબા આવી જાય. 

પહેલા દિવસે પત્થરમારામાં એકાદ બે જણના માથા ફૂટ્યા હતાં તેથી હવે બીજા દિવસે બદલો લેવા હુમલો કરવાનો હતો. તે વખતે ઘરમાં ખાવાના વાસણ તરીકે કાંસાની તાંસળીઓ. કેટલાક યુવાનોએ માથાની રક્ષા માટે માથે તાંસળી અને ઉપર રૂમાલ કે કપડું બાંધી દીધેલું. કેટલાકે ઘરમાં પાઘડી હોય કે ધોતી કે સાડી હોય તે બાંધી દીધેલ. મને કુતૂહલ થયું. હું પણ ટોળાની પાછળ ચાલ્યો અને શું કરે છે તે જોવા રોડના કિનારે ઉભો રહી ગયો. કરફયૂ હતો એટલે રોડ તો સાવ ખાલી અને દુકાનો બંધ. ટોળું સીધું પહોંચ્યું મારવાડાની અનાજ કરિયાણાની દુકાને. ટોળાએ તેનું શટર તોડ્યું અને ઘંઉ, ચોખા, બાજરીના કોથળા ઉઠાવી લાવ્યાં. બીજા નાના મોટા ડબ્બા, ગોળ, તેલ ઉઠાવ્યા. મારી નજર પર એક કાજુ ભરેલા ડબ્બા પર ગઈ. મારવાડાની દુકાને જતો ત્યારે કાચના ભાગથી દેખાતા કાજુ ખાવાનું મન થતું. આજે તો કોઈ નથી. પરંતુ ચોરીનું કેમ લેવાય? મનમંથન ચાલતું હતું એટલામાં પોલીસ આવતી દેખાણી એટલે બધાં ભાગીને ચાલીમાં ભરાયા. 

બીજા દિવસે કર્ફ્યૂ ખૂલ્યો એટલે ફરી પાછું ટોળું તોફાન કરવા નીકળ્યું. પરંતુ સાત ચાલીઓથી લૂંટાયેલી દુકાનો બધી ખાલી થઈ ગઈ હતી. તેથી પરત આવતાં ચાલીના નાકે આવેલું મંગા હટ્ટીનું લાકડાનું પીઠું લૂંટ્યું અને સળગાવ્યું. પતરાં બધાં ઉખાડી લાવ્યાં. હવે આપણી હદ ઓળંગી પેલી બાજુ જઈએ તો મોત નજીક આવવાની દહેશત હતી અને પોપટીયાવડ પાસે એક યુવાનનું પોલીસ ગોળીબારમાં મરણ થતાં પોલીસની બીક પણ લાગતી હતી તેથી તોફાની ટોળાએ આક્રમણનો માર્ગ છોડી જો સામેથી આક્રમણ આવે તો સુરક્ષા માટેની તૈયારી કરી દીધી. બધાંના ઘેર જે કોઈ ઈંટ પત્થર હતાં તે લાવી ચોગાનમાં મોટો ઢગલો કરી દીધો. 

તોફાનોને કારણે મિલો બંધ એટલે આવક બંધ. બાવીસ તારીખની ખર્ચી ન મળી. સાત તારીખનો પગાર વપરાઈ ગયો હતો. દૂધ આવતું ન હતું તેથી ઘરમાં કાવો બનતો પરંતુ તેને ગળ્યો કરવાં ગોળ જોઈએ. ચાની પત્તી પૂરી થવા આવી હતી. કરફ્યૂ ખુલે એટલે લારીઓમાં ક્યાંક ડુંગળી બટાટા મળે પરંતુ મોંઘા એટલે રોટલો અને મરચાંની ચટણી બનાવી ગુજારો ચાલતો. ઘરમાં પૈસા થઈ રહ્યા એટલે મારા બાપાએ જેવી કરફયૂમાં એક કલાકની છૂટ આવી એટલે મને એક કિલોમીટર દૂર આવેલ હીરાલાલની ચાલીમાં રહેતાં તેમના મિત્ર અને કાકા સસરા બાલુરામને ત્યાં પાંચ રૂપિયા ઉછીના લેવા મોકલ્યો. 

હું તો નીકળ્યો. વીસેક મિનિટ જવાની થાય અને વીસેક આવવાની અને દોડીએ તો શક પેદા થાય તેથી ચાલવામાં ત્વરા રાખી. વળી મનમાં તોફાનોની બીક એટલે ચારે બાજુ નજર રાખી ફૂટપાથ પકડી ચાલતો રહ્યો અને બાલુરામભાના ઘેર પહોંચી ગયો. ખબર અંતર પૂછ્યા અને પાંચ રૂપિયા ઉછીના માંગ્યા. પરંતુ તેમને પણ અમારા જેવી ભીડ હતી તેથી ના પાડી દીધી. ઠાલા હાથે હું પાછો વળ્યો. પરંતુ જેવો નજીકના ચાર રસ્તે આવ્યો ત્યાં તો બંને બાજુની ચાલીઓમાંથી પુરુષો ધારિયા, પાઈપો અને સળગતા કાકડા લઈ ધસી આવ્યા. હું તો ફૂટપાથના ખૂણે લપાણો પરંતુ પાંચ-દસ મિનિટમાં તો ટોળાએ ચાર રસ્તાની દુકાનો તોડી લૂંટી લીધી અને પાટિયા, બીજો સામાન રોડ પર નાખી તેની હોળી કરી દીધી. ત્યાં ઊભા રહેવામાં કંઈ સાર ન હતો અને વાગવાની બીક તેથી સરકતો સરકતો હું જમણા રસ્તે વળી લાંબા ડગલા ભરતો ઘર ભેળો થઈ ગયો. 

અમદાવાદમાં આર્મી આવવાથી કરફયુ કડક બન્યો. મિલિટરી કરફયૂ તોડનારને ડામરના રોડ પર નાક ઘસડાવતી તેથી માર અને નાક જવાના બીકે કરફ્યૂ ભંગ કરનારની સંખ્યા ઘટી. કરફ્યૂ પણ સ્ત્રીઓ માટે જ હળવો કરાતો. જે સરકારી નોકરિયાત હોય તેમને કરફ્યૂ પાસ મળતાં. કોઈ બિમાર હોય તો ડોક્ટર પાસે કે હોસ્પિટલ લઈ જવા પાસ કઢાવવો પડતો. આર્મીની ઘોડાઓ પર બેસી માર્ચ પાસ્ટ થતી. દેખો ત્યાં ઠારની બીક વધી તેથી રોડ પરના તોફાનો અંકુશમાં આવ્યાં. 

પરંતુ અંદર શું ચાલી રહ્યું છે તે જોવાં મિલિટરીની ટીમો બનાવી રીયફલ સાથે ચાલીઓની તપાસમાં લાગી ગઈ. અમારી ચાલીમાં પણ રોન આવવાની હતી. ચોગાનનો ખૂણો પત્થરો અને ઈંટોથી ભરેલો હતો. ચાલીના આગેવાનોને બીક કે મિલિટરી બે-પાંચને પકડશે અને ખૂબ મારશે. તાબડતોબ ચાદરો, શેતરંજી, ગોદડાં, કંતાન ભેળાં કર્યા અને આખો ઢગલો ઢાંકી દીધો. મિલિટરીની ટીમ આવી, હું તેમની સાથે લાઈને લાઈને ફર્યો અને જેવાં ચોગાનમાં આવ્યા એટલે ઢગલો બતાવી એ ક્યા હૈ? પ્રશ્ન કર્યો. મોટિયાર બધાં એકબીજા સામું જોતાં રહ્યાં. પછી ગંગારામ ભગતે હળવે થી કહ્યું કે સાહેબ ડુંગળી બટાકા હૈ. બહાર કુછ મિલતા નહીં ઈસલિએ એકઠાં કર રાખ્યા હૈ. મિલિટરીનો એક અમલદાર હું ચાલી આખીમાં તેમની સાથે ચાલેલો તેથી તેણે મારી સામે નજર કરી પૂછયું, ક્યા યહ સચ કહ રહે હૈ? મારે ઘેર શ્રાવણમાં મહાભારત વંચાતુ અને તેમાં ભીમે મારેલાં અશ્વત્થામા (હાથી)ની ગુરૂ દ્રોણે તે પોતાનો પુત્ર તો નથી મર્યો તેની ખરાઈ કરવાં યુધિષ્ઠિરને પૂછતાં તેણે ધર્મ યુદ્ધ જીતવાં નરો વા કુંજરો વા કહેલું, તે મને યાદ હતું. મેં ભગતની વાત માટે ડોકું હલાવ્યું. એક સિપાહીએ ચાદરનો છેડો ઊંચો કરી જોઈ લીધો અને હસ્યો અને પછી તેઓ ચાલી નીકળ્યા. મેં ચાલતાં ચાલતાં કહ્યું કે બાજુમાં અડકીને મણિયારવાડો છે. જો તેમનો હુમલો થાય તો બાળકો- સ્ત્રીઓની રક્ષા કરવા આ ઢગલો એક માત્ર હથિયાર છે. 

હુલ્લડો અને અધિક માસ. દિવાળીનો તહેવાર (૯ નવેમ્બર) નજીક આવતાં ચાલીઓ ખાલી થવા માંડી. રેલવેમાં કોઈ ટિકિટ લેતું નહીં. મારી ચાલીના કોટની પાછળ એક રસ્તો અને તરત જ રેલવેનો કોટ. કોટમાં દારૂના પીપ ઉતારવા અને સંતાડવા બુટલેગરોએ ફાંડા પાડેલા. તેથી પાછલા રસ્તે રેલવેમાં દાખલ થઈ કાલુપુર સ્ટેશને જઈ ટ્રેનની અંદર ઉપર જ્યાં જગ્યા મળે ત્યાં ચઢી બધાં રવાના થતાં. મોટાભાગના લોકો સામાનમાં બીજુ્ શું હોય? ઘરવખરીનો સામાન (વાસણો) ચાદરમાં બાંધીને નીકળેલા. 

મારા બાપા અને કનુભાઈને ઘેર રાખી મોટાભાઈ જીવણ, ગર્ભવતી ભાભી રઈ, દાદી સુંદર અને હું રેલના રસ્તે થઈ સવારે આઠની ટ્રેનમાં ચઢ્યા. ખરા બપોરના બાર વાગે કટોસણ રોડ ઉતર્યા. ચીમન શ્રીમાળીની દુકાને જઈ હાથ મોઢું ધોઈ ઊંટલારીની ખબર કરી પરંતુ મફત કોણ લઈ જાય. ઘેર જઈ રૂપિયો આપીશું એમ કહીએ તો કોણ માને? અમારું ગામ ભટારિયા નવ કિલોમીટર દૂર. બે કલાક ચાલવાનું. દાદી ૮૨ વર્ષના અને વયોવૃદ્ધ, ન ચાલી શકે તેવાં. ભાભીને સાતમો મહિનો ચાલે. મારા ભાઈએ વાસણોનું પોટકું માથે ઉપાડ્યું અને અમે ચારેય જણ રેલના પાટાની કિનારી પકડી ચાલી નિકળ્યાં. દાદી માંડ ડગલાં ભરતી. મારા હાથમાં કપડાંની થેલી. રઈભાભી દાદીને પકડી ધીમે ધીમે આગળ વધે. જીવણભાઈ આગળ અને હું વચમાં. રેલના પાટે વચ્ચે વચ્ચે ગરનાળા આવે એટલે તેમાં બે પાટા વચ્ચે થઈ ચાલવાનું. કોઈકમાં સલેપાટની જગ્યા પૂરવાં પતરું હોય અને કોઈકમાં ન હોય. એવાં એક ગરનાળાને પાર કરતાં મારા ભાઈનો પગ બે સલેપાટની વચ્ચેના ગાળામાં ગયો અને મચકોડી ગયો. બે જણાં તો અપંગ જેવા અને તેમાં આ ત્રીજા થયાં. માંડ માંડ બંગલીએ પહોંચ્યા અને ત્યાં સુંદરમાં ફસડાઈ પડ્યાં. હજી ગામ આવવાને દોઢ બે ગાઉ બાકી હતાં. રઈભાભીને તેમની જોડે રાખી હું ત્વરાએ ગામ પહોંચ્યો. ખુશાલીભાને વાત કરી. તરત જ ખાટલી તૈયાર કરી બે યુવાન બંગલી તરફ રવાના થયાં અને સાંજની વેળા સમયે દાદી અને રઈભાભીને લઈ ઘેર આવ્યા. દાદી પથારીવશ થઈ ગયા. 

મારી માં પૂંજીબાઅને નાની બહેન રમીલા ઘેર હતાં જ. બહેનને રમાડી ત્યાં સુધી બાએ બટાટા ડુંગળીનું શાક વઘારી દીધું અને જાડા જાડા ઘંઉના રોટલા ઘડી દીધાં. જમીને ગામમાં ઉંઘવાની મારી એ પહેલી રાત હતી. મારા બાપાએ સાયકલ પર ફેરી કરી ખાદી વેચી મેંગ્લોરી નળિયા અને સાદડની વળીઓથી બાંધેલું પાકી ઈંટોના ઘરમાં મારી એ પહેલી રાત હતી. આખા દિવસના થાકેલાં એટલે રાત ક્યાં ગઈ ખબર જ ન પડી. 

સવારે મોરલાના ટહુકા, મંદિરની ઘંટડીના અવાજે મારી આંખ ઉઘડી ગઈ. એટલાકમાં તો ઘેર ઘેર ભેંસ દોહવાના, છાણ વાસીદું કરવાના અને માથે ટેકરા ઉપાડી ઉકરડે છાણ નાંખવા જતી વહુઆરુઓના અવાજે ગામ જાગતું થઈ ગયું. પુરુષો બધાં લોટે નીકળ્યા અને જેણે સવારની શિરામણી પતાવી હોય તે ખેતરે જવા નીકળ્યા. કોઈક ઠાલા તો કોઈક બળદ લઈ તો કોઈ બળદગાડામાં બેસી. ચોમાસાની સીઝન તો પૂરી થઈ ગઈ હતી. પરંતુ કેટલાકના ખળામાં હજી અનાજ લેવાનું બાકી હતું. રઈભાભીને ચૂલો સળગાવી ચા મૂકી દીધી હતી. મેં લીમડાનું દાતણ લીધું. એવું કડવું લાગ્યું કે થૂંકી નાંખ્યું. પછી ચા પી પહેલીવાર ગામ જોવાની તૈયારી કરી હું કલ્પનામાં ખોવાયો. મને ક્યાં ખબર હતી કે મારી કલ્પનાની હકીકત વસમી થવાની હતી. 

૩ સપ્ટેમ્બર ૨૦૨૫

Monday, September 1, 2025

મારી પ્રથમ કોલેજ એચ. કે. કોમર્સ કોલેજના સંભારણા

સેંટ જોસેફ હાઈસ્કૂલમાં ભણી એસ એસ શી બોર્ડમાં વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે ફર્સ્ટ ક્લાસ મેળવી તો લીધો પરંતુ દિનેશભાઈ દવેના પ્રકરણમાં અમારું એક મહિનાનું ભણાવાનું બગડ્યું અને કેટલોક કોર્સ અધૂરો રહી ગયો તેનો રંજ હતો. મારા બાપાએ પણ હું ધોરણ ૧૦માં હતો ત્યારે પંદરમા વર્ષે મારી સગાઈ લક્ષ્મી જોડે કરી દીધી હતી તેનું પણ ઘર્ષણ ચાલતું હતું. પરિણામે ત્રણેય વર્ષ શાળામાં પ્રથમ રહેનાર હું ત્રણ માર્ક્સ માટે ધોરણ ૧૧માં મારું પ્રથમ સ્થાન ગુમાવી બેઠો. રમણભાઈ પ્રભુદાસ મકવાણા કરતાં હું છ વિષયમાં આગળ પરંતુ સાતમાં હિન્દીમાં તેના માર્ક્સ મારા કરતાં ૨૯ વધારે હોવાથી છ વિષયની મારી ૨૬ માર્ક્સની લીડ ધોવાઈ ગઈ અને શાળાના બોર્ડ પર મારું નામ ચડાવવાના અભરખા મનમાં જ રહી ગયા. 

પરંતુ હવે કોલેજ જીવનની શરૂઆત થવાની હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ કાનમાં ગુંજારવ કરી રહી હતી. ઘટમાં ઘોડા થનગને ને આતમ વિંઝે પાંખ, અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ. એક નવી મંઝિલ, એક નવી સફર, કુટુંબ અને દેશની સેવા માટે સજ્જ થવાનો માર્ગ પ્રશસ્ત થઈ રહ્યો હતો. હવે યુનિફોર્મના એક જ રંગના પેન્ટને બદલે મનપસંદ રંગના પેન્ટ શર્ટ પહેરવા મળવાનો આનંદ હતો. 

ડોક્ટર અને તેની સોયનો ભય બચપણથી ભરાયેલો એટલે મનમાં હતું કે ડોક્ટર નહીં એન્જીનિયર બનીશું. હું એ હરખમાં ને હરખમાં ભવન્સ સાયન્સ કોલેજનું પ્રી સાયન્સનું ફોર્મ લઈ આવ્યો. બપોરે પિતા અને બે ભાઈ મિલમાંથી છૂટી ઘેર આવ્યાં. મેં વાત કરી કે હવે મારે કોલેજ કરવાની છે અને વિજ્ઞાન શાખામાં ભણી એન્જિનિયર બનવાનું છે તેથી મારાથી મિલ કે બીજું કામ નહીં થાય. ફી તો ભરવાની નથી પરંતુ ભણતરના સાધનો, નોટ, પુસ્તકો જેવું કંઈક નાનું મોટું લાવવાનું થાય તો ઘરની મદદ જોઈશે. ત્રણ ભાઈઓમાં હું સૌથી નાનો. મારા સૌથી મોટાભાઈ જીવણભાઈએ ઉગ્ર પ્રતિભાવ આપ્યો. શાનું હવે ભણવાનું? અમે મિલમાં જઈએ છીએ તેમ મિલમાં ચડી જવાનું. મફત ન ખવાય. કોઈ ખર્ચ નહીં આપીએ. બાપા ચૂપ રહ્યા અને મા તો કંજૂસ તેથી ભણતરના ખર્ચની વાત તેને ક્યાં ગોઠે? વાતાવરણ ઉગ્ર થયું અને તે ઉગ્રતામાં મેં ભવન્સ કોલેજનું લાલ રંગનું ફોર્મ ફાડીને ફેંકી દીધું. 

મારા વચેટભાઈ કનુભાઈ બધું જોઈ રહ્યા હતાં. બીજા દિવસે તેમણે મિલમાં તેમના મિત્ર જેસીંગભાઈને વાત કરી. જેસિગભાઈ કહે તેમના કોઈ ઓળખીતા ઝીંઝુવાડિયા સાહેબ એચ. કે. કોલેજમાં છે તેમની પાસે જઈએ. તેમણે ઝીંઝુવાડિયા સાહેબ જોડે વાત કરી મને એચ. કે. કોલેજમાં જઈ તેમને મળવા જણાવ્યું. હું તો બીજી સવારે પહોંચી ગયો એચ. કે. કોલેજના પટાંગણમાં અને દરવાજા પરના ચોકીદારને પૂછી ઝીંઝુવાડિયા સાહેબ કમ્પાઉન્ડમાં જ હતાં તેમને શોધી લીધા. તેમણે મારી માર્કશીટ જોઈ પછી કહ્યું કે તેઓ આર્ટસ કોલેજમાં સ્પોર્ટ્સના પ્રોફેસર છે પરંતુ મારા વિજ્ઞાન વિષયો જોતાં બપોરોની કોમર્સ કોલેજમાં એડમિશન લેવું તેવી સલાહ આપી. આપણને શું આર્ટ્સ કે શું કોમર્સ, વિજ્ઞાન સિવાય ખબર નહીં. પરંતુ ભાઈના તાપને કારણે વિજ્ઞાન શાખાનું ફોર્મ તો ફાડી નાખેલું તેથી કોલેજના પ્રોફેસરે કહ્યું છે તેથી યોગ્ય હશે તેમ સમજી બપોરે એચ. કે. કોમર્સ કોલેજનું ફોર્મ લઈ ભરી પ્રવેશ મેળવી લીધો. 

પછી શરૂ થયો ભણવાનો ક્રમ. એએમટીએસ બસનો પાસ કઢાવ્યો. રીચી રોડ જઈ એક ડઝન નોટ લઈ આવ્યો. પુસ્તકના પૈસા કોણ આપે? તેથી લાયબ્રેરીનું કાર્ડ લીધું અને પુસ્તક બેંકમાંથી સેટ મેળવવા અરજી કરી દીધી. હવે શરૂ થઈ બસ નં ૧૪૧, ૧૪૨ અને ૧૪૪ની સફર. નદીપાર જવાનું તેથી ચાલતા ક્યારે પહોંચાય? સાયકલ આવડે નહીં કારણકે બાએ સાયકલ પર ચડવા જ નહોતો દીધો. બસ પાછલા બસ સ્ટેન્ડોથી ભરાઈને આવે તેથી ઊભી જ ન રહે. કોઈક ઉતરનારું હોય તો થોડી આગળ જઈ ઊભી રાખે. તેથી કોલેજ જતાં બસનાં પાટિયાં દૂરથી વાંચવા, જેવી આવે અને ઊભી રહે તો ત્વરાથી ચઢી જવું અને ના ઊભી રહે તો તેની સાથે દોડી જો દંડો હાથ આવી જાય તો દોડીને ચઢી જવાનો આનંદ લેવાતો. એ ત્વરા અને જાગૃતિ ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામ આવવાની હતી. 

પરંતુ કોમર્સ કોલેજના વિષયોથી મારું માથું પકડાયું. બીઝનેસ એડમિનિસ્ટ્રેસન, કોમર્શિયલ કોરસપોન્ડન્સ, એકાઉન્ટન્ટન્સી, ઈકોનોમિક્સ, ઈંગ્લીશ, આંકડાશાસ્ત્ર ભણવાના. કેટલાક સહાધ્યાયી કાયમ બહાર જ રહે પરંતુ આપણે તો ભણવા આવ્યા છીએ તેથી એક પણ વર્ગ કેમ ચૂકાય. મનને ગમતું તો નહોતું પરતું જોર કરીને જોડ્યું. ગણિત મારો ગમતો વિષય અને શ્રીકાંત પરીખ સાહેબ અને સુજલભાઈ મહેતા સાહેબની ભણાવવાની પદ્ધતિ ખૂબ સરસ તેથી આંકડાશાસ્ત્રમાં તો મન લાગ્યું. પરંતુ સાથેસાથે એકાઉન્ટન્સીમાં પણ નોંધવાનું અને સરવાળા બાદબાકી કરવાની આવે અને તેમાંય આર.આર. ગાંધી સાહેબ ભણાવતા હોય એટલે એકાગ્રતા અને રસ બંને ભેળા થાય. તેમનો ચહેરો હાસ્ય પેદા કરે અને તેઓ બોર્ડ પર લખતાં હોય અને જો કોઈ ટીખળ કરવાનો પ્રયત્ન કરે તો તરત જ પકડી લે જાણે કે તેમને ચાર આંખો હોય, બે આગળ અને બે પાછળ. તેઓ બંને હાથે લખતાં અને આવે તે ઉધાર અને જાય તે જમા બરાબર ઠસાવી દેતાં. તેમની શિક્ષાથી એકાકી પેઢી કે ભાગીદારી પેઢીના હિસાબો, વેપાર ખાતુ, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવું મારે માટે સરળ થઈ ગયેલું. દ્વિનોંધી નામા પદ્ધતિ અને પાકા સરવૈયાની બંને બાજુ સરખી કરવાની પોથી તેમણે એવી તો ભણાવી કે આજે પચાસ વર્ષ પછી પણ યાદ છે અને ક્યાંક ઈન્ટરવ્યુ લેવા જઈએ તો કોમર્સના ઉમેદવારોને આંટવામાં કામ આવે છે. સરકારોની બજેટ રમતમાં ઉધારના લઈ મૂડી દેવાં બાજુએ સરવાળો કરી બે છેડાં ભેળાં કરવાનો અને છૂપાવવાનો ખેલ તરત નજરે ચડી જાય. ઇકોનોમિક્સ અમને બિપિનભાઈ શાહ અને હરૂભાઈ ભણાવતાં. બિપિનભાઈ તો તેમની લખેલી નોટ લઈ આવે અને તે જોઈ લખાવવાનું શરૂ કરી દે. તેમણે શું ભણાવ્યું તેની તે દિવસે તો ખબર ન પડે પરંતુ દરરોજ ઝડપી લખવાની પ્રેક્ટિસ કરવાથી પરીક્ષામાં પેપર સમયસર પૂરું કરવામાં અને સપ્લીમેન્ટરી ભરવામાં ઘણું કામ આવતું. કોમર્સીયલ કોરસપોન્ડન્સમાં મિસ્રી સાહેબની ભણાવવાની ઠંડક વિષયને અઘરો કરી દેતી. ઈંગ્લીશમાં વર્ષાબેન શાહની તાજગી અને પ્રેરણાબેન દિવેટિયાની ઉદાસીનો ગજબનો સંગમ હતો. બીઝનેસ એડમિનિસ્ટ્રેસન આમ તો માથાનો દુઃખાવો પરંતુ બે પ્રાધ્યાપકમાંથી એક સનત મહેતા સાહેબનો વર્ગ હાઉસફૂલ જાય. વાંકડિયા કાળા વાળ અને સ્ટાઇલીશ મૂછ, ડાર્ક ફ્રેમના ચશ્મા અને ઉત્સાહવર્ધક અવાજ તેથી તેમનું ભણાવેલું મગજમાં તરત ઉતરતું. બીજા પ્રાધ્યાપક મનુભાઈ મોદીનો અવાજ જ એવો દબાયેલો કે કાન દઈ સાંભળીએ તો ય ન સમજાય. વિરાટ મહેતા સાહેબે ગુજરાતી સાહિત્યની ગુણવંતરાય આચાર્યની દરિયાલાલ એવી તો ભણાવી હતી કે વાંચવાનો ચશ્કો ઉપડ્યો અને એ બે વર્ષમાં બીજી પચાસ સાઠ ચોપડીઓ-આત્મકથાઓ વાંચી નાંખી. એન.એસ.એસ.માં જોડાઈ રચનાત્મક કામોની તાલીમ લીધી. 

હું દરરોજ કોલેજ જતો અને ભણતો પરંતુ મારું મન ઉદાસ. બીજગણિત, ભૂમિતિ, ફીઝીક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિનાનું ભણતર નિરાશા લાવતું. કોલેજની યુનિટ ટેસ્ટમાં મારો સ્કોર અને પ્રથમ સ્થાન જળવાઈ રહેતું પરંતુ મનની ખટક જતી ન હતી. છેવટે એક દિવસ પોતાના મનની વાત પરીખ સાહેબ સામે ખોલી દીધી. સાહેબ મારે સાયન્સ કોલેજમાં જવું છે. પહેલું સત્ર પૂરું થવાને એક અઠવાડિયું જ બાકી હતું. પરીખ સાહેબ કહે, હવે તો મોડું થઈ ગયું. જો સાયન્સમાં જવું હોય તો આ વર્ષે ડ્રોપ લઈ આવતા વર્ષે પ્રી સાયન્સનાં પ્રવેશ લેવો પડે. તે જમાનામાં ટયુશનમાં જવું અને કોલેજમાંથી ડ્રોપ લઈ વર્ષ બગાડવાનું નામોશીભર્યુ ગણાતું. વળી ઘેર બેઠા તો મિલ કામદારની નોકરી પાકી જ હતી તેથી કમને પણ કોમર્સના ગાડી હલાવે રાખી. પ્રી કોમર્સ ફ્રસ્ટ ક્લાસ મેળવી હું એફ.વાય.બી.કોમમાં આવ્યો. 

બીજા વર્ષે મોટાભાગના વ્યાખ્યાતા ચાલુ રહ્યા પરંતુ તેમાં ઉમેરાયા રૂપાળા અને સૌના મનપસંદ ગીતાબેન શાહ. એવા નાજુક અને નમણાં કે જો પાણી પીએ તો જાણે ગળામાંથી પાણી જતું દેખાય. તેમનો મધુર અવાજ સૌને રોમાંચિત કરી દેતો. અર્થશાસ્ત્ર ભણાવવાની તેમની પદ્ધતિ એવી અદ્ભુત કે બીજીવાર વાંચવાની કે યાદ રાખવાની જરૂર ન રહે. તે વર્ષે કોલેજની પરીક્ષામાં ઇકોનોમિક્સમાં મને સૌથી વધુ ગુણ મળેલા. તેમને મારું લખેલું એવું તો ગમેલું કે વર્ગમાં વખાણ કરતા ન થાકે. કહે કે તેઓ પણ કદાચ એવા જવાબ ન લખી શક્યા હોત. તેઓ જીવ્યા ત્યાં સુધી મને અને મારી એ પરીક્ષાને અચૂક યાદ કરતાં રહ્યા. 

બીઝનેસ એડમિનિસ્ટ્રેસનમાં એક વાળંદ સાહેબ જે મને બહું યાદ રહ્યા. કહેતા કે ચાર વર્ષ કોલેજના સાચવી લીધાં તો પછીના ચાલીસ સુધરી જવાના અને જો આ ચાર બગાડ્યાં તો પછીના ચાલીસ પણ બગડી જવાના. મારું ધ્યાન એ ચાર તરફ રહ્યું જેણે મારા ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખ્યો. તે વર્ષે યુનિવર્સિટી પરીક્ષામાં મેં ફર્સ્ટ ક્લાસ મેળવી કોલેજમાં મારું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું. એફ.વાયનું આંકડાશાસ્ત્ર ભણાવવા પાધ્યાપક વિષ્ણુભાઈ પંડયા જોડાયા અને આંકડાશાસ્ત્રમાં પૂરા માર્ક્સ લાવવા મારા માટે સામાન્ય બની ગયું. 

એચ. કે. આર્ટસ એટલે ૮૦ઃ૨૦ નો સુકાળ અને અમારે કોમર્સમાં ૨૦ઃ૮૦ નો દુકાળ. આખી કોલેજ રૂપાળી છોકરીઓથી ભરેલી. અમે લાલ દરવાજાથી નેહરૂ બ્રીજ પરથી ચાલી કોલેજ જઈએ ત્યારે જાણે ફેશન પરેડ હોય તેમ આખો બ્રીજ સુંદરતાથી ભરાઈ જાય. અમારી કોલેજની આજુબાજુ સાત સાત સિનેમા ઘરો. નટરાજ, શિવ, શ્રી, અંજતા, ઈલોરા, દીપાલી, રૂપાલી. અપરનો એક રૂપિયો ટિકીટ પરંતુ ગજવામાં ફદિયું હોય તો સિનેમા જોવાનો વિચાર આવે ને! બે વર્ષ રહ્યો પરંતુ એક પણ પિકચર ન જોયું. વિચાર જ ન આવ્યો. હું ભલો અને મારું વાંચન ભણતર ભલું. પરંતુ મારે એક ભારે ઘટનામાંથી પસાર થવાનું થયું. 

મારી ઉંમરનું હજી સત્તરમું વર્ષ ચાલતું હતું ત્યાં મારા બાપાએ મારા લગ્નની વાત ઉપાડી. ભણતર પૂરું થાય નહીં, નોકરી ધંધે લાગીએ નહીં ત્યાં સુધી કેવી રીતે પરણાય? સગાઈ તો હું ધોરણ-૧૦માં હતો ત્યારે થઈ ગયેલી. કન્યાને જોયેલી પણ નહીં. મનમાં થતું લગ્ન એટલે આખી જિંદગીનું બંધન, આમ જોયા વિના કેમ પરણાય? એક સવારે ટ્યુટોરીયલનું બહાનું કરી હું અને ત્રણ મિત્રો અમદાવાદ સ્ટેશનથી ટ્રેનમાં બેસી સવારે આઠ વાગે આંબલીયાસણ પહોંચી ગયા અને ત્યાંથી બસ મળી તેમાં બેસી મુદરડા જવા રવાના થયાં. માર્ગમાં મારી સાસરીનું ગામ દીવાનપુરા આવે. મારા સાથીએ કહી રાખેલું કે બસમાં જમણી સાઈડની બારીએ બેસજે. બસ દીવાનપુરા તારા સસરાના ઘર સામે જ ઊભી રહેશે, તેથી તને કન્યા જોવા મળી જાય. દીવાનપુરાનું સ્ટેશન જેમ જેમ આવવાં થયું તેમ તેમ મને મારા હદયના ધબકારા સંભળાવા લાગ્યા. હું બારીમાંથી એકટક થઈ તાકીને જોઈ રહ્યો. બસ ઊભી રહી અને સામે એક ઘરની ઓસરીમાં પંદર વર્ષની રંગે જરાક શ્યામ કન્યા મારી નજરે ચડી. વાદળી સ્કર્ટ, સફેદ બુશર્ટ, માથામાં તેલ નાંખી તસોતસ ખેંચીને ઓળેલા વાળ અને તેમાંય સાઈડ પાંથી, પાતળા પણ ચમકતા પગ અને ઉર્જાવાન કન્યાને મેં પહેલીવાર જોઈ. મારો મિત્ર કહે, તે એ જ. 

પરંતુ આપણને શું ખબર કે આપણે કન્યાને કેવી રીતે જોવાની અને પસંદ કરવાની? બસ તરત જ ઉપડી. અમે આગળના મુદરડા બસ સ્ટેન્ડ પર ઉતરી તેમના શાળાએ આવવાના રસ્તે હળવેકથી ચાલવાનું શરૂ કર્યું. લક્ષ્મી ત્યારે ધોરણ નવમાં અભ્યાસ કરતી. થોડીવારમાં જ દીવાનપુરા તરફથી પાંચ-સાત છોકરીઓ અને ત્રણ-ચાર છોકરાઓનો સમુહ આવતો દેખાયો. મારી સાથે સગાઈ થયેલી કન્યાને મળવા પહેલીવાર ગયેલો તેથી બાથી છાના ઉછીના ઉધાર કરી પંદરેક રૂપિયા ભેળાં કરેલાં. તેમાંથી ખાડિયા જઈ લાલ-લીલા રંગની કાચની બંગડીઓ, ત્રણેક રંગની રીબીનો, નખ રંગવા નેલ પોલિશ, એક નાનકડું હથેળી જેવડું પાકીટ, એક નાનો રૂમાલ વગેરે લઈ આવેલો. તે જેવું મેં સામે ધર્યું કે તેની સાથેની છોકરીઓએ વચ્ચેથી જ ખેંચીને લઈ લીધુ. પછી તો બધાં વારાફરતી જુએ અને નખ રંગવાની શીશી તો ત્યાં જ લગભગ પૂરી થઈ ગઈ. 

મેં લક્ષ્મી સાથે અલપઝલપ વાત કરી અને અમે પરત થઈ મળી તે બસ પકડી સીધા અમદાવાદ આવી ગયા અને પછી કોલેજ છૂટવાના સમયનો મેળ કરી જાણે કંઈ બન્યું નથી તેમ હાથમાં કોલેજની નોટો પકડી ઘેર પહોંચી ગયા. પછી થોડાક દિવસ જવા દઈ મેં ઉપાડ્યો ઝઘડો કે મારે હાલ પરણવું નથી. મને કોલેજ શિક્ષણ પૂરું કરવા દેવામાં આવે. 

અહીં મિલમાં મારા બાપાને મજૂર મહાજન સંઘના મેમ્બરની ચૂંટણી. લક્ષ્મીના કાકા બબલદાસ મારા બાપાના ભાઈબંધ અને સમર્થક. મારા બાપા ૧૯૫૪થી મેમ્બર. ચૂંટણી હોય એટલે વિરોધી પણ હોય. મારા મોટાભાઈ પણ સામેત્રા ગ્રુપના વિરોધમાં વિરોધી થઈ જાય. હવે જો આવા સંજોગમાં મારા સગપણનું કંઈક આઘુંપાછુ થાય તો ચૂંટણી હારી જવાય. મારા પિતાને ધર્મ સંકટ આવ્યું. તે મારા માટે એક સોનાનો દોરો બનાવી લાવ્યા. તેમના મોટાભાઈ સોમાભાઈને સમજાવવા લઈ આવેલા. મને થતું આખરે ભણીને નોકરી તો માતા પિતા માટે કરવી છે. જો તેમને સુખી રાખવાનું મુખ્ય કર્તવ્ય હોય તો તેમને આ તબક્કે દુઃખી કરી, કોઈ બીજાને ક્રેડિટ આપી વિખવાદ કેમ કરવો? આદર્શવાદને આગળ ધરી મેં હા ભણી એટલે મે ૧૯૭૮માં મારા લગ્ન થઈ ગયાં, 

મુરતિયો અઢારમી નજીક અને કન્યા સાડા સોળની. અમદાવાદથી ત્રીસ સીટરની લકઝરી કરી, એક ઢોલ અને બે શરણાઈવાળા અને પચીસ જાનૈયા લઈ મને પરણાવી દીધો. મારા પરણવાનો કુલ ખર્ચ ₹૩૦૦૦ થયેલો જેમાંથી મારા મામાએ મામેરાં અને દાપા પેટે ₹૧૨૦૦ કાંધુ કરી આપેલાં. તે સમયે સાંજે જાન પહોંચે પછી જમે, રાતવાસો કરે, પરોઢિયે ચોરી ફેરા થાય, બપોરે જમણ અને માંડવાનો વહેવાર કરી જાન પરત ફરે એટલે સંધ્યા થઈ જાય. પછી જેવું અંધારું થાય તે પછી વહુનો લક્ષ્મી તરીકે ગૃહપ્રવેશ થાય. લક્ષ્મીનો પણ તે ૧૮ મે ૧૯૭૮ની રાત્રે ગૃહપ્રવેશ થયો અને મારા જીવનના પરિવર્તનની શૃંખલાની શરૂઆત થઈ. 

હવે પરણ્યા એટલે નોકરી કરવી જરૂરી. મોટાભાઈનું મફતિયાનું મહેણું હજી મગજમાં વાગ્યા કરતું. બપોરની કોલેજમાં જઈએ તો નોકરી કેમ થાય? એટલે નિર્ણય લીધો કોલેજ બદલવી. કોલેજનો પ્રથમ રેન્કનો વિદ્યાર્થી કોલેજ છોડે એટલે પ્રિન્સિપાલનું ધ્યાન જાય. પ્રિન્સિપાલ ધીરૂભાઈ વેલવન સાહેબે મને તેમની ચેમ્બરમાં બોલાવ્યો. મારું કોલેજ બદલવાનું કારણ પૂછયું અને રજા આપી. મેં તે જ આશ્રમ રોડ પર થોડેક દૂર આવેલ નવગુજરાત કોમર્સ કોલેજમાં એસ.વાય.બી.કોમ. માં પ્રવેશ મેળવી લીધો જ્યાંથી મારા મહા પુરુષાર્થની એક બીજી યાત્રાનો આરંભ થવાનો હતો. 

મેં એચ. કે. કોમર્સ કોલેજ નોકરી સાથે ભણવાની અનુકૂળતા કરવા છોડી, પરંતુ તે મારી પહેલી કોલેજ, બે વર્ષ તેના પ્રાધ્યાપકો મારા જીવનના પહેલાં પથદર્શકો તેથી તે કોલેજ અને તેના પ્રાધ્યાપકો મને નવગુજરાત કોલેજ કરતાં પણ વધુ આત્મીય રહ્યા અને વધુ યાદ રહ્યાં. તેમનો પ્રેમ મને આજેય ભીંજવતો રહે છે. અમારા રોહિતભાઈ ગાંધી સાહેબ તો અમેરિકા રહે પરંતુ મારે જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર હોય તો તરત જ વસ્તુ લઈ ત્વરાએ મોકલી આપે. ગીતાબેન તો હવે રહ્યા નથી પરંતુ તેમને અમેરિકા જઈ મળવાનું ચૂકી જવાયું તેનો વસવસો કાયમ રહેવાનો. બિપિનભાઈ પછીથી કોલેજના પ્રિન્સિપાલ થયા ત્યારે એકવાર મળેલો. વર્ષાબેન વિશે મારા મિત્ર જયકાંત બગડિયા ક્યારેક સમાચાર આપતાં હોય છે. બાકી બધાં ક્યાં છે? ખબર નથી. 
સહાધ્યાયીઓમાં અમે સાથે બેસતાં તે પૈકી બદરખાં ગામના તખતસંગને ઘેર એકવાર ગયેલો. રામોલના પુરૂષોત્તમ પટેલ, અમદાવાદના સુનીલ જૈન (શાહ), માંકડ, પંચાલના સમાચાર નથી. સમય ક્યારે વીતી ગયો ખબર જ ન પડી અને ચિત્રો હવે ચિત્રપટ પરથી અદૃશ્ય થઈ રહ્યા છે ત્યારે સૌને યાદ કરવાની આ તક લીધી છે. ગમાડજો. સૌને નમસ્તે. 

ડો. પૂનમચંદ પરમાર (IAS:1985) 
ભૂતપૂર્વ વિદ્યાર્થી, એચ. કે. કોમર્સ કોલેજ, 
પૂર્વ અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર 
૧ સપ્ટેમ્બર ૨૦૨૫
Powered by Blogger.